હિમાચલ પ્રદેશમાં નવી બનેલી કોંગ્રેસ સરકારે ડિઝલ ઉપર લાગતા VATમાં વધારો કર્યો છે, જેના કારણે ઇંધણના ભાવો વધ્યા છે. રવિવારે (8 જાન્યુઆરી 2023) હિમાચલની સુક્ખુ સરકારે ડીઝલ ઉપર ત્રણ રૂપિયા VAT વધારવાનું એલાન કર્યું હતું, જેના કારણે ડીઝલની કિંમત વધી છે.
હિમાચલ પ્રદેશમાં પહેલાં ડિઝલ 83.02 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું હતું, જે હવે નવા ભાવ મુજબ 86.05 રૂપિયા પ્રતિ લિટર વેચાશે. રાજ્યમાં પેટ્રોલનો ભાવ હાલ 95.07 રૂપિયા/લિટર છે. આ પહેલાં ડિઝલ પર 4.40 રૂપિયા પ્રતિ લિટર VAT લાગતો હતો, જે હવે 7.40 લિટર લાગશે.
અહીં નોંધવા જેવી બાબત એ છે કે હાલમાં જ ગયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં સરકાર બને તો ડિઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો ન કરવા માટેનું એલાન કર્યું હતું.
ઓગસ્ટ મહિનામાં શિમલામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં સરકાર બનવા પર 300 યુનિટ વીજળી મફત આપવાનું તથા મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઉપરાંત, સરકાર બનવા પર 5 લાખ નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો હતો.
આ જ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ પાર્ટી તરફથી છત્તીસગઢના મુખ્યમંત્રી અને હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક ભૂપેશ બઘેલને જ્યારે પૂછવામાં આવ્યું કે આ વાયદા પૂરા કરવા માટે તેઓ ભંડોળ ક્યાંથી લાવશે ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ વર્તમાન (આગળની ભાજપ સરકાર)ની જેમ પેટ્રોલ-ડિઝલના ભાવો વધારીને ફંડ સરભર નહીં કરે.
ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, જે રીતે (કોંગ્રેસ) પાર્ટી દ્વારા શાસિત અન્ય રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે તે જ રીતે અમે પણ તેની (ફંડની) વ્યવસ્થા કરીશું. હાલની સરકાર દ્વારા જે થઇ રહ્યું છે તેવી રીતે પેટ્રોલ-ડિઝલના ભાવો વધારીને ભંડોળ સરભર કરવામાં નહીં આવે.
પાંચ મહિના પહેલાં કરેલો વાયદો ભૂલીને કોંગ્રેસ પાર્ટીએ સરકાર બન્યાના મહિનાની અંદર જ ડિઝલના ભાવમાં વધારો કરી દીધો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડિઝલ ઉપર અનેક પ્રકારના ટેક્સ લાગે છે. જેમાંથી અમુક ટેક્સ કેન્દ્ર સરકાર લગાવે છે અને અમુક જે-તે રાજ્યો લગાવે છે. રાજ્યો દ્વારા VAT લાગુ કરવામાં આવે છે. જે રાજ્ય-રાજ્ય પ્રમાણે જુદો-જુદો હોય છે.