Thursday, September 19, 2024
More
    હોમપેજદેશચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ હવે ચંદ્રયાન-4 પર કામ શરૂ, મોદી સરકારે આપી...

    ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ હવે ચંદ્રયાન-4 પર કામ શરૂ, મોદી સરકારે આપી મંજૂરી: ગગનયાન માટે વધુ બજેટની ફાળવણી, શુક્રના અભ્યાસ માટે પણ યાન મોકલશે ISRO

    ગગનયાન ઉપરાંત કેન્દ્ર સરકારે ISROને ચંદ્રયાન-4 માટે પણ મંજૂરી આપી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ઉતરીને, નમૂનાઓ એકત્રિત કરીને તે નમૂનાઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનો હશે.

    - Advertisement -

    છેલ્લાં 10 વર્ષમાં ભારતે અવકાશ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. 2023માં જ ભારતે ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો. તે પહેલાં પણ ચંદ્રયાનનાં બે મિશન પૂર્ણ થઈ ચૂક્યાં હતાં. હવે સરકાર ચંદ્રયાન-4ની (Chandrayaan-4) તૈયારી કરી રહી છે. એટલું જ નહીં, ગગનયાન મિશન પણ પાઈપલાઇનમાં છે અને શુક્રના અભ્યાસ માટે પણ યાન (VOM) મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ સિવાય સ્પેસ સ્ટેશન મોકલવા માટે પણ ISRO તૈયારી કરી રહ્યું છે.

    ISROના ચેરમેન એસ સોમનાથે 18 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “વર્તમાનમાં ગગનયાન મિશન ચાલી રહ્યું છે અને અમે અવકાશયાત્રીઓને અમારા પ્રથમ મિશનનું શેડ્યુલ પણ આપી દીધું છે. હવે અમે આ મિશનમાં વધુ એક ધ્યેય ઉમેર્યો છે- ભારતીય અંતરિક્ષ સ્ટેશન. પહેલાં આ મિશનનું એક જ લક્ષ્યાંક હતું પણ હવે કુલ 5 મિશન હશે. અમે તેનો વ્યાપ વિસ્તૃત કર્યો છે.”

    ગગનયાન ઉપરાંત કેન્દ્ર સરકારે ISROને ચંદ્રયાન-4 માટે પણ મંજૂરી આપી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ઉતરીને, નમૂનાઓ એકત્રિત કરીને તે નમૂનાઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનો હશે. આ મિશન કુલ 36 મહિના સુધી ચાલશે.

    - Advertisement -

    ચંદ્રયાન-4

    ઉલ્લેખનીય છે કે ભારત સરકારે મૂન મિશન માટે 2,104.06 કરોડ (અંદાજે $253 મિલિયન) ફાળવ્યા છે. ચંદ્રયાન-3 હેઠળ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરાવીને પ્રાથમિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે ચંદ્રયાન-4 ચંદ્રની ભ્રમણકક્ષામાં ડૉકિંગ અને અનડૉકિંગ કરશે ઉપરાંત, ચંદ્રના નમૂના સુરક્ષિત રીતે પરત પહોંચાડીને તેનું વિશ્લેષણ કરશે.

    ચંદ્રયાન-4 ચંદ્રયાન-3ની સફળતાના આધારે નિર્માણ થઇ રહ્યું છે. ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ભાગમાં સોફ્ટ લેન્ડીંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-4 ચંદ્ર ભ્રમણકક્ષામાં ડોકીંગ અને અનડોકિંગ, પૃથ્વી પર ચંદ્રના નમૂનાઓ સુરક્ષિત રીતે પહોંચાડીને તેના વિશ્લેષણના મહત્વનો ભાગ ભજવશે. આ સિવાય આ મિશન ભવિષ્યનાન મૂન મિશન માટે પણ જરૂરી ચાવીરૂપ તકનીકોના વિકાસ અને નિદર્શન પર ધ્યાન કેન્દ્રિતકરશે.

    આ સિવાય કેબિનેટે ગગનયાન પ્રોજેક્ટનો વિસ્તાર વધારીને ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS-1)ના પ્રથમ મોડ્યુલના વિકાસને પણ મંજૂરી આપી દીધી છે. ગગનયાન પ્રોજેક્ટનો વિસ્તાર વધારવાની સાથે ₹11,170 કરોડના ભંડોળમાં હવે વધારો કરી કુલ ₹20,193 કરોડ ફાળવવામાં આવ્યા છે.  

    વિનસ ઓર્બિટર મિશન (Venus Orbiter Mission – VOM)

    વિનસ ઓર્બિટર મિશન (VOM) માટે ₹1,236 કરોડ (અંદાજે $149 મિલિયન)નું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાંથી 824 કરોડ રૂપિયા શુક્રયાન સ્પેસક્રાફ્ટ પર જ ખર્ચાશે. માર્ચ 2028માં શુક્રયાન લૉન્ચ થાય એવી સંભાવનાઓ છે. VOMનો પ્રાથમિક ઉદ્દેશ શુક્રની સપાટી, ઉપસપાટી અને વાતાવરણીય પ્રક્રિયાઓ તેમજ શુક્રના વાતાવરણ પર સૂર્યના પ્રભાવ અંગે અભ્યાસ કરીને સમજણ મેળવવાનો. શુક્રયાન શુક્રની ચારે તરફ ચક્કર લગાવીને અભ્યાસ કરશે. જોકે, આ મિશનમાં હજુ સમય લાગશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં