Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દિરા ગાંધી કરી રહ્યાં હતાં ‘નબળી ભારતીય ફિલ્મો’ની ફરિયાદ, દિલીપ કુમારે દેશની...

    ઇન્દિરા ગાંધી કરી રહ્યાં હતાં ‘નબળી ભારતીય ફિલ્મો’ની ફરિયાદ, દિલીપ કુમારે દેશની હાલત જણાવીને કરી હતી બોલતી બંધ: અભિનેતાનો જૂનો વિડીયો વાયરલ

    દિવગંત અભિનેતાનું આ ભાષણ એ પણ દર્શાવે છે કે સ્વતંત્રતા બાદના કેટલાક દાયકાઓમાં કોંગ્રેસ શાસન દરમિયાન બનેલી ફિલ્મોમાં કેમ ગરીબી ઉજાગર કરવામાં આવતી હતી.

    - Advertisement -

    બૉલીવુડના દિગ્ગ્જ અભિનેતા દિલીપ કુમારનો એક વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કોઈ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તેમની પુત્રી ઇન્દિરા ગાંધી સાથેની મુલાકાતો અંગે વાતચીત કરતા જોવા મળે છે. 

    મુલાકાત દરમિયાન ઇન્દિરા ગાંધીએ ભારતીય ફિલ્મોની સરખામણી વિદેશોની ફિલ્મો સાથે કરીને દિલીપ કુમાર સમક્ષ ફરિયાદ કરી હતી કે ભારતીય ફિલ્મો શા માટે વિદેશી ફિલ્મોની કક્ષાની બનતી નથી. થોડીવાર સુધી તેમને સાંભળ્યા બાદ દિલીપ કુમારે તેમને જે જવાબ આપ્યો હતો, તેનો ઉલ્લેખ અભિનેતાએ આ ભાષણમાં કર્યો હતો. 

    દિલીપ કુમાર કહે છે કે, “એકવાર હું વડાપ્રધાન (તત્કાલીન) જવાહરલાલ નહેરુ સાથે નાસ્તો કરી રહ્યો હતો. દરમ્યાન ઇન્દિરાજીએ ઘણી વખત હસ્તક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે, તમે આ કેવી ફિલ્મો બનાવો છો? હું પેરિસમાં હતી, હું મોસ્કો ગઈ, મેં નાટકો જોયાં છે, ફિલ્મો જોઈ છે, સિમ્ફોનીક ઓર્કેસ્ટ્રા પણ સાંભળી છે. તમારાં હિંદુસ્તાની પિક્ચરોને શું થાય છે? આ હિંદુસ્તાની પિક્ચર આટલાં પાછળ કેમ છે?”

    - Advertisement -

    અભિનેતાએ આગળ કહ્યું, “ઇન્દિરા સીમા પાર કરી રહ્યાં હતાં અને આખા માધ્યમની (સિનેમા) જ ટીકા કરી રહ્યાં હતાં. જે યોગ્ય ન હતું. તેઓ કહેતાં હતાં કે તમારી ભારતીય ફિલ્મોમાં ‘ભારતીયપણું’ જ નથી. આ કયા પ્રકારની ઇન્ડસ્ટ્રી છે? 10-15 મિનિટ સુધી તેમની વાતો સાંભળી અને પછી વિચાર્યું કે હવે જવાબ આપું તો એ અપમાન નહીં કહેવાશે.”

    ત્યારબાદ તેમણે જણાવ્યું કે કઈ રીતે તેમણે ઇન્દિરા ગાંધીને તેમની દલીલોનો જવાબ આપ્યો હતો. 

    દિલીપ કુમારે કહ્યું, “તમે 15 મિનિટથી કહ્યું એ ખરેખર સાચું છે. તેનો ઇનકાર કરી શકાય નહીં. તમે કહો છો કે ફિલ્મોમાં ‘ભારતીયપણું’ નથી પરંતુ છેલ્લી 12 મિનિટથી તમે જે ચર્ચા કરી રહ્યાં છો તેમાં એક પણ શબ્દ ભારતીય ભાષાનો નથી. તમે અંગ્રેજી બોલી રહ્યાં હતાં.” 

    આગળ તેમણે કહ્યું કે, “આજે આપણે રસ્તાઓ બનાવી રહ્યા છીએ, પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ, હોસ્પિટલો ઉભી કરી રહ્યા છીએ, આંતરરાષ્ટ્રીય સબંધો સુધારી રહ્યા છીએ. દર વર્ષે ભીખ માંગવા માટે હાથ ફેલાવીને નીકળી પડીએ છીએ ક્યારેક તેલ માટે, ક્યારેક ચોખા માટે, ક્યારેક દુકાળ પડે છે, હજુ સુધી લોકો પાસે પીવાનું પાણી નથી. આપણું શિક્ષણ નબળું નથી. આપણી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી નબળી નથી. રસ્તાઓ, શિક્ષણ, કૃષિ, બધું જ નબળું છે. સરકારમાં પણ ઘણી બાબતો નબળી છે.” 

    તેમણે આગળ કહ્યું, “મેં વિચાર્યું કે આ વાતથી પંડિતજી (નહેરુ) નારાજ થયા હશે. પણ થોડી ક્ષણો મૌન રહ્યા બાદ તેમણે કહ્યું કે, હું તમારી જગ્યાએ હોત તો હું આટલો સૌમ્ય રહી શક્યો ન હોત.” 

    દિલીપ કુમારે આગળ કહ્યું કે, “ફિલ્મો પણ સુધરી શકે છે અને રસ્તાઓ પણ. આપણે એન્જીનીયરીંગ, કોમ્પ્યુટરો કે ટેક્નિકલ ચીજવસ્તુઓ આયાત કરી શકીએ, પણ સંસ્કૃતિ કે સાહિત્યને આયાત કરી શકાય નહીં. એ આ ભૂમિ પર જ વિકસાવવું પડે.”

    દિવગંત અભિનેતાનું આ ભાષણ એ પણ દર્શાવે છે કે સ્વતંત્રતા બાદના કેટલાક દાયકાઓમાં કોંગ્રેસ શાસન દરમિયાન બનેલી ફિલ્મોમાં કેમ ગરીબી ઉજાગર કરવામાં આવતી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે ભારતના જનજીવનના લગભગ દરેક ક્ષેત્રમાં ગરીબી વ્યાપ્ત હતી. સ્થિતિ આજના આધુનિક ભારતથી બિલકુલ વિપરીત હતી, જ્યાં આજે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગો પર સરકાર  તરફથી પૂરતું ધ્યાન અપાય છે. 

    જનધન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન, તમામ માટે શૌચાલય, જળ જીવન યોજના જેવી યોજનાઓ ભારતના સામાન્ય જનજીવનની મૂળભૂત જરૂરિયાતો સુનિશ્ચિત કરી રહી છે.

    આ પ્રકારની યોજનાઓનો ભારતીયોના જીવન પર પણ ઘણો પ્રભાવ પડ્યો છે અને જેની અસર ફિલ્મોમાં પણ જોઈ શકાય છે. હવે ફિલ્મોમાં પહેલાં જેવા વિષયો રહ્યા નથી કારણ કે આખું જનજીવન એક અલગ સ્તર પર પહોંચ્યું છે અને જેથી ફિલ્મોમાં પણ નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં