દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટના ભાગરૂપે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં આવેલી 100 વર્ષ જૂની એક મસ્જિદના ડિમોલિશન મામલે વિવાદ શરૂ થઇ ગયો છે. જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.
દાહોદમાં સોમવારે દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને જેમાં અંજુમન દવાખાના રોડ પર આવેલી નગીના મસ્જિદ પાસે પણ બુલડોઝર ખડકી દેવામાં આવ્યાં હતાં. જેને લઈને સ્થાનિકોએ વિરોધ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ તંત્રે તેમને દસ્તાવેજો રજૂ કરવા માટે 2 દિવસનો સમય આપ્યો હતો.
બીજી તરફ, સ્માર્ટ સીટી પ્રોજેક્ટ માટે દબાણ હટાવવા માટેના આદેશ બાદ નગીના મસ્જિદના ટ્રસ્ટીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ હાઇકોર્ટે તેમને રાહત આપવાની ના પાડીને તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે, અતિક્રમણ કરનારાઓને કોઈ કાયદાકીય હકો મળતા નથી.
સોમવારે નગીના મસ્જિદ પાસે બુલડોઝર ખડકી દેવામાં આવતાં વિવાદ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક મુસ્લિમોએ ભેગા થઈને માપણી કરીને 6 ફુટ જેટલું બાંધકામ જાતે જ હટાવી દીધું હતું. તંત્રે મસ્જિદ સંચાલકોને યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા માટે 2 દિવસનો સમય આપ્યો છે. મસ્જિદની આસપાસનાં ઘરો અને દુકાનો પહેલેથી જ તોડી પાડવામાં આવ્યાં છે, જો સંતોષકારક દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો સંપૂર્ણ મસ્જિદ જ હટાવી દેવામાં આવશે. આ માટે 19 મે, 2023 (શુક્રવાર)નો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
દાહોદમાં સ્માર્ટ સીટીના પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પહોળા કરવા જરૂરી હોઈ છેલ્લા ઘણા દિવસથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘણા વિસ્તારોમાં નોટિસ મળ્યા બાદ લોકો પોતાની રીતે જ દબાણ હટાવવા માંડ્યા છે તો જ્યાં તેમ ન થાય ત્યાં પાલિકા દબાણ દૂર કરી રહી છે. દરમ્યાન, ઘણા લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની મુદત આપતાં વચ્ચે 2 દિવસ આ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જે હવે ફરીથી શરૂ કરવામાં આવશે.
રિપોર્ટ્સ અનુસાર, દાહોદમાં દબાણ હટાવવાની આ કામગીરી અંતિમ તબક્કામાં છે અને હવે મસ્જિદ સહિતનાં અમુક બાંધકામો જ બાકી રહ્યાં છે. જો મસ્જિદના દસ્તાવેજો રજૂ નહીં થાય તો 19મીએ તેના ડિમોલિશન માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.