ઉત્તર ગુજરાતમાં આવેલો બનાસકાંઠા જિલ્લો જે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે. બનાસકાંઠાના અંતરિયાળ ગામો જે રાજસ્થાનની હદથી નજીક આવેલા છે, ત્યાં વસવાટ કરતા ગ્રામજનોને હદ વિસ્તારને કારણે વિવાદનો ભોગ બનવું પડતું હોય છે ફરીથી અહીં આવી જ એક ઘટના બની છે. અહીં ફરી એકવાર રાજસ્થાન સરકાર દ્વારા અતિક્રમણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અહેવાલો મુજબ ગુજરાત બોર્ડરના બનાસકાંઠાના ધાનેરાના વાછોલ ગામમાં રાજસ્થાન સરકારે પાઈપલાઈન નાંખી દેતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકારની જલસે નલ યોજના હેઠળ ગુજરાતની જમીનનો રાજસ્થાને ઉપયોગ કર્યો છે. રાજસ્થાનના બે ગામો વચ્ચે પાઈપલાઈનથી પાણી પહોંચાડવામા માટે ધાનેરાના વાછોલ ગામનો ઉપયોગ કર્યો છે.
ગુજરાતની જમીન પર દબાણનો પ્રયાસ?
— News18Gujarati (@News18Guj) March 28, 2023
રાજસ્થાનના અધિકારીઓએ પાણીની પાઈપલાઈન નાખી
જલ સે નલ યોજનાની લાઈન ગુજરાતની જમીન પર!#Gujarat #News18GujaratiNo1 #banaskantha pic.twitter.com/ri7rpL3Ysv
નોંધનીય છે કે રાજસ્થાનના રાણીવાડા તાલુકાનું છેલ્લું ગામ બામણવાડા છે. જ્યાં રાજસ્થાન સરકાર પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું હતુ. તેણે ગુજરાતની જમીનનો ઉપયોગ કર્યો છે. જોકે સ્થાનિક સરપંચના ધ્યાને આ વાત આવતા તેઓએ તરત જ આ પાઈપલાઈન કઢાવી નાખી હતી.
અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો ઘટનાસ્થળે
વિવાદ સામે આવતા બનાસકાંઠાના ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મોડા માડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવાની બાંહેધારી આપી છે. ટીડીઓના કહેવા પ્રમાણે જો બંને રાજ્યોના અધિકારીઓ મળીને જમીનની માપણી કરે તો જ આ વિવાદનો અંત આવી શકે તેમ છે.
આ પહેલા પણ થઇ ચુક્યો છે આવો જ વિવાદ
મળતી માહિતી અનુસાર રાજસ્થાન સરકાર દ્વારા અતિક્રમણ થયું હોય એવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ રાજસ્થાન તરફથી ગુજરાતમાં જમીન મુદ્દે વિવાદ થયો હતો અને રાજસ્થાન સરકાર જમીન ઉપર કબ્જો કરવાના પ્રયાસ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગૌચરની જગ્યામાં રાજસ્થાનની હદના નિશાનથી 500 થી 600 મીટર અંદર દક્ષિણ દિશા તરફ કોઈને પણ જાણ કર્યા વગર રાજસ્થાન રાજ્ય દ્વારા નવા ખૂંટ મારવામાં આવ્યા હતા. જેના ફોટોગ્રાફ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર કચેરી જમીન દફતર કચેરી સહિત તમામને આપવામાં આવ્યા હતા.