સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીરને આંધ્રપ્રદેશના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાના કલાકો પછી, કોંગ્રેસે રવિવારે આ પગલાની ટીકા કરતા કહ્યું કે આવી નિમણૂંકો ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઘટાડે છે. આ શ્રેણીમાં કોંગ્રેસ સાંસદ રાશિદ અલ્વીએ પણ ભાજપની ટીકા કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ રાશિદ અલ્વીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર હિંદુઓ અને મુસ્લિમોમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જસ્ટિસ અબ્દુલ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂકથી લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ઘટી રહ્યો છે.
Delhi | BJP has divided Hindus & Muslims. Appeasement is when a community gets more than it deserves but Muslims did not even get their fair share. Appointing Justice Nazeer as Governor is reducing faith of people in judiciary: Rashid Alvi, Congress pic.twitter.com/pqmVB4hd3a
— ANI (@ANI) February 12, 2023
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયાના એક મહિના બાદ જસ્ટિસ નઝીરને આંધ્રપ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અયોધ્યા કેસમાં ચુકાદો આપનારી બેન્ચમાં તેઓ એકમાત્ર લઘુમતી જજ હતા અને રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો.
અલ્વીએ સુપ્રીમ કોર્ટના રામમંદિરના ચૂકવા પર ઉઠાવ્યો પ્રશ્ન
નિમણૂક પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું, “ભાજપે હિંદુઓ અને મુસ્લિમોને વિભાજિત કર્યા છે. તુષ્ટીકરણ એ છે જ્યારે કોઈ સમુદાયને તેની લાયકાત કરતાં વધુ મળે છે પરંતુ મુસ્લિમોને તેમનો યોગ્ય હિસ્સો પણ નથી મળ્યો.”
“જસ્ટિસ નઝીરને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવાથી લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે,” તેમણે ઉમેર્યું.
નિમણૂક વિશે વધુ વાત કરતાં અલ્વીએ કહ્યું, “લોકો રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ સરકારના દબાણને કારણે થયું છે.”
“સંવિધાનની કલમ 50 મુજબ ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ અને કારોબારી સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ,” કોંગ્રેસ નેતાએ ઉમેર્યું.
સર્જીકલ સ્ટ્રાઇક પર પણ પ્રશ્ન ઉઠાવી ચુક્યા છે અલ્વી
પખવાડિયા પહેલા જ ન્યુઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ સાંસદ રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે તેમને સર્જીકલ સ્ટ્રાઈક બાબતે ભારતની સેના પર વિશ્વાસ છે પરંતુ ભારત સરકાર પર વિશ્વાસ નથી. અલ્વીનું કહેવું હતું કે સેનાની વીરતા અંગે તેમને કોઈ શંકા નથી પરંતુ ભાજપની સરકાર અભિમાની છે અને આથી તેમને તેના પર વિશ્વાસ નથી.
રાશિદ અલ્વી આગળ જણાવ્યું હતું કે “જ્યારે આ સર્જીકલ સ્ટ્રાઈક થઇ ત્યારે સરકારે કહ્યું હતું કે તેની વિડીયોગ્રાફી કરવામાં આવી છે, તો સરકારે એ વિડીયો દેખાડવા જોઈએ અને તો જ અમને સંતોષ થશે.” રાશિદ અલ્વીએ થોડા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરમાં પ્રવેશેલી ભારત જોડો યાત્રા દરમ્યાન અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક પર કરવામાં આવેલા પ્રશ્નોનું સમર્થન કર્યું હતું.