ભારતની ધરતીને બોમ્બ ધડાકાથી રક્તરંજિત કરનાર આતંકી દાઉદ ઈબ્રાહીમ કાસ્કર વર્ષોથી પાકિસ્તાનમાં રહી પોતાનું નેટવર્ક ચલાવે છે. હાલમાં તેણે નવા લગ્ન કર્યા છે તેવી પણ માહિતી બહાર આવી હતી. એક સમયે જમીન પચાવવી, લોકોનું અપહરણ કરી ખંડણીઓ માંગવી, સ્મગલિંગ કરવું, લોકોમાં ભય પેદા કરવા બોમ્બ ધડાકા કરવા જેવા કૃત્યો કરી પોતાનો કારોબાર ચલાવતો હતો. જે તેણે હવે બદલ્યો છે.
કેન્દ્રીય તપાસ સંસ્થાઓની માહિતી અને એક મીડિયા રિપોર્ટ અનુસાર દાઉદ ઈબ્રાહીમની ડી-કંપની હવે દવાઓનું સ્મગલીંગ કરવું, મોબાઈલ ચોરી તેનું ક્લોનિંગ કરવું અને બહુમાળી મકાનો તોડવાના કોન્ટ્રાકટ લેવા જેવા કામો કરે છે. જોકે સોના, ચાંદી અને ડ્રગ્સની દાણચોરી કરવી આજે પણ તેની મુખ્ય આવકનો સ્ત્રોત છે. પણ હવે તે તેના નાણા એક નંબરના ધંધામાં પણ રોકી રહ્યો છે.
રિપોર્ટ મુજબ NIAના અધિકારીએ જણાવ્યું હતું કે દાઉદ ઈબ્રાહીમ હવે પોતાને ખોટા ધંધાથી દૂર કરી રહ્યો છે. તેના લોકો પણ હવે મોટા-મોટા પ્રોજેક્ટોમાં રોકાણ કરી કમાઈ રહ્યા છે. તે જ કારણ છે કે 2001 બાદ કોઈ મોટી ગેંગવોર મુંબઈમાં થઈ નથી.
એક મોટો ખુલાસો એ થયો છે કે આતંકી પ્રવૃતિ કરનાર દાઉદ હવે દવાઓની સ્મગલિંગ કરી રહ્યો છે. NIA સૂત્રો અનુસાર ડી-કંપની હવે ભારતમાં કેન્સરની જે દવાઓ બની રહી છે તેનું ચીન સહિતના અન્ય દેશોમાં સ્મગલિંગ કરી રહી છે. ધ ન્યુ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ચીનની અંદર કેન્સરની દવા ભારત કરતા દસ ગણી મોંઘી છે, માટે જ ડી-કંપની ભારતમાં બનેલી કેન્સરની દવા ત્યાં વેચી રહી છે. જોકે, ચીનમાં ભારતમાં બનેલી કેન્સરની દવા પર પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ વ્યક્તિ તેને વેચતો પકડાય તો ₹30,000નો દંડ અને 08 મહિના જેલની સજા થઇ શકે છે.
મુંબઈના એક ડીસીપી રેંકના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચીનમાં આજે મોટાભાગના દવા ખરીદતા એજન્ટો ડી-કંપની સાથે જોડાયેલા છે.
ભારતમાં કેન્સરની નકલી દવા બનવવાના રેકેટનો પણ પર્દાફાશ થયો હતો જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના કહેવા અનુસાર આ નકલી દવાઓનું વેચાણ ચીન, બાગલાદેશ, સરિયા સહિતના દેશોમાં કરવામાં આવતું હતું માટે આ રેકેટમાં દાઉદના સાગરીતો પણ સામેલ હોવા જોઈએ.
દવાના સ્મગલિંગ સાથે સાથે દાઉદ ચોરી કરેલા મોબાઈલોનું ક્લોનિંગ કરાવી તે મોબાઈલો પાકિસ્તાન અને બાગ્લાદેશમાં વેચાણ કરવાનું કામ પણ કરી રહ્યો છે.
વર્ષ 2015ની ફોબર્સ મેગેજીનના લિસ્ટ અનુસાર દાઉદની સંપત્તિ આશરે ₹43,550 કરોડની છે, જે વિશ્વમાં તેને ત્રીજા નંબરનો સૌથી ધનિક ડોન બનાવે છે. જોકે હવે તેનો ભારતનાં ફક્ત 40% જ ધંધો રહ્યો છે. બાકીનો ધંધો અન્ય દેશોમાં કરી રહ્યો છે.