Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટ, નમાજ માટે પહેલી જ લાઈનમાં બેઠો હતો સ્યુસાઇડ...

    પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટ, નમાજ માટે પહેલી જ લાઈનમાં બેઠો હતો સ્યુસાઇડ બોમ્બર: 28નાં મોત, 150થી વધુને ઇજા

    બ્લાસ્ટ બાદની કેટલીક તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા અને મીડિયામાં જોવા મળ્યાં હતાં. જેમાં કાટમાળ નજરે પડે છે. બ્લાસ્ટથી મસ્જિદનો એક ભાગ પણ ધસી પડ્યો હતો. 

    - Advertisement -

    પાકિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલા શહેર પેશાવરની એક મસ્જિદમાં બૉમ્બ બ્લાસ્ટ થયો છે. ઘટનામાં 28 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે 150થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમાંથી પણ ઘણાની સ્થિતિ ગંભીર હોઈ મૃતકોનો આંકડો હજુ વધવાની આશંકા છે. 

    સોમવારે (30 જાન્યુઆરી, 2023) બપોરે 1:40 કલાકે નમાજ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. આ હુમલો આત્મઘાતી હોવાનું કહેવાય છે. હુમલાખોર નમાજ પઢવા માટે આવ્યો હતો અને પહેલી જ લાઈનમાં બેઠો હતો. તેણે અચાનક બ્લાસ્ટ કરી દેતાં પળવારમાં અનેક લોકો મૃત્યુ પામ્યા અને અનેકને ઇજા પણ પહોંચી હતી. 

    બ્લાસ્ટ બાદની કેટલીક તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા અને મીડિયામાં જોવા મળ્યાં હતાં. જેમાં કાટમાળ નજરે પડે છે. બ્લાસ્ટથી મસ્જિદનો એક ભાગ પણ ધસી પડ્યો હતો. 

    - Advertisement -

    બ્લાસ્ટ બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે દાખલ કરવામાં આવેલા લોકોમાંથી 13ની સ્થિતિ એકદમ ગંભીર છે. જેના કારણે મૃતકોનો આંકડો હજુ વધી શકે છે. બીજી તરફ, પેશાવરના ગવર્નરે લોકોને રક્તદાન કરવાની પણ અપીલ કરી છે. 

    પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટ બાદ આખા વિસ્તારમાં ઇમરજન્સી લાગુ કરીને ઘેરાબંધી કરવામાં આવી હતી. શહેરના કમિશનર રિયાઝ મહેમૂદે જણાવ્યું કે, શહેરની હોસ્પિટલોમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. 

    હજુ સુધી આ હુમલો કોણે કર્યો અને આત્મઘાતી હુમલાખોર કયા આતંકી સંગઠન સાથે સબંધ ધરાવતો હતો તે જાણવા મળ્યું નથી. 

    2014માં શાળામાં થયો હતો ભયાનક આતંકવાદી હુમલો, સેંકડો બાળકો માર્યાં ગયાં હતાં

    અહીં ઉલ્લેખનીય છે કે પેશાવરમાં જ વર્ષ 2014માં પાકિસ્તાની તાલિબાને એક શાળા પર હુમલો કરી દીધો હતો, જેમાં 132 બાળકો સહિત કુલ 141 લોકોનાં મોત થયાં હતાં. સાત આતંકવાદીઓએ ઉત્તરી-પાકિસ્તાનના શહેરમાં આવેલી એક સેના દ્વારા સંચાલિત શાળા પર હુમલો કર્યો હતો. 

    આતંકવાદીઓએ શાળામાં ઘૂસી જઈને દરેક કલાસરૂમમાં જઈને ગોળીબાર કર્યો હતો અને જેમાં સેંકડો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માર્યા ગયા હતા. તાલિબાને પછીથી જાહેર કર્યું હતું કે, સેના દ્વારા ચલાવવામાં આવતાં મિલિટરી ઓપરેશનોની વિરુદ્ધમાં તેમણે સેના દ્વારા સંચાલિત શાળા પર હુમલો કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં