દિલ્હીના જંતર-મંતર ખાતે પહેલવાનોના ધરણા રાજકીય અખાડામાં પલટાઈ ગયા છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે ધરણામાં ‘આઝાદી ગેંગ’ પણ આવી ગઈ છે. ગુરુવારે (4 મે 2023) ધરણાસ્થળ પર PM મોદી, RSS અને બ્રાહ્મણ વિરોધી નારા સાંભળવા મળ્યા હતા. જ્યારે એક પત્રકારે આ અંગે સવાલ કર્યો તો તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. પત્રકારને બ્રિજભૂષણ શરણ સિંહનો પ્રવક્તા, ગોદી મીડિયા કહીને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેવટે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને તેઓ પત્રકારને ભીડથી બચાવીને લઈ ગયા હતા.
વિડીયોમાં તમે જોઈ શકો છો કે હિજાબ પહેરેલી અને પોતાને દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની કહેતી એક છોકરીના નેતૃત્વમાં કેટલાક લોકો આઝાદીના નારા લગાવી રહ્યા છે. તેઓ મનુવાદથી આઝાદી, RSSથી આઝાદી, બ્રાહ્મણવાદથી આઝાદી, મોદી સરકારથી આઝાદી વગેરે નારા લગાવી રહ્યા છે. તેના પરથી ખ્યાલ આવે છે કે ધરણામાં ‘આઝાદી ગેંગ’ ઘૂસણખોરી કરીને પોતાનો એજન્ડા સામે લાવી રહી છે. એટલું જ નહીં, સૂત્રોચ્ચારમાં કથિત મોબ લિંચિંગનો ભોગ બનેલા અખલાક અને જુનૈદના નામ પણ સંભળાયા હતા. આ ઉપરાંત, તમે વિડીયોમાં મજહબી અને જાતિવાદી નારા પણ સાંભળી શકો છો.
આ સૂત્રોચ્ચારને લઈને જ્યારે O News Hindiના પત્રકાર પ્રભાત રંજન મિશ્રાએ પૂછ્યું કે, પહેલવાનોના ધરણામાં આવા નારાઓનો શું અર્થ છે, તો ત્યાં હાજર લોકોએ તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને બ્રિજભૂષણ શરણ સિંહનો પ્રવક્તા કહેવામાં આવ્યો અને ગોદી મીડિયા કહીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પત્રકારને એવું પણ કહેવામાં આવ્યું કે તે આગ લગાવી રહ્યો છે. ત્યારબાદ પત્રકાર સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી જેથી પોલીસ તેને બચાવીને લઈ ગઈ હતી.
ધરણાથી વિપરીત નારા લગાવનારાઓનું કહેવું છે કે તેઓ પહેલવાનોના સમર્થનમાં જંતર-મંતર પર આવ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે વિડીયો વાયરલ થયા બાદ અને સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચા થયા બાદ પણ આ નારાબાજી અંગે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ કે સાક્ષી મલિક જેવા પહેલવાનોનો જવાબ નથી આવ્યો.
આ પહેલા પણ ધરણાસ્થળ પર ‘મોદી તેરી કબ્ર ખુદેગી, આજ નહીં તો કલ ખુદેગી’ જેવા નારા પણ સંભળાયા હતા. તો ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સાથે કુસ્તીબાજોના સમર્થકો ગેરવર્તણૂક કરી ચૂયા છે.
ઉલ્લેખનીય છે કે, પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંઘ પર યૌન શોષણનો આરોપ લગાવીને ધરણા શરુ કર્યા છે. દિલ્હી પોલીસે આ મામલે એફઆઈઆર પણ નોંધી છે. પરંતુ, ધરણા કરી રહેલા પહેલવાનોનું કહેવું છે કે જ્યાં સુધી બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા કરતા રહેશે. આ દરમિયાન 4 મે, 2023ના રોજ પહેલવાનોની અરજી સુપ્રીમકોર્ટે બંધ કરી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, પહેલવાનોની માંગણી એફઆઈઆર અને સુરક્ષાની હતી જે પૂર્ણ કરવામાં આવી છે. આગળ કોઈપણ પ્રકારની ફરિયાદ માટે તેઓ સ્થાનિક મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા ન્યાયાલય સમક્ષ જઈ શકે છે.