દેશભરમાં રખડતા શ્વાનના હુમલાઓની ઘટનાઓ વધી જ રહી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વિડીયો સામે આવતા રહે છે જેમાં કૂતરાઓ નાના બાળકોથી લઈને વૃદ્ધોના મોતનું કારણ બન્યા હોય. તાજેતરમાં આવો જ મામલો ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં બન્યો છે. AMUના ગાર્ડનમાં કૂતરાઓએ ફરવા નીકળેલા એક વ્યક્તિને ફાડી દીધો હતો. મૃતકની ઓળખ સફદર અલી તરીકે થઈ છે.
મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર, સફદર અલી (ઉં.65) નામનો માણસ સવારે લગભગ 6:30 વાગ્યે યુનિવર્સિટીના પાર્કમાં મોર્નિંગ વોક માટે આવ્યો હતો. અહીં કૂતરાઓના ટોળાએ સફદર અલી પર હુમલો કરતાં તે નીચે પડી ગયો હતો. એ પછી કૂતરાઓએ તેના હાથ, પગ, પેટ અને અન્ય અંગોને ફાડી નાખતા સફદર અલીનું મૃત્યુ થયું હતું. AMUના ગાર્ડનમાં કૂતરાઓએ જે હુમલો કર્યો હતો તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ये वीडियो अलीगढ़ विश्वविद्यालय का बताया जा रहा है। सफदर अली नाम एक शख्स सुबह के समय घूमने निकला था। वहां कुत्तों के झुंड ने सफदर को नोच- नोचकर मार डाला। #UttarPradesh pic.twitter.com/HHMPH8ViHN
— Versha Singh (@Vershasingh26) April 16, 2023
વિડીયોમાં જોઈ શકાય છે કે પાર્કમાં સફેદ કપડા પહેરેલો સફદર અલી નીચે પડી ગયો છે અને કૂતરા તેના પર ઘાતકી હુમલો કરી રહ્યા છે. આમથી તેમ ખેંચાઈ રહેલો સફદર અલી પોતાના બચાવ માટે હાથપગ હલાવતો દેખાય છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
મીડિયા રિપોર્ટ અનુસાર, સફદર અલી સ્થાનિક સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. તે રાબેતા મુજબ પાર્કમાં ફરવા આવ્યો હતો. આ દરમિયાન કૂતરાઓના હુમલાને કારણે તે મોતને ભેટ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ગાર્ડે તેનો મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
આ ઘટના અંગે AMUના પ્રોક્ટર મોહમ્મદ વસીમ અલીનું કહેવું છે કે, કેમ્પસમાં એક મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. સિટી SP કુલદીપ ગુણાવતનું કહેવું છે કે, સીસીટીવી ફૂટેજ મુજબ વ્યક્તિનું મૃત્યુ કૂતરાના હુમલાથી થયું છે. 10-12 કૂતરાઓએ હુમલો કર્યો છે. જોકે, તો પણ મૃત્યુનું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. બાકીની જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
હૈદરાબાદમાં શ્વાનના ટોળાએ ચાર વર્ષના બાળકનો ભોગ લીધો હતો
પાછલા દિવસોમાં પણ આ પ્રકારનો ધ્રુજાવી નાખતો વિડીયો હૈદરાબાદથી સામે આવ્યો હતો. અહીંની એક સોસાયટીમાં રમતા ચાર વર્ષના બાળકને શેરીના શ્વાનોએ ફાડી ખાતાં તેનું મૃત્યુ થયું હતું. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.