મંગળવાર, 30 મે 2023ના રોજ અમદાવાદના વટવાના શ્રીરામ મેદાનમાં બાગેશ્વર ધામ સરકાર, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભવ્ય દિવ્ય દરબાર યોજાયો હતો. આ દરબારમાં અમદાવાદ અને ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ દરબારના આયોજકે ધીરેન્દ્ર શાસ્ત્રીને સોનાનો મુગટ ભેટ કર્યો હતો.
ઝી 24 કલાકના અહેવાલ મુજબ વટવાના દિવ્ય દરબારના આયોજક હતા પરસોત્તમ શર્મા અને તેમનો પરિવાર. બાગેશ્વર ધામ સરકાર તેમના કાર્યક્રમમાં પહોંચ્યા હતા તેનાથી ગદ્દગદ્દ થઈને તેઓ બાબાને કંઈક ભેટ આપવા માંગતા હતા.
અમદાવાદમાં દિવ્ય દરબારના આયોજકના પરિવારે બાબા બાગેશ્વરને આપ્યો સોનાનો મુગટ #BageshwarDhamSarkar #DhirendraShastri #BabaBageshwar pic.twitter.com/JCxYqPkGuP
— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2023
લાંબી ચર્ચા અને વિચારો બાદ શર્મા પરિવારે આખરે બાગેશ્વર ધામ સરકાર માટે એક ખાસ ભેટ નક્કી કરી હતી. કાર્યક્રમના અંતે પરસોત્તમ શર્મા અને તેમના પરિવારે ધીરેન્દ્ર શાસ્ત્રીને સોનાનો મુગટ પહેરાવીને તેમનું બહુમાન કર્યું હતું.
‘હિંદુઓએ બીજે ક્યાંય જવાની જરૂર નથી’- ધીરેન્દ્ર શાસ્ત્રી
બુધવારે રાતે વટવા ખાતે શરુ થયેલ દિવ્ય દરબારમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટી સંખ્યામાં આવેલ હિંદુઓને સંબોધિત કર્યા હતા. દરબાર પહેલા આપેલા એક સંબોધનમાં તેમને કહ્યું હતું કે, “હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિંદુઓને જગાડવા આવ્યો છું, હિંદુ ધર્મના લોકોએ અન્ય જગ્યાએ જવાની કોઇ જ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ, ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે.”
આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં હાલમાં જ દિલ્હી ખાતે થયેલ સાક્ષી હત્યા કેસ વિશે પણ વાત કરી હતી અને ઉગ્ર શબ્દોમાં તેની નિંદા કરી હતી.
અહેવાલો અનુસાર વટવામાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર શરૂ થયો ત્યારથી માંડીને અંત સુધી શ્રીરામ મેદાનમાં જનમેદની ઉમટી પડી છે. સામાન્ય નગરજનો સાથે જ ભાજપના અનેક મોટા નેતાઓએ દરબારમાં હાજરી આપી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અને વટવા વિધાનસભાના જ પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, વટવાના હાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, ઠક્કરબાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા હાજર થયા હતા. ઉપરાંત કરણી સેનાના કેટલાક સભ્યો પણ દિવ્ય દરબારમાં આવ્યા હતા.
નોંધનીય છે કે આજથી રાજકોટ ખાતે પણ બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.