દિલ્હીમાં આવેલા બ્રિટિશ હાઈકમિશનરના ઘરની સામે સાર્વજનિક શૌચાલયનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને બ્રિટન સરકારે વાંધો ઉઠાવ્યો છે. અધિકારીઓ મુજબ આ શૌચાલયોનું નિર્માણ કરવું આવશ્યક છે. તો બીજી તરફ UK સરકારે સુરક્ષા જોખમાવાની વાત કરીને આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બ્રિટીશ હાઈકમિશનરના ઘરની બહાર સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવશે. દિલ્હી પ્રશાસનના અધિકારીઓ અનુસાર, દિલ્હી મીના બાગ ખાતે રાજાજી માર્ગ પર સ્થિત બ્રિટિશ હાઈકમિશનર એલેક્સ એલિસના આવાસ પાસે સાર્વજનિક શૌચાલય બનાવવાની જરૂર લાગી રહી છે. જેને ધ્યાનમાં લઈને ત્યાં તેના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બ્રિટનમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓએ પ્રદર્શન કર્યા બાદ ભારતમાં બ્રિટિશ હાઈકમિશન સામેની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી.
તાજેતરમાં યુકે સ્થિત ભારતીય દૂતાવાસ ઉપર ખાલિસ્તાની ચરમપંથીઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટનાના પ્રત્યાઘાતો ભારતમાં પણ જોવા મળ્યા હતા. ભારત સરકારે રાજધાની દિલ્હીમાં સ્થિત બ્રિટિશ હાઈકમિશન અને હાઈકમિશનરના ઘરની બહાર પૂરી પાડવામાં આવતી સુરક્ષા હટાવી દીધી હતી. સરકારના આ નિર્ણયને બ્રિટનમાં બનેલી ઘટનાની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યો હતો. કારણ કે યુકે સરકાર ભારતીય દૂતાવાસને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી.
Watch: Security, PCR vans removed from infront of British High commission in Delhi @WIONews https://t.co/Aq60Hupq8z pic.twitter.com/iK2W7hG6oE
— Sidhant Sibal (@sidhant) March 22, 2023
સરકારના નિર્ણય બાદ રસ્તા પરથી રોડ ડાયવર્ટર, સ્પીડ બ્રેકર, રેતીની થેલીઓથી બનેલા બંકરો, પીસીઆર વાન, પરિસરની બહાર સ્થાનિક પોલીસ તમામ હટાવી લેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને લઈને સરકારે કહ્યું હતું કે, બ્રિટિશ હાઈકમિશન પહેલેથી જ સલામત વિસ્તારમાં છે અને વધારાની સુરક્ષા વ્યવસ્થાની કોઈ જરૂર જણાતી નથી.
જોકે, ભારતે કડક વલણ દાખવ્યા બાદ બ્રિટન સરકાર પણ હરકતમાં આવી હતી અને સુરક્ષા વધારી હતી. યુકેના ફોરેન સેક્રેટરીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ભારતીય હાઈકમિશન પરના હુમલાને કોઈ પણ સ્વરૂપે સ્વીકારી શકાય નહીં અને તેમણે ઉમેર્યું હતું કે, મામલાની તપાસ ચાલી રહી છે અને યુકે સરકાર લંડન સ્થિત ભારતીય હાઈકમિશન અને ભારત સરકારના સંપર્કમાં છે. તેમણે કહ્યું હતું કે, અમે મેટ્રોપોલિટન પોલીસ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છીએ અને તમામ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે.