એક્ટર, મોડેલ અને ફોટોગ્રાફર આદિત્ય રાજપૂતનું મૃત્યુ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ‘સ્પ્લીટસવિલા’ ફેમ અભિનેતા અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્યની લાશ સોમવારે (22 મે 2023) મુંબઈના અંધેરી ખાતે આવેલા તેમના ફ્લેટના બાથરૂમમાંથી મળી આવી હતી. 11મા માળે આવેલા આ ફ્લેટમાં લાશ સૌપ્રથમ તેમના એક મિત્રએ જોઈ હતી.
અહેવાલો અનુસાર 33 વર્ષીય અભિનેતા બાથરૂમમાં અચેત હાલતમાં પડ્યા હતા. તેમના મિત્રએ તેમને આ હાલતમાં જોતાં જ ફ્લેટના વોચમેનને બોલાવી તાત્કાલિક દવાખાને લઇ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. અભિનેતાના મૃત્યુની જાણ થતાં જ મુંબઈ પોલીસ પણ હોસ્પિટલે પહોંચી હતી અને લાશને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.
Actor Aditya Singh Rajput found dead at his apartment in Andheri area. Body sent for post-mortem. Investigation underway: Mumbai Police
— ANI (@ANI) May 22, 2023
(Pic: Aditya's Instagram) pic.twitter.com/1ZHbKB9ilp
હજુ સુધી અભિનેતાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં તેમનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે. જોકે, પોલીસ આ બાબત નકારી રહી છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીએ તેમને જણાવ્યું હતું કે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી. માત્ર એટલી માહિતી મળી છે કે આદિત્ય સિંહ તેમના બાથરૂમમાં પડેલા મળ્યા હતા, જ્યાંથી તેમના નોકર અને વોચમેન તેમને ઊંચકીને બેડ પર લઇ ગયા હતા. જ્યાંથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ડ્રગ્સના ઓવરડોઝને લઈને અમે ચોક્કસ નથી. તેમના નોકરે કહ્યું છે કે, થોડા દિવસથી તેમને શરદી અને ઉધરસ હતાં. હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી તો અમે કંઈ કહી શકીએ તેમ નથી.
કોણ છે આદિત્ય સિંહ રાજપૂત
દિલ્હીમાં જન્મેલા આદિત્ય રાજપૂત મૂળ ઉત્તરાખંડના છે, તેમણે 17 વર્ષની ઉમરમાં મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મૃતક અભિનેતાના પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન પણ છે. ટેલીવિઝન રીયાલીટી શો ‘સ્પ્લીટસવિલા’થી ખ્યાતી મેળવ્યા બાદ આદિત્યએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ 300થી પણ વધુ ટીવી જાહેરાતોમાં પણ કામ કરી ચૂક્યા હતા.
અભિનયની દુનિયાથી કરિયરની શરૂઆત કરનાર આદિત્ય રાજપૂતે પોતાની બ્રાંડ ‘પોપ કલ્ચર’થી પણ ખ્યાતિ મેળવી હતી. પોપ કલ્ચરમાં તેઓ પોતે જ કાસ્ટિંગ ડાયરેક્ટરનું કામ કરતા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેઓ કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે જ આગળ વધી રહ્યા હતા.
મૃતક આદિત્ય રાજપૂતે ‘મૈને ગાંધી કો નહીં મારા’ અને ‘ક્રાંતિવીર’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેઓ ટીવી શૉ ‘કૈમ્બાલા ઇન્વેસ્ટીગેશન એજન્સી’માં રોહિત ઘોષ નામનું પાત્ર પણ ભજવી ચૂક્યા હતા. હાલ મુંબઈ પોલીસ મૃતક અભિનેતાનાં મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયત્નો કરી રહી છે, સાથે જ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.