અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ઘેટાં-બકરાં ભરેલો ટ્રક જીવંત ઇલેક્ટ્રિક તારને અડી જતાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં એક બાળક સહિત 3 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 150 જેટલા ઘેટાં-બકરાં પણ આ દુર્ઘટનામાં બળીને ખાક થઈ ગયા છે. હાલ ફાયર વિભાગ ઘટના સ્થળે છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
અહેવાલોના જણાવ્યા અનુસાર સોમવારે (9 ઓક્ટોબરે) સવારે અરવલ્લીના મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ નજીક ઘેટાં-બકરાં ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે ઉપરથી જઈ રહેલા ઇલેક્ટ્રિક તારના સંપર્કમાં આવી ગઈ હતી. ઇલેક્ટ્રિક તાર અડી જવાથી ટ્રકમાં આગ લાગી હતી અને જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. બીજી તરફ, પોલીસ અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
સપ્તાહના પ્રથમ દિવસે દુર્ઘટના
— Jay Acharya ( VTV NEWS ) (@AcharyaJay22_17) October 9, 2023
અરવલ્લીના મોડાસા નજીક પશુઓ ભરેલ ટ્રકમાં લાગી ભીષણ આગ, ટ્રકમાં બેઠેલા એક બાળક સહિત ત્રણ લોકો ભડથું થયા
ટ્રકમાં ભીષણ આગ લાગવાના કારણે 150થી વધુ ઘેટાં બકરા બળીને ખાખ#Gujarat #Aravalli #Modasa pic.twitter.com/UBPw40q4r3
મોડાસામાં ટ્રકમાં આગ લાગવાથી ત્રણ મોત, 150 ઘેટા-બકરા બળીને ખાક
મોડાસામાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર બાળક સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. આ સાથે ટ્રકમાં ભરેલા 150 જેટલા ઘેટાં-બકરાં પણ આ દુર્ઘટનામાં હોમાઈ ગયાં હતાં. આ આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં રહેલા લોકોને બચાવી શકાયા નહોતા અને એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ જીવતા સળગી ગયા હતા. ઘટના અંગે મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના બે વાહન ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ટીંડોઈ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.