Sunday, December 22, 2024
More
    હોમપેજરાજકારણચૂંટણી જીતવા જુઠ્ઠાણાંના સહારે કેજરીવાલની AAP: ફ્રોડ સામે જાગૃતિ ફેલાવતો પંકજ ત્રિપાઠીનો...

    ચૂંટણી જીતવા જુઠ્ઠાણાંના સહારે કેજરીવાલની AAP: ફ્રોડ સામે જાગૃતિ ફેલાવતો પંકજ ત્રિપાઠીનો વિડીયો કાપકૂપ કરીને ચલાવ્યો, પોલ ખુલી ગઈ તો કરવો પડ્યો ડિલીટ

    સંભવતઃ AI કે અન્ય કોઈ ટૂલની મદદથી AAP આઇટી સેલે લૉટરી સ્કેમવાળા સંવાદોને બદલીને પંકજ ત્રિપાઠીના જ અવાજમાં ભાજપવિરોધી વાતો ઘૂસાડી દીધી હતી અને ફર્જી એડ બનાવી નાખી હતી.

    - Advertisement -

    દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ-તેમ આમ આદમી પાર્ટીએ પણ પોતાનું અસલ સ્વરૂપ ઉજાગર કરવા માંડ્યું છે. જેમાં દિવસમાં પાંચ વખત પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે કેન્દ્ર પર દોષ નાખવામાં આવે છે તો ઘણી વખત ન જેવા મુદ્દાને નેશનલ મુદ્દો બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે. કેજરીવાલ પર હુમલાની સિઝન પણ શરૂ થઈ છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ગુરુવારે (5 ડિસેમ્બર) એક ડગલું આગળ વધી ગઈ હતી. 

    આમ આદમી પાર્ટીના અધિકારિક X હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. 32 સેકન્ડના આ વિડીયોમાં અભિનેતા પંકજ ત્રિપાઠી જોવા મળે છે. પોસ્ટનું શીર્ષક હતું- ‘BJPવાળાઓને કહો- હું મૂર્ખ નથી.’ 

    આ નાનકડા વિડીયોમાં પંકજ ત્રિપાઠી મગફળી વેચનારના પાત્રમાં જોવા મળે છે. જેમાં તેઓ કહે છે, “હું મગફળી વેચું છું. મારી અક્કલ નહીં. આ મેસેજ જુઓ. ભાજપવાળાઓએ મોકલ્યો છે, કહે છે કે અમને વોટ આપો, વિકાસ કરીશું.” અહીં એક મોબાઇલની સ્ક્રીન બતાવે છે, જેમાં ભાજપનું ચૂંટણી ચિહ્ન જોવા મળે છે. 

    - Advertisement -

    આગળ કહે છે, “અરે..અમને ખબર નથી? અહીં આપણે તેમને વોટ આપીશું, ત્યાં સરકારી પૈસો ગાયબ. મગફળીવાળો છું, મૂર્ખ નથી. યાદ રહે, જો ભાજપના લોકો કોઈ લાલચ આપે તો કહો, મેં મૂર્ખ નહીં હું.”

    5 ડિસેમ્બરે સવારે 10:30 કલાકે પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયો પર શરૂઆતમાં તો AAP સમર્થકોએ બહુ વાહવાહી કરી, પણ પછી પોલ ખૂલતાં વાર ન લાગી. અમુક સોશિયલ મીડિયા યુઝરોએ હકીકત જણાવી ત્યારે AAP આઇટી સેલની ચાલબાજી છતી થઈ ગઈ અને આખરે પોસ્ટ હટાવવી પડી. 

    વિડીયો એડિટેડ, પંકજ ત્રિપાઠીએ UPI માટે એડ બનાવી હતી, AAPએ BJP ઘૂસાડી દીધું  

    અહીં આમ આદમી પાર્ટીએ જે વિડીયો શૅર કરીને ભાજપવિરુદ્ધ પ્રચાર કરવાના પ્રયાસ કર્યા છે, તે વિડીયો વાસ્તવમાં એડિટ કરવામાં આવ્યો છે. મૂળ રીતે પંકજ ત્રિપાઠીએ UPIને લઈને જાગૃતિ ફેલાવવા માટે આ એડનું શૂટિંગ કર્યું હતું અને તેમાં ભાજપને ક્યાંય લાગતું-વળગતું નથી.

    જે મૂળ જાહેરાત છે તેમાં પંકજ ત્રિપાઠીના શરૂઆતના અને અંતના સંવાદોને જેમના તેમ રહેવા દઈને AAPના આઇટી સેલના ‘જાંબાઝો’એ ભાજપવાળો ભાગ એડિટ કરીને નાખી દીધો હતો. અહીં સુધી કે ફોનની સ્ક્રીન પર પણ ભાજપનું ચિહ્ન ચોંટાડી દીધું હતું. પરંતુ નબળા એડિટિંગના કારણે ખબર પડી જાય છે કે સ્ક્રીન પર એડિટિંગ કરવામાં આવ્યું છે. 

    મૂળ અને સાચી જાહેરાત કુલ 35 સેકન્ડની છે, જે ‘UPI ચલેગા’ની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવી છે. 2 મહિના પહેલાં અપલોડ કરવામાં આવેલા આ વિડીયો પર કુલ 114 મિલિયન વ્યૂઝ છે. 

    વાસ્તવિક વિડીયોમાં પંકજ ત્રિપાઠી લૉટરી સ્કેમની વાત કરતા જોવા મળે છે. તેઓ કહે છે, “હું મગફળી વેચું છું, અક્કલ નહીં. આ મેસેજ જુઓ. કહે છે કે લોટરી લાગી છે, ક્લિક કરીને UPI પિન નાખો, પૈસા મળશે.” અહીં તેઓ મોબાઇલની સ્ક્રીન બતાવે છે તેમાં ક્યાંય ભાજપનું ચિહ્ન નથી. આગળ તેઓ કહે છે, “અમને શું ખબર નથી, અહીં UPI પિન નાખ્યો અને ત્યાં પૈસા ગાયબ. મગફળીવાળો છું, મૂર્ખ નથી. કોઈ જો લાલચ આપે તો કહો, મેં મૂર્ખ નહીં હું.”

    અહીં સંભવતઃ AI કે અન્ય કોઈ ટૂલની મદદથી AAP આઇટી સેલે લૉટરી સ્કેમવાળા સંવાદોને બદલીને પંકજ ત્રિપાઠીના જ અવાજમાં ભાજપવિરોધી વાતો ઘૂસાડી દીધી હતી અને ફર્જી એડ બનાવી નાખી હતી. એટલું જ નહીં, પછી તેને ગાઈ-વગાડીને શૅર પણ કરી હતી. પરંતુ પોલ ખુલી ગઈ તો પછીથી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી. 

    AAPના મુખ્ય અકાઉન્ટ પરથી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ અન્ય રાજ્યોની શાખાઓના હેન્ડલ પર હજુ પણ આ વિડીયો જોવા મળે છે. 

    આ મામલે UPI કે પંકજ ત્રિપાઠી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. નોંધવું જોઈએ કે પંકજ ત્રિપાઠીને UPIએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. 

    ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે UPI મોદી સરકારની જ દેન છે અને પીએમ મોદીના સૌથી સફળ પ્રોજેક્ટમાંનો એક છે. આમ આદમી પાર્ટી પીએમ મોદી અને તેમની સરકાર કે પાર્ટી વિરુદ્ધ અપપ્રચાર કરવા માટે પણ તેમના જ પ્રોજેક્ટની જાહેરાતોમાં કાપકૂપ કરીને વોટ ઉઘરાવવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં