મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ચાલી રહેલ ધર્મ પરિવર્તંન કરાવવાના અડ્ડાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દામોહના યેશુ ભવન આશ્રમમાં હમણાં સુધી અનેક હિન્દૂઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું અને આગામી ક્રિસમસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ 500થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવવાનો કાર્યક્રમ પણ હતો. આ પહેલા જ પોલીસે 8 વિરુદ્ધ ફરિયાદ નોંધીને 2ની ધરપકડ કરી લીધી છે.
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દમોહ જિલ્લાનું આ યેશુ ભવન આશ્રમ ધર્માંતરણનો અડ્ડો બનેલું હતું, અને તેમાં ધર્મ પરિવર્તન કરાવનાર સંસ્થા કેરળની હતી. જયારે અહિયાંથી ધર્મ પરિવર્તન કરી ચૂકેલ એક પરિવાર ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચ્યો ત્યારે આ આખા રૅકેટની પુષ્ટિ થઇ હતી.
દામોહ જિલ્લાના મુખ્ય મથકથી 10 કિમી દૂર કટની બાયપાસને અડીને આવેલ મરાહર ટેકરી છે. આ ટેકરીને અડીને યેશુ ભવન આશ્રમ આવેલો છે. આ આશ્રમ કેરળના ક્રિશ્ચિયન મિશનરી દ્વારા સંચાલિત છે. આરોપ છે કે અહીં ગરીબી અને અન્ય સમસ્યાઓથી પીડાતા અભણ લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવતું હતું.
25 ડિસેમ્બરે એક મોટો ધર્મ પરિવર્તન સમારોહ થવાનો હતો
દામોહ ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડવોકેટ શ્યામ સુંદર વિશ્વકર્માએ જણાવ્યું કે તમામ પરિવારોને હિંદુ ધર્મમાં પરત કરવા માટે ટૂંક સમયમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. ઘણા વર્ષોથી ખ્રિસ્તી ધર્મના લોકોએ મરાહરમાં એવી જગ્યાઓ બનાવી છે, જ્યાં ધર્માંતરણ થતું હતું. ભૂતકાળમાં પણ ફરિયાદો આવતી રહી હતી, પરંતુ વહીવટી તંત્રએ ક્યારેય ધ્યાન આપ્યું ન હતું.
અત્યારે 25મી ડિસેમ્બરે અહીં ધર્મ પરિવર્તનનો એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. બહારના રાજ્યોમાંથી પણ લોકોને બોલાવવાની તૈયારી હતી. જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ પછી કેટલાક પીડિત પરિવારો આગળ આવ્યા અને ધર્મ પરિવર્તનની આખી રમતનો પર્દાફાશ થયો.
8ના રોજ FIR, દિલ્હીથી બેની ધરપકડ
દમોહ એસપીએ આ મામલે SITની રચના કરી છે. CSP ભાવના ડાંગીને SITના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. એફઆઈઆરમાં કે. બિજ્જુ, ફિલિપ્સ મેથ્યુ, રિનુ મેથ્યુ, થોમસ, નેનન થોમસ, સાજન અબ્રાહમ, નિધિ થોમસ અને અપ્પુ થોમસને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ છેડતી, ધમકી, POCSO એક્ટ, SC-ST એક્ટ, પ્રિવેન્શન ઓફ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ મિસયુઝ એક્ટ 1988, MP ધાર્મિક સ્વતંત્રતા એક્ટ 2021, MP સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટ 2000ના કેસ નોંધવામાં આવ્યા છે.
એસઆઈટીએ 10 ડિસેમ્બરે બે આરોપીઓની ધરપકડ કરી હતી. બિજ્જુ અને ફિલિપ્સ મેથ્યુની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. અન્ય હજુ ફરાર છે. કેટલાક વિદેશ ભાગી ગયા હોવાની પણ ચર્ચા છે. આશ્રમને હાલ તાળું લાગેલું છે.