બિહારના યુટ્યુબર મનીષ કશ્યપ પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ) લગાવવા મામલે સુપ્રીમ કોર્ટે સ્ટાલિન સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તમિલનાડુ સરકારે રાજ્યમાં પ્રવાસી બિહારી મજુરો વિરુદ્ધ હિંસાની ખબરોને ફર્જી ગણાવીને યુટ્યુબર મનીષ કશ્યપ સામે કેસ દાખલ કર્યા હતા, જે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી હતી.
આ મામલે તમિલનાડુ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર થયા હતા. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચુડે કપિલ સિબ્બલને પ્રશ્ન પૂછ્યો હતો કે, શા માટે મનિષ કશ્યપ સામે રાસુકા જેવી ગંભીર કલમ લગાડવામાં આવી છે અને શા માટે તેમની સાથે આટલો મોટો બદલો લેવામાં આવી રહ્યો છે?
વાસ્તવમાં, લગાવવામાં આવેલા NSAને હટાવવાની માંગ સાથે મનીષ કશ્યપના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તમિલનાડુ સરકારને નોટીસ પાઠવીને રાસુકા લગાવવા પાછળનું કારણ પૂછ્યું છે.
Sibal : See what is he doing. He is making fake videos saying Biharis are getting attacked in Tamil Nadu. #SupremeCourt #TamilNadu
— Live Law (@LiveLawIndia) April 21, 2023
જેના પર કપિલ સિબ્બલે દલીલ આપતા કહ્યું હતું કે, મનિષ ખોટા વિડીયો બનાવીને તમિલનાડુમાં બિહારી શ્રમિકો પર હુમલા થયા હોવાનું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હતા. સિબ્બલે તેમ પણ જણાવ્યું કે તેમના 60 લાખ ફોલોવર્સ છે. તેમજ એમ પણ કહ્યું કે, તેઓ ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને પોતે રાજકારણી છે.
મનીષ કશ્યપ તરફથી હાજર વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ જણાવ્યું હતું કે, તમિલનાડુમાં થઇ રહેલી કાર્યવાહી દ્વેષપૂર્ણ છે. તેમણે પટનામાં દાખલ કરવામાં આવેલી અરજી સાથે તમિલનાડુમાં દાખલ તમામ ફરિયાદોને જોડવાની માંગ કરી હતી. જેનો કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો હતો.
બીજી તરફ બિહાર સરકાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે, મનીષ કશ્યપ એક રીઢો ગુનેગાર છે. તેની હરકતો માત્ર વિડીયો બનાવવા પૂરતી જ નથી અને તેની વિરુદ્ધ ગંભીર ગુનાઓ પણ દાખલ છે, જેમાં ભારતીય દંડ સંહિતા ધારા 302નો પણ સમાવેશ થાય છે. બિહાર સરકારના વકીલે પણ કેસને બિહાર ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો.
આ સાથે કશ્યપના વકીલ દવેએ એવી પણ વિનંતી કરી હતી કે મનીષ કશ્યપને પ્રોડક્શન વોરંટ પર તમિળનાડુના અન્ય સ્થળોએ ન લઈ જવામાં આવે. જેના પર ડિવિઝન બેંચે નિર્દેશ આપ્યો હતો કે મનીષ કશ્યપને આગામી પોસ્ટિંગ તારીખ (28 એપ્રિલ, 2023) સુધી સેન્ટ્રલ જેલ મદુરાઈથી સ્થાનાંતરિત ન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે બિહાર પોલીસે નકલી વીડિયો દ્વારા તમિલનાડુમાં બિહારી મજૂરો વિરુદ્ધ હિંસાના અહેવાલો બતાવવાના આરોપમાં ઘણા કેસ નોંધ્યા છે. સાથે જ તમિલનાડુમાં પણ મનીષ કશ્યપ વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. બંને રાજ્યોમાં કુલ 5 કેસ નોંધાયા છે.