આસામ (Assam) પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (STF) 17 અને 18 ડિસેમ્બરની રાત્રે આતંકીઓને (Terrorist) પકડવા માટે ત્રણ રાજ્યોમાં એક સાથે ઓપરેશન ચલાવ્યું હતું. STFએ ચલાવેલ આ ઓપરેશમાં વૈશ્વિક આતંકી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમ એટલે ABTના 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાં કેરળમાંથી (Kerala) પકડાયેલ એકની ઓળખ મોહમ્મદ સાદ રાદી ઉર્ફે મોહમ્મદ શાબ શેખ તરીકે કરવામાં આવી હતી. જેને નવેમ્બરમાં સ્લીપર સેલ ઉભા કરવા ભારત મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ABT આતંકી સંગઠન અલ-કાયદા (Al-Qaeda) સાથે સંકળાયેલું છે. આસામ STFના વડા પાર્થ સારથી મહંતની આગેવાની હેઠળ ‘ઓપરેશન પ્રઘાત’ (Operation Praghat) કેરળ અને પશ્ચિમ બંગાળ (West Bengal) પોલીસ દળોની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. STFએ આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા જેમાં ABTના 8 આતંકીઓને ઝડપ્યા હતા. જેમાંનો એક મોહમ્મદ સાદ રાદીને (32 વર્ષ) નવેમ્બરમાં ભારત મોકલવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય આસામ અને પશ્ચિમ બંગાળમાં સ્લીપર સેલ એક્ટિવ કરવાનો હતો. ત્યારપછી તે કેરળ જતો રહ્યો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
Bangladesh National Among 8 Arrested For Plan To Target RSS, Hindu Groups, Says Assam STF https://t.co/SC6UhLQdGU pic.twitter.com/J8mo1SHpbK
— NDTV (@ndtv) December 19, 2024
આ ઉપરાંત 5 આતંકવાદીઓ મિનારુલ શેખ (40), મોહમ્મદ અબ્બાસ અલી (33), અબ્દુલ કરીમ મંડલ (30), હમીદુલ ઈસ્લામ (34) અને ઈનામુલ હક (29) આસામમાંથી ઝડપાયા હતા. STFના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલ મોજીબર રહેમાન (46) અને નૂર ઇસ્લામ મંડલે (40) ABT અને AQIS જેવા આતંકવાદી સંગઠનોમાં યુવાનોને ભરતી કરાવવા પશ્ચિમ બંગાળમાં ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી.
RSS સહિતના હિંદુ સંગઠનો હતા નિશાના પર
પોલીસના જણાવ્યા અનુસાર બંગાળના મુર્શિદાબાદ અને ફલાકાતામાં ઘણી બેઠકો યોજવામાં આવી હતી, જ્યાં નૂર ઇસ્લામ મંડલ અને તેના સહયોગીઓએ RSS અને અન્ય હિંદુ સંગઠનોના સભ્યોને નિશાન બનાવવા પ્લાન ઘડ્યા હતા. આ ઉપરાંત STFએ જણાવ્યા અનુસાર પકડાયેલા ABTના આતંકીઓને પાસેથી જે મોબાઈલ સહિતની અન્ય વસ્તુઓ મળી આવી છે તે દર્શાવે છે કે આરોપીઓ છેલ્લાં કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સ્થિત સંગઠનો સાથે સતત સંપર્કમાં હતા.
NDTVને પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, “આ ધરપકડોથી એવી સંભાવના દ્રઢ બની છે કે બાંગ્લાદેશની પરિસ્થિતિની આપણા દેશ પર પણ થોડી અસર થઈ શકે છે… હવે, પ્રશ્ન એ છે કે આ લોકો શું પ્લાનિંગ કરી રહ્યા હતા? અમારી પ્રારંભિક તપાસથી તે સ્પષ્ટ છે કે તેઓ હિંસક અને વિનાશક ગતિવિધિઓ, હત્યાઓ, સાંપ્રદાયિક સૌહાર્દનો ભંગ, સમાજમાં વિઘટન ઊભું કરીને પ્રદેશને અસ્થિર કરવા સહિતની બાબતોનું પ્લાનિંગ કરી રહ્યા હતા.”