કોરોના મહામારી દરમિયાન ચાલતા રસીકરણ દરમિયાન 100% રસીકરણ બતાવવા જૂનાગઢમાં ખોટાં સર્ટિફિકેટ બનાવવામાં આવ્યાં હોવાનો ખુલાસો થયો છે. રસપ્રદ વાત એ છે કે આ સર્ટિફિકેટ કોઈ સામાન્ય વ્યક્તિઓનાં નામે નહીં પરંતુ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ, કેટલાક ક્રિકેટ સ્ટાર્સ સહિતના સેલિબ્રિટીઓનાં નામે બનાવવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં ફરતાં થયેલાં આ ડોક્યુમેન્ટ હાલ ચર્ચાનો વિષય બન્યાં છે.
તાજેતરમાં જૂનાગઢમાં ભળતાં નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટરોના ખોટાં વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યાં હોવાનું સામે આવતાં જિલ્લા વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં જયા બચ્ચન, મહિમા, જુહી ચાવલા, જેવી અભિનેત્રીઓ સહિત મોહમ્મદ કૈફ અને અન્ય ક્રિકેટરોના નામનાં ખોટાં વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યાં હોવાનું બહાર આવ્યું છે.
આ બોગસ સર્ટિફિકેટમાં જુહી ચાવલાએ મોટી મોણપરી ગામે, મોહમ્મદ કૈફે પ્રેમપરા સબ સેન્ટર ખાતે, જયા બચ્ચન અને મહિમા ચૌધરીએ મેંદપરા પીએચસીમાં રસી લીધી હોવાનું પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ તમામ લોકોની જન્મ તારીખ 1 જાન્યુઆરી અને વર્ષ અલગ-અલગ લખવામાં આવ્યાં છે. અનેક જગ્યાએ રસીકરણની કામગીરી માત્ર કાગળ ઉપર કરીને રેકોર્ડ બતાવવા માટે ખોટાં નામે પ્રમાણપત્રો ઈસ્યૂ કરી દેવામાં આવ્યાં હોવાનું અનુમાન છે.
આવાં સર્ટિફિકેટ અનેક લોકોનાં ઈસ્યુ થયાં છે, એવા સંજોગોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ખોટાં સર્ટિફિકેટ જ નહીં, કોરોનાની કિંમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ તોળાઈ રહી છે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વસ્તુ શક્ય નથી. અગાઉ જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે, તેમની સામે કડક પગલાં લેવાયાં છે.
રસીકરણ બતાવવા માટે જૂનાગઢમાં ખોટાં સર્ટિફિકેટ બનાવવામાં આવ્યાં હોવાનું કૌભાંડ સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર રચિત રાજે આ મામલે કડક તપાસ કરવાના આદેશ આપ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ડેપ્યુટી ડેવલપમેન્ટ ઓફિસરની આગેવાનીમાં એક પાંચ સભ્યોની સમિતિ નીમવામાં આવી છે, જે આ મામલે તપાસ કરશે અને પંદર દિવસમાં રિપોર્ટ સોંપશે. રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.