દિલ્હીમાં ભારે વરસાદ અને યમુના નદીના વધતા જળસ્તરના કારણે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં છે તેમજ લાલ કિલ્લા અને અન્ય પોશ વિસ્તારો પણ તેમાંથી બાકાત રહી શક્યા નથી. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીની સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ AAP દોષનો ટોપલો કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર ઢોળવામાં વ્યસ્ત છે.
શુક્રવારે (14 જુલાઈ, 2023) આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંઘે એક પ્રેસ કોન્ફરન્સમાં આ પૂરને ભાજપનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. સાથે તેમણે પીએમ મોદીને પણ જવાબદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ત્રણ દિવસથી વરસાદ નથી પડી રહ્યો તેમ છતાં પૂરની સ્થિતિ છે, તેનું કારણ ભાજપ અને મોદીનું ષડ્યંત્ર છે.
दिल्ली में 3 दिन से बारिश नहीं हुई है, फिर बाढ़ की वजह क्या है?
— AAP (@AamAadmiParty) July 14, 2023
इसकी वजह है BJP द्वारा रची गई गहरी साजिश,
Modi जी के मन मे छिपी नफ़रत जो ऐसी घटनाओं में निकल कर बाहर आती है।
मैं पूरी जिम्मेदारी से कहता हूँ कि ये बाढ़ प्रायोजित है।
– @SanjayAzadSln pic.twitter.com/2qiDDcHCjj
AAP સાંસદે કહ્યું કે, “હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ પૂરથી પ્રભાવિત છે. જો દિલ્હીની વાત કરીએ તો અહીં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નથી થયો, અને જો ત્રણ દિવસથી વરસાદ ન પડ્યો હોય તો પૂરનું કારણ શું છે? આ પૂરની પાછળનું કારણ છે ભાજપ અને કેન્દ્ર સરકારની દિલ્હી પ્રત્યેની દુર્ભાવના. આ પૂર પાછળનું કારણ છે કેન્દ્ર સરકારનું દિલ્હીને બરબાદ કરવાનું ષડ્યંત્ર. આ પૂર પાછળનું કારણ પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટીના મનમાં છુપાયેલી નફરત, જે ઘણી વખત આવી ઘટનાઓ વખતે નીકળીને બહાર આવે છે. તેમણે દાવો કર્યો કે આ પૂર પ્રાયોજિત છે.
ભાજપને કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પ્રત્યે નફરત હોવાનો દાવો કરીને AAP નેતા સંજય સિંઘે દાવો કર્યો કે, હરિયાણાના હથની કુંડથી હરિયાણા, દિલ્હી અને યુપી તરફ પાણી મોકલવામાં આવે છે. પરંતુ 9થી 13 જુલાઈ દરમિયાન દિલ્હી તરફ પાણી છોડવામાં આવ્યું અને જેના કારણે પૂર આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાયા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં ન રાખી શકવાના કારણે કેજરીવાલ સરકારની ખૂબ ફજેતી થઇ રહી છે, બીજી તરફ કેજરીવાલ અને તેમની પાર્ટી હરિયાણા અને કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવામાં વ્યસ્ત છે. તાજેતરમાં કેજરીવાલે એક નિવેદન આપતાં કહ્યું હતું કે, દિલ્હીની વ્યવસ્થા આટલા વરસાદ સામે ટકી શકે તેમ નથી. આ સિવાય તેમણે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો હતો અને યમુના નદીના જળસ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, ત્યારે પણ લોકોએ તેમને કહ્યું હતું કે કેન્દ્ર પર દોષનો ટોપલો ઢોળવાના સ્થાને તેમણે એટલું કામ પર ધ્યાન આપવું જોઈએ.