કેરળના (Kerala) સત્તાપક્ષ અને INDI ગઠબંધનની સહયોગી અને વામપંથી એવી માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના (CPIM) નેતા એ. વિજયરાઘવને (A. Vijayraghvan) કોંગ્રેસ પાર્ટીના બે મોટા નેતાઓને લઈને આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. CPIM નેતા એ. વિજયરાઘવને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના બહેન પ્રિયંકા વાડ્રા (Priyanka Vadra) મુસ્લિમ સમુદાયના સંગઠનોના સહયોગના કારણે વાયનાડ (Wayanad) જીતીને દિલ્હી સુધી પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે જો સ્થાનિક મુસ્લિમોનો સાથ ન હોત તો આ બંને ભાઈ-બહેન માટે વાયનાડ લોકસભા બેઠક જીતવી અશક્ય હતી. INDI ગઠબંધનની CPIMના નેતાએ જ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા ચર્ચાઓ શરૂ થઈ છે.
વામપંથી પાર્ટી CPIM નેતા એ. વિજયરાઘવને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા વાડ્રા પર સવાલ ઉઠાવ્યા હતા કે , “શું મુસ્લિમ સાંપ્રદાયિક ગઠબંધનના મજબૂત સમર્થન વગર તેઓ ચૂંટણી જીતી શકવાના હતા?” વિજયરાઘવને આ નિવેદન વાયનાડના કેસી બાથરી ખાતે યોજાયેલા CPIM પાર્ટીના સંમેલનમાં આપ્યું હતું. તેમણે કહ્યું કે, “વાયનાડથી 2 લોકો જીત્યા છે, રાહુલ અને પ્રિયંકા. તેઓ કોના સમર્થનથી દિલ્હી પહોંચ્યા? શું મુસ્લિમ સાંપ્રદાયિક તાકાતો વગર તે શક્ય હતું? તે કોંગ્રેસના સહુથી મોટા નેતા છે, પ્રિયંકા પણ અહીંથી લડ્યા. પ્રચાર દરમિયાન તેમની આગળ-પાછળ કોણ ફરી રહ્યું હતું?”
સીએમ પિનરાઈ વિજયન પણ કરી ચૂક્યા છે ટીપ્પણી
એ. વિજયરાઘવને કહ્યું, “ચૂંટણી પ્રચાર સમયે તેમની આસપાસ ફરતા લોકોને જોયા હતા? તે કોણ હતું? તે અલ્પસંખ્યક સાંપ્રદાયિક તાકાતોના સહુથી કટ્ટરપંથી તત્વો હતા, તેમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના લોકો પણ હતા. જયારે EMS (કેરળના પ્રથમ મુખ્યમંત્રી) પ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે કેન્દ્રીય મંત્રી તેમને હરાવવા આવ્યા હતા.”
CPIM નેતાના આ નિવેદનથી કોંગ્રેસ પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આ મામલે આપત્તિ જતાવી હતી અને કહ્યું હતું કે પિનરાઈ વિજયની પાર્ટીના નેતાઓ પોલિત બ્યુરોની જેમ વર્તી રહ્યા છે. જોકે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતે એક સમયે કોંગ્રેસ પર જમાત-એ-ઇસ્લામી જેવા મુસ્લિમ સંગઠનના સહયોગથી ચૂંટણી લડી રહ્યા હોવાનું નિવેદન આપી ચૂક્યા છે.
પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પ્રિયંકા ગાંધી વાડ્રાને ઘેર્યાં હતાં. પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે વાયનાડ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો ચહેરો સંપૂર્ણ રીતે ખુલ્લો પડી ગયો છે. કોંગ્રેસ પોતે ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરતી રહે છે પણ બીજી તરફ પ્રિયંકા ગાંધી ત્યાં જમાત-એ-ઈસ્લામીના સમર્થનથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.