છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમાર શાહરૂખ ખાન અને અજય દેવગણ સાથે વિમલ ઈલાઈચી નામની પ્રોડક્ટની જાહેરાત કરતો નજરે પડે છે. જો કે આ એક સરોગેટ એડ હોવાની તમામને ખબર છે કારણકે વિમલ મુખ્યત્વે એક ગુટકા બ્રાંડ છે. અક્ષય કુમારની આ એડ બદલ સોશિયલ મિડીયામાં તેની આકરી ટીકા કરવામાં આવી હતી અને હવે અક્ષય કુમારે આ એડ કરવા બદલ પોતાના ફેન્સની માફી માંગી છે.
આજે વહેલી સવારે 1.03 વાગ્યે કરેલી ટ્વિટમાં અક્ષય કુમારે પોતાના ફેન્સને જણાવ્યું છે કે તે તેના ફેન્સ અને શુભેચ્છકોની માફી માંગવા ઈચ્છે છે. તેણે ક્યારેય તમાકુની જાહેરાત કરી નથી કે ભવિષ્યમાં પણ નહીં કરે. તેનું જોડાણ વિમલ સાથે ફક્ત તેની ઈલાઈચી પ્રોડક્ટ સાથે જ હતું. તેમ છતાં તે આ જાહેરાતમાંથી પોતાની ભૂમિકા પરત ખેંચે છે અને આ જાહેરાત દ્વારા થયેલી કમાણી તે દાન કરી દેશે.
— Akshay Kumar (@akshaykumar) April 20, 2022
જો કે અક્ષયે વિમલને પોતાની એડ પાછી ખેંચવાનું નથી કહ્યું. તેણે પોતાના નિવેદનમાં ઉમેર્યું છે કે ગુટકા કંપની પોતે જેમાં સામેલ છે તે એડનું પ્રસારણ વિવિધ પ્લેટફોર્મ્સ પર કોન્ટ્રેક્ટમાં નિયત કરવામાં આવેલા સમય સુધી ચાલુ રાખી શકે છે, પરંતુ તે હવેથી કોઇપણ રીતે આ એડ સાથે જોડાયેલો નથી.
ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં અમિતાભ બચ્ચને પણ આ જ રીતે એક સરોગેટ એડમાંથી પોતાનું નામ પરત લઇ લીધું હતું. અમિતાભે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેને ખ્યાલ ન હતો કે આ એડ સરોગેટ એડ છે આથી તેને જ્યારે આ બાબતની જાણ થઇ કે તેણે પોતાનું નામ આ એડમાંથી પરત લઇ લીધું હતું. અમિતાભ બચ્ચને અક્ષય કુમાર કરતા અલગ સ્ટેન્ડ લેતાં આ એડની સમગ્ર કોન્ટ્રેક્ટ રકમ તે કંપનીને પરત આપી દીધી હતી.
અક્ષય કુમારની છાપ એક એવા એક્ટરની છે જે સમાજને લાભ થાય તેવા સંદેશ આપતો વ્યક્તિ છે. અક્ષય કુમાર ફક્ત સિગરેટ વિરોધી જાગૃતિ ફેલાવતી એડ્સમાં જ નહીં પરંતુ દરેક ઘરમાં શૌચાલય કેમ જરૂરી છે અથવાતો કોઇપણ સ્ત્રીને માસિકના સમયે કપડું નથી પરંતુ સેનેટરી પેડ કેમ વધુ આરોગ્ય યોગ્ય છે એ પ્રકારના સમાજને સ્પર્શ કરતા વિષયો પર બનતી ફિલ્મોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતો કલાકાર પણ છે.
આવામાં જ્યારે તે સ્પષ્ટ રીતે ઈલાઈચીની આડમાં મૂળ ગુટકા પ્રોડક્ટની જાહેરાત કરે તે તેના ફેન્સને ગમે નહીં તે સ્વાભાવિક છે. અક્ષય કુમાર આમ પણ ફિટનેસ માટે જાણીતો છે અને પોતે તમાકુ કે પછી શરાબ જેવી બદીઓથી દૂર રહે છે તેમ વારંવાર કહેતો હોય છે. આવામાં તેને સરોગેટ એડ વિષે ખ્યાલ ન હોય અને તેણે આ એડ કરવી સ્વીકારી હોય તે કોઈને પણ ન માનવામાં આવે એવી બાબત છે.
સેરોગેટ એડ્સની પોતાની અલગજ દુનિયા છે. શરાબ અને ગુટકાની જાહેરાત કરવા પર સરકારે વર્ષોથી પ્રતિબંધ મૂક્યો છે, આથી આ કંપનીઓ કોઈ નિર્દોષ પ્રોડક્ટ નાના-મોટા પ્રમાણમાં ઉત્પાદિત કરીને, પરંતુ બ્રાંડનું નામ સરખું જ રાખીને તેની એડ કરતી હોય છે જેથી તેની મૂળ પ્રોડક્ટની આડકતરી રીતે જાહેરાત થઇ જાય. કિંગફિશર સોડા કે બોટલ્ડ વોટર, વિલ્સની કપડાંની વિશાળ રેન્જ હોય કે પછી વિમલ ઈલાઈચી આ તમામ એડ સરોગેટ એડ્સના જ ઉદાહરણ છે. આ પ્રકારની એડ્સ ટીવી પર વગર કોઈ રોકટોક આવતી હોય છે અને કંપનીઓ આ રીતે પોતાની મૂળ પ્રોડક્ટ્સને આગળ વધારી દેતા હોય છે.