સંસદ બહાર ભાજપના (BJP) સાંસદસભ્યો સાથે ધક્કામુક્કી કરીને તેમને હોસ્પિટલ પહોંચાડવા મામલે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ FIR ભાજપના વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદ બાદ દિલ્હી પોલીસે FIR દાખલ કરી છે. પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આરોપ છે કે ગુરુવારે (19 ડિસેમ્બર, 2024) સંસદ ભવનની બહાર રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ ભાજપના સાંસદ સભ્યો સાથે ધક્કામુક્કી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં ભાજપના 70 વર્ષના વયોવૃદ્ધ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને 56 વર્ષીય મુકેશ રાજપૂત ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી. ભાજપના આ બંને નેતાઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કઈ કલમો હેઠળ નોંધાઈ FIR
બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. આ મામલે ભાજપે ફરિયાદ આપ્યા બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી લીધી છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશી આ મામલે પક્ષ તરફથી ફરિયાદી બન્યા છે. જે માહિતી સામે આવી રહી છે તે મુજબ રાહુલ ગાંધી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ લેવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે ‘હત્યાના પ્રયાસ’ની કલમ હટાવીને રાહુલ ગાંધી વિરુદ્ધ BNSની કલમ 117,125, 131,3(5) મુજબ FIR નોંધી છે. આ કેસની તપાસ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
70 વર્ષના સાંસદને માથામાં ઈજા ચિંતાજનક: RML હોસ્પિટલ પ્રશાસન
ધક્કામુક્કીમાં ઘાયલ થનારા ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ ઊભા હતા અને તેમની બાજુમાં અન્ય એક સાંસદ હતા. રાહુલ ગાંધીએ આ સાંસદને ધક્કો મારવાથી તેઓ તેમની ઉપર પડ્યા, જેના કારણે પોતે પણ ફસડાઈ પડ્યા હતા. આ મામલે RML હોસ્પિટલના તબીબે પણ કહ્યું હતું કે પ્રતાપ સારંગીની ઉમર ખૂબ છે અને આ ઉમરે તેમને માથામાં ઈજા ચિંતાજનક છે. તબીબોના જણાવ્યા અનુસાર બંને નેતાઓના બીપી હાઈ હતા અને માથામાં ઈજા હતી. જોકે, હાલ બંનેની તબિયત સ્થિર છે.
કોંગ્રેસે પણ સામે નોંધાવી ફરિયાદ, CCTV જાહેર કરવાની કરી માંગ
એક તરફ ધક્કામુક્કીમાં ભાજપના બે સાંસદ સભ્યોને દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ મામલે ક્રોસ કમ્પ્લેઇન ફાઈલ કરાવી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમના નેતા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઈજા પહોંચી છે અને આથી જ તેમણે પણ ફરિયાદ કરી છે. આ ફરિયાદ નોંધાવવા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘ અને પ્રમોદ તિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ માંગ કરી છે કે મલ્લિકાર્જુન ખડગે દલિત સમુદાયમાંથી આવતા હોવાથી ફરિયાદ પણ SC-ST એક્ટ હેઠળ દાખલ કરવામાં આવે.
આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ આ મામલે માંગ કરી છે કે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે. કોંગ્રેસનું કહેવું છે કે સંસદ પરિસરમાં અનેક CCTV કેમેરા છે, જો રાહુલ ગાંધીએ કોઈને ધક્કો માર્યો હોય તો તેના ફૂટેજ જાહેર કરવામાં આવે. કોંગ્રેસે ભાજપ પર ખોટો માહોલ ઉભો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સિવાય કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી FIRના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શન કરશે તેવી ઘોષણા પણ કરવામાં આવી છે.