લોકસભા ચૂંટણી જાહેર થવાને થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ ઈલેક્શન કમિશનર અરુણ ગોયલે રાજીનામું ધરી દીધું છે. તેમનું આ રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે.
અરુણ ગોયલના રાજીનામા બાદ હવે ચૂંટણી પંચમાં માત્ર ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર જ રહ્યા છે. કારણ કે એક ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી. ઈલેક્શન કમિશનર અનુપ પાંડે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા. હવે અરુણ ગોયલે પણ રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનરો હોય છે.
President accepts the resignation tendered by Arun Goel, Election Commissioner with effect from the 9th March 2024: Ministry of Law & Justice pic.twitter.com/88tuyXm4uP
— ANI (@ANI) March 9, 2024
અરુણ ગોયલના કાર્યકાળમાં હજુ ત્રણ વર્ષ બાકી હતાં. તેમણે લોકસભા ચૂંટણી પહેલાં અચાનક રાજીનામું શા માટે આપી દીધું તે પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
અરુણ ગોયલે ભારતના ચૂંટણી કમિશનર તરીકે 21 નવેમ્બર, 2022ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. તેઓ 1985ના બેચના પંજાબ કેડરના IAS અધિકારી છે અને તેઓ સરકારમાં સેક્રેટરી રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઑફ હેવી ઈન્ડસ્ટ્રીઝમાં 37 વર્ષ સુધી સચિવ તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ સેવાનિવૃત્ત થયા હતા.
7 ડિસેમ્બર, 1962ના રોજ પટિયાલામાં જન્મેલા આ અધિકારીએ પંજાબ યુનિવર્સિટીમાંથી M.SC (ગણિત)નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ચર્ચિલ કૉલેજમાંથી તેમણે ડેવલપમેન્ટ ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની તૈયારી
ચૂંટણી કમિશનરે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી યોજવા માટે કમિશન તૈયારી કરી રહ્યું છે. હાલ કમિશનની ટીમો જુદાં-જુદાં રાજ્યોમાં જઈને તૈયારીઓને સમીક્ષા કરી રહી છે. શુક્રવારે ચૂંટણી પંચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રેલવેના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દેશભરમાં સુરક્ષાકર્મીઓ તહેનાત કરવાને લઈને ચર્ચા થઈ હતી.
લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાવાની ગણતરી છે. આ માટે ચૂંટણી પંચ આગામી 15-16 માર્ચ આસપાસ તારીખો જાહેર કરી શકે છે. તેની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. 2019માં ચૂંટણી 10 માર્ચે જાહેર થઈ હતી અને 7 તબક્કામાં યોજાઈ હતી. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ હતું. 7 તબક્કાના મતદાન બાદ 23 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં.