લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીની રાહ જોવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે આ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. X પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે, તેમણે પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પાર્ટી નેતૃત્વને વિનંતી કરી છે.
ગંભીરે એક પોસ્ટમાં લખ્યું કે, ‘મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે મને રાજકીય ફરજોમાંથી મુક્ત કરવામાં આવે, જેથી હું ક્રિકેટ પર ધ્યાન આપી શકું. જનતાની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.’
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024
ગૌતમ ગંભીરની આ પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકો કહે છે કે તેમણે રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ તો કેટલાક તેમને આગળની કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જોકે, ગંભીરે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઇ રહ્યા છે કે નહીં. તેમણે માત્ર લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને 2011ના વર્લ્ડ કપના સ્ટાર ખેલાડી ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને માર્ચ, 2019માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ ભાજપે તેમને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ટીકીટ આપી હતી, જ્યાંથી જીત મેળવી હતી. તેમની સામે દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ આતિશી મારલેનાને ટીકીટ આપી હતી, પરંતુ તેમણે કારમી હાર ચાખવી પડી હતી.
ભાજપ ગમે ત્યારે જાહેર કરી શકે પહેલી યાદી
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે જાહેર કરી શકે છે. ગત ગુરુવારે મધ્ય રાત્રિએ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સમિતિના બાકીના નેતાઓ તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં 100થી વધુ બેઠકો પર ઉમેદવારોનાં નામની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં ગુજરાતની 26 બેઠકો પણ સામેલ છે. ચર્ચા છે કે પહેલી યાદીમાં તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે. આ માટે ગત સપ્તાહે 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ગાંધીનગરમાં મોવડી મંડળે બેઠક કરીને દરેક બેઠક પર નામ પણ ફાઇનલ કર્યાં હતાં.
આ નામો કેન્દ્રીય ચૂંટણી સમિતી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. જોકે, 26માંથી 26 જાહેર કરવામાં આવે કે અમુક બેઠકો બાકી રાખવામાં આવશે તે યાદી જાહેર થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભાજપની નવી યાદીમાં અનેક બેઠકો પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે અને વર્તમાન સાંસદોની ટીકીટ કપાઈ શકે છે. દિલ્હીમાં પણ મોટાભાગની બેઠકો પર ફેરબદલની આશંકા છે.