અમદાવાદ અને મહેસાણાના કેટલાક આપ કાર્યકર્તાઓ વિરુદ્ધ અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અગાઉ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરતાં પોસ્ટર્સના મામલાની જેમ જ અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારના પોસ્ટર્સ લગાડવાથી જાહેર સંપત્તિને નુકશાન કરવાના મામલે આપ કાર્યકર્તાઓ વિરુદ્ધ અમદાવાદનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતાં સમાચાર અનુસાર 5 આપ કાર્યકર્તાઓ વિરુદ્ધ અમદાવાદના વાડજ, મણીનગર, વટવા, નારોલ, ઇસનપુર અને અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ આ પ્રકારના અપમાન કરતાં પોસ્ટર્સ છાપવા બદલ પ્રિન્ટીંગ પ્રેસના માલિક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ફરિયાદ અનુસાર પૂર્વયોજિત કાવતરા હેઠળ જાહેર મિલકતને નુકસાન પહોચાડવાનું કાર્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના ઓફીશીયલ ફેસબુક પેજ અનુસાર તેમનાં 7 કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ફરિયાદ મહેસાણા જીલ્લા પ્રમુખ જયદેવસિંહ બી ચાવડા, અમદાવાદ શહેર પ્રમુખ બિપીન પટેલ ઉપરાંત કુલદીપ ભટ્ટ, પરેશ તુલ્સીયાની, જીવણ મહેશ્વરી, અરવિંદ ચૌહાણ, નટુ ઠાકોર વિરુદ્ધ થઇ હોવાનો દાવો આ પોસ્ટમાં આમ આદમી પાર્ટી ગુજરાતે કર્યો છે.
આ અગાઉ દસ દિવસ અગાઉ દિલ્હીમાં પણ આ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતાં અને તેના વિરુદ્ધ દિલ્હી પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી અને 36 FIR પણ નોંધી હતી.
દિલ્હી પોલીસની કાર્યવાહી દરમ્યાન દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર એક વાન પકડાઈ હતી જેમાં જથ્થાબંધ પોસ્ટરો મળ્યાં હતાં. આ સમયે દિલ્હીના જ પ્રિન્ટીંગ પ્રેસમાં 50,000 જેટલા પોસ્ટરો છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ પોસ્ટર્સ પર પ્રિન્ટીંગ પ્રેસનું નામ ન હતું.
દિલ્હી પોલીસે સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતોને નુકસાન પહોંચાડવાનો મામલો નોંધ્યો હતો કારણકે એ સમયે ખાનગી ઈમારતો પર પણ આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં.
ફક્ત આપ કાર્યકતાઓ જ નહીં ભૂતકાળમાં ગુજરાત આમ આદમી પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ પણ અનેક મામલે સમગ્ર રાજ્યમાં FIR દાખલ કરવામાં આવી છે. 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં લઈને આપ ગુજરાત વડાપ્રધાન મોદીનાં ગૃહરાજ્ય ગુજરાતમાં જ તેમનું અપમાન કરે તે પ્રકારની રણનીતિને કેટલો ફાયદો મળશે એ તો આવનારો સમય જ કહેશે.