વર્ષ 2022માં વારાણસી સ્થિત જ્ઞાનવાપી ઢાંચામાંથી શિવલિંગ મળી આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ કરનાર દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રતન લાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે મામલો દિલ્હી હાઇકોર્ટ પહોંચતાં કોર્ટે આ FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, કૃત્ય વાસ્તવમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવનારું હતું અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આવો અમર્યાદિત ઉપયોગ કરી શકાય નહીં.
મે, 2022માં જ્ઞાનવાપીનો મુદ્દો કોર્ટ કાર્યવાહી અને સરવેના કારણે ચર્ચામાં હતો ત્યારે DUના એક પ્રોફેસર રતન લાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ભગવાન શિવનું ઘોર અપમાન કરતી એક પોસ્ટ કરી હતી. હિંદુ સમુદાયની લાગણી દુભાય તેવી આ પોસ્ટનો પછીથી વિરોધ પણ બહુ થયો હતો અને લોકોએ આક્રોશ વ્યક્ત કરીને તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી.
This hurts my religious sentiments. I will appreciate if Dr. Ratan Lal is booked under section 153A IPC & other provisions of IPC and case be pursued against him. @CPDelhi @DelhiPolicehttps://t.co/G8HJXVpEZ7 pic.twitter.com/9vf5Wy7KZE
— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) May 17, 2022
ત્યારબાદ આ મામલે પ્રોફેસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે પછીથી આ મામલે IPCની કલમ વિરુદ્ધ 153A (ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરેના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવી અને સૌહાર્દમાં ખલેલ પહોંચાડવી) તેમજ 295A (કોઈ પણ ધર્મના કે જાતિની વ્યક્તિનું અપમાન કરી તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવેલું કૃત્ય) મુજબ ગુનો નોધી કાર્યવાહી કરી હતી. પછીથી આ મામલે આરોપી પ્રોફેસરની ધરપકડ પણ કરવામાં આવી હતી. પછીથી FIR રદ કરવાની માંગ સાથે આરોપીએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
કોર્ટે સુનાવણીમાં શું કરી ટિપ્પણી
દિલ્હી હાઈકોર્ટે જ્ઞાનવાપીમાંથી મળી આવેલા શિવલિંગ પર અપમાનજનક ટિપ્પણી કરનાર DU પ્રોફેસર વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ મામલે જસ્ટિસ ચંદ્રધારી સિંઘની પેનલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આદેશમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “પ્રથમ દ્રષ્ટ્યા સ્પષ્ટ થાય છે કે પ્રોફેસરે ધાર્મિક સૌહાર્દ બગાડવાનું કાર્ય કર્યું છે. તેમની આ પોસ્ટ સમાજના એક મોટા વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે જ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નથી, પછી ભલે તે પ્રોફેસર, શિક્ષક કે બુદ્ધિજીવી કેમ ન હોય.”
કોર્ટે સુનાવણી કરતાં તેમ પણ કહ્યું કે, રતનલાલ એક ઇતિહાસકાર અને એક શિક્ષક હોવાના નાતે સમાજ પ્રત્યે તેમની જવાબદારીઓ વધી જાય છે, કારણ કે તેઓ સામાન્ય જનતા માટે આદર્શ માનવામાં છે. એક બુદ્ધિજીવી વ્યક્તિ અન્યો અને સમાજ આખાનું માર્ગદર્શન કરનાર હોય છે, આથી તેમણે સાર્વજનિક ક્ષેત્રમાં આ પ્રકારના નિવેદનો કરવામાં સાવચેત રહેવું જોઈએ. રતનલાલે કરેલી ટિપ્પણી ભગવાન શિવ કે શિવલિંગમાં આસ્થા ધરાવનાર અને તેમનામાં માન્યતા રાખનારની ભાવનાથી તદ્દન વિપરીત છે.”
આરોપી પ્રોફેસરે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હવાલો આપીને પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી FIR રદ કરવા માંગ કરી હતી. જેના પર કોર્ટે અંતમાં જણાવ્યું કે, “IPCની કલમ 153A અને 295A વાણી સ્વતંત્રતાના અધિકારને સામાજિક સંવાદિતા સાથે સંતુલિત કરવાનું કાર્ય કરે છે, કારણ કે વાણી સ્વાતંત્ર્ય પણ અમર્યાદિત નથી. અરજદાર તરફે કરવામાં આવેલી પોસ્ટ અને તેમાં લખવામાં આવેલી સામગ્રી માત્ર ફરિયાદીની જ ધાર્મિક ભાવનાને ઠેસ નથી પહોંચાડી રહી, પરંતુ તે બે અલગ-અલગ સમુદાયો વચ્ચે ઘૃણા, દુશ્મનાવટ અને તણાવનું કારણ પણ બની શકે છે.”
કોર્ટે જ્ઞાનવાપી પર કરવામાં આવેલી રતનલાલની હરકતો પર ધ્યાન આપીને તેમ પણ કહ્યું કે, FIR દાખલ થયા બાદ પણ આરોપી દ્વારા વારંવાર કરવામાં આવેલી ટિપ્પણીઓ દર્શાવે છે કે કૃત્ય જાણીજોઈને કરવામાં આવ્યું હતું, જે 153A અને 295A અંતર્ગત આવે છે.” કોર્ટે આ પ્રકારની આકરી ટિપ્પણીઓ કરતાં રતનલાલની અરજી રદ કરીને તેમના વિરુદ્ધ અપરાધિક કાર્યવાહી ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે.