‘રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ હાલ વિવાદોમાં છે. તેમની ઉપર મહિલા પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે અને કાર્યવાહીની માંગ સાથે ધરણાં-પ્રદર્શન પણ કરી રહ્યા છે. દરમ્યાન, અયોધ્યાના સાધુ-સંતો બ્રિજભૂષણ શરણ સિંહના સમર્થનમાં આવ્યા છે.
અયોધ્યાથી મોટી સંખ્યામાં સાધુ-સંતો ગોંડા પહોંચ્યા હતા અને અહીં તેમણે બ્રિજભૂષણ શરણ સિંહને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષના ષડ્યંત્ર હેઠળ આ ધરણાં ચાલી રહ્યાં છે અને જો તે આ જ પ્રકારે ચાલતાં રહેશે તો તેઓ દિલ્હી સુધી પણ કૂચ કરશે.
સાધુ-સંતોએ એમ પણ કહ્યું કે તેઓ દિલ્હી જઈને ત્યાં જંતર-મંતર મેદાન ખાતે બ્રિજભૂષણ સિંહના સમર્થનમાં ધરણાં-પ્રદર્શન પણ કરશે. આ મામલે અયોધ્યાના હનુમાન ગઢીના મહંત બલરામ દાસે કહ્યું હતું કે, સુનિયોજિત ષડ્યંત્ર હેઠળ આ ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આરોપો લગાવનારાઓએ ભગવાન રામ અને માતા સીતાને પણ છોડ્યાં ન હતાં. ધરણાં-પ્રદર્શનનો કોઈ ઈલાજ નથી. તપાસ બાદ સત્ય સામે આવી જશે. તેમણે કહ્યું કે, ધરણાંમાં રાજકીય લોકોને બોલાવવા તેની પરથી સાબિત થાય છે કે આરોપ રાજકારણથી પ્રેરિત છે. જો જરૂર પડી તો દેશના સાધુ-સંતો અયોધ્યાના સંતો સાથે દિલ્હી જંતર-મંતર પર ધરણાં-પ્રદર્શન કરશે.
અયોધ્યાના જગતગુરુ રામ દિનેશાચાર્ય, મહામંડલેશ્વર જનાર્દન દાસ, મહંત સંજય દાસ, મહંત ગિરીશ દાસ, મનિષ દાસ, અનિલ દાસ, મહંત બ્રજમોહન દાસ, શરદ દાસ અને હેમંત દાસે ભાજપ સાંસદને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
રાજીનામું આપવું મારા માટે કોઈ મોટી વાત નથી, પણ ગુનેગાર બનીને નહીં આપું: બ્રિજભૂષણ સિંહ
આરોપોને લઈને બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે, હું સંપૂર્ણ રીતે નિર્દોષ છું. મને સુપ્રીમ કોર્ટ અને દિલ્હી પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ છે. હું આ પ્રકારની તપાસનો સામનો કરવા માટે તૈયાર છું. ધરણાં પર બેઠેલા પહેલવાનોના આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવીને તેમણે કહ્યું કે, રાજીનામું આપવું મારા માટે કોઈ મોટી વાત નથી પરંતુ હું ગુનેગાર બનીને રાજીનામું નહીં આપું.
તેમણે ઉમેર્યું હતું કે, પહેલાં પહેલવાનોની માંગ હતી કે FIR કરવામાં આવે. FIR થઇ ગઈ તો તેઓ કહે છે કે જેલમાં નાંખવો જોઈએ અને તમામ પદો પરથી રાજીનામું આપવું જોઈએ. મને જે લોકસભાનું પદ મળ્યું છે તે વિદેશ ફોગાટે નથી આપ્યું પરંતુ જનતાએ આપ્યું છે. એક વખત નહીં પરંતુ 6-6 વખત આપ્યું છે. કુશ્તી સંઘનું અધ્યક્ષ પદ પણ તેમણે આપ્યું નથી, ચૂંટણી લડીને જીત્યો છું.