ગત 13 મેના રોજ મોડી રાત્રે મહારાષ્ટ્ર અકોલા ખાતે મુસ્લિમ ટોળા દ્વારા થયેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ અરબાઝ ખાન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 23 વર્ષીય અરબાઝે ‘ધ કેરાલા સ્ટોરી’ પર બનેલા એક ઇન્સ્ટાગ્રામ પેજ સાથે વિવાદાસ્પદ ચેટ કરીને તેના સ્ક્રીનશોટ લઇ છેડછાડ કરીને મુસ્લિમોમાં વાયરલ કર્યા હતા. ત્યારબાદ કટ્ટરપંથી ટોળાએ શહેરને ભડકે બાળ્યું હતું. પોલીસને આશંકા છે કે અરબાઝ ખાન ઉપર પણ અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે, પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર આ આખી ઘટના પાછળ અરબાઝ તો માસ્ટરમાઈન્ડ ખરો જ, આ સિવાય પણ તેનો કોઈ ‘ગોડફાધર’ હોય શકે છે, જેને શોધવા માટે તજવીજ ચાલી રહી છે. જ્યાં સુધી વાત અરબાઝની છે તો તેણે પહેલાં વિવાદિત ચેટ કરી અને બાદમાં જાણીજોઈને વાયરલ કર્યા હતા, જેના કારણે શહેરમાં હિંસા થઇ હતી. અકોલાના એસ.પી સંદીપ ધુગેએ પણ તે વાતની પુષ્ટિ કરી હતી કે, વિવાદાસ્પદ ચેટના સ્ક્રીનશોટ એડિટ કરીને વાયરલ કરીને આ હિંસા કરવામાં આવી હતી.
વાસ્તવમાં સમીર સોનવણે નામના એક યુવકે ઇસ્લામી ધર્માંતરણનો ભોગ બનેલી કેરળની હિંદુ યુવતીઓની પીડા રજૂ કરતી અને હાલ બહુ વખણાયેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ વિશે એક ઈન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું હતું. અરબાઝે આ પેજ સાથે ઉગ્ર ભાષામાં ચેટ કરી હતી. જેના કારણે વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચાલી પણ થઇ ગઈ હતી અને મામલો ગાળાગાળી સુધી પહોંચી ગયો હતો. જોકે સંદીપ તરફથી માથાકૂટનો અંત આણી દીધા બાદ અરબાઝે આ ચેટના સ્ક્રીનશોટ લઇ, એડિટ કરી તેનો અમુક ભાગ વાયરલ કરી દીધો હતો.
અરબાઝે મુસ્લિમોનું ટોળું એકઠું કરીને વિવાદિત ચેટમાં સમુદાય વિશે આપત્તિજનક બાબતો હોવાનું કહીને ટોળાનું બ્રેઈનવોશ કર્યું હતું. ભેગું થયેલું ટોળું પોલીસ ફરિયાદ કરવા માંગતું હતું પરંતુ અરબાઝે તેમના વિદોધની આખી દિશા બદલીને તેમણે ઉશ્કેર્યા અને હિંસા ફાટી નીકળી. હાલ આ હિંસા મામલે પોલીસે 150 લોકોની અટકાયત કરી છે, આ ઉપરાંત હજુ પણ અન્ય લોકોની ઓળખ કરવાનું ચાલુ છે, જેથી ધરપકડનો આંકડો વધવાની પણ શક્યતાઓ છે.
અકોલામાં હિંસા બાદ તણાવભર્યો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં અત્યારસુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો એક વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ પણ છે. પોલીસે આ મામલે 120 લોકો સામે એફઆઈઆર કરી છે. હિંસા બાદ ફાયર બ્રિગેડની મદદથી વાહનોમાં લાગેલી આગ કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનામાં સામેલ લોકોની ઓળખ માટે CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર નીમા અરોડાએ કહ્યું હતું કે, અકોલામાં હિંસા બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યા મુજબ, હિંસક બનેલા ટોળાંએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમણે કેટલાક ક્ષતિગ્રસ્ત વાહનોમાં આગ પણ લગાવી હતી. એ પછી પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ ઘટનાનો કથિત વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં બે જૂથના લોકો રસ્તા પર ઉતરીને એકબીજા પર પથ્થરમારો કરે છે. આ ઝડપ બાદ જૂના શહેરના પોલીસ સ્ટેશન પર પણ ભારે ભીડ થઈ ગઈ હતી.