230વખત ઉમેદવારી નોંધાવનાર પદ્મરાજન ચૂંટણીની વાત આવે એટલે તેઓ પણ ચર્ચામાં આવીજ જાય. ભલે તેઓ આજ સુધી એક પણ ચૂંટણી જીત્યા નથી, પરંતુ ચૂંટણી લડવાના તેમના જુસ્સામાં કોઈજ ફરક પડતો નથી. તેમણે 230મી વખત ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. 230 વખત ઉમેદવારી નોંધાવનાર પદ્મરાજન આ વખતે રાજ્યસભાની ચૂંટણી માટે મેદાનમાં છે.
મળતા અહેવાલ મુજબ, 10 જૂન, 2022ના રોજ તમિલનાડુ સહિત 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. 230 વખત ઉમેદવારી નોંધાવનાર પદ્મરાજન પણ આ ચૂંટણીમાં તમિલનાડુમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેમનું કહેવું છે કે હાર્યા પછી પણ તેઓ ચૂંટણી લડે છે જેથી લોકોમાં જાગૃતિ ફેલાય કે સામાન્ય માણસ પણ ચૂંટણી લડી શકે.
અહી નોંધનીય છે કે, 63 વર્ષીય કે.પદ્મરાજન તમિલનાડુના સાલેમ જિલ્લાના મેટ્ટુરના રહેવાસી છે. તેઓ વ્યવસાયે હોમિયોપેથી ડોક્ટર છે. 1988થી ચૂંટણી લડવાની સફર શરૂ કર્યા બાદ અત્યાર સુધી તેઓ પંચાયત સ્તરથી પ્રમુખ સુધી ચૂંટણી લડી ચુક્યા છે. આ વખતે તેમની 230મી ચૂંટણી છે. અત્યાર સુધી લડાયેલી ચૂંટણીમાં તેમણે માત્ર નામાંકન પર જ 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભૂતકાળમાં એક વખત તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.સૌથી વધુ ચૂંટણી લડવાનાની બાબતમાં કે. પદ્મરાજનું નામ લિમ્કા ‘બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં ઓલ ઈન્ડિયા ઈલેક્શન કિંગ તરીકે પણ નોંધાયેલું છે. નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પદ્મરાજને વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમને 1850 વોટ મળ્યા હતા, જ્યારે તેમણે જીતવા માટે કોઈપણ પ્રકારનો પ્રચાર સુદ્ધા નહોતો કર્યો.
કઈ ચુંટણી કેટલી વાર લડ્યા
પદ્મરાજન અત્યાર સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી (5), ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (5) લોકસભાની ચૂંટણી (32), રાજ્યસભાની ચૂંટણી (50), વિધાનસભાની ચૂંટણી (72), MLC (3), મેયર (1), અધ્યક્ષ (3) પંચાયત પ્રમુખ (4), કાઉન્સિલર (12), જિલ્લા કાઉન્સિલર (2), યુનિયન કાઉન્સિલર (3), વોર્ડ સભ્ય (6), નિયામક (30) અને 1 વખત સામાન્ય ચૂંટણી લડ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ અત્યાર સુધી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, નરસિમ્હા રાવ, જયલલિતા, કરુણાનિધિ, એકે એન્ટની, યેદિયુરપ્પા, બંગરપ્પા, એસએમ કૃષ્ણા, ઈદાપ્પડી પલાનીસામી, એમકે સ્ટાલિન સામે ચૂંટણી લડી ચૂક્યા છે.