Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'દીકરો 10 વર્ષનો હતો, આજે 31 વર્ષનો થઈ ગયો, 21 વર્ષ માં...

    ‘દીકરો 10 વર્ષનો હતો, આજે 31 વર્ષનો થઈ ગયો, 21 વર્ષ માં બધું ખતમ થઈ ગયું’: ગોધરાકાંડ બાદ હાલોલ રમખાણ કેસ સાથે સંકળાયેલા લોકો સાથે ખાસ વાતચીત

    "અમારી વેદના, તકલીફો ક્યારેય કોઈએ નથી જોઈ. ઑપઈન્ડિયા પહેલું એવું બેનર છે જેણે અમારી સાથે વાત કરી અને અમારી વ્યથા જાણવાની તસ્દી લીધી."

    - Advertisement -

    ‘ગોધરાકાંડ’ શબ્દ સંભાળતા જ નજર સામે રેલ્વે ટ્રેક પર બળીને ભસ્મ થઇ ગયેલી સાબરમતી એક્સપ્રેસનું ચિત્ર ઉપસી આવે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનના એસ-6 કોચમાં સાવ નિર્દોષ 59 કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યાં, ઘટના સામેના ઉગ્ર પ્રત્યાઘાતોના કોમી રમખાણોમાં તત્કાલીન સમયે ગુજરાત ભડકે બળ્યું હતું. રાજ્યના અનેક ભાગોમાં ભીષણ કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેમાં હાલોલનો પણ સમાવેશ થાય છે, જ્યાં દેલોલની ગોમા નદીના પટમાં 17 લોકોની હત્યા કરાઈ હોવાના દાવાઓ કરવામાં આવ્યાં હતા. જેને લઈને 22 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ગઈકાલે સેશન્સ કોર્ટે આ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકતા ઑપઈન્ડિયાએ ગોધરાકાંડ બાદ હાલોલ રમખાણોમાં નિર્દોષ છુટેલા લોકો સાથે ખાસ વાતચીત કરી હતી.

    મળતી માહિતી અનુસાર ગોધરાકાંડ બાદ હાલોલ રમખાણોમાં નિર્દોષ છુટેલા લોકો પર 17 મુસ્લિમ લોકોની હત્યાનો આરોપ હતો. દરમિયાન હાલોલ સ્થિત એડિશનલ સેશન્સ અદાલત સમક્ષ હાથ ધરાવામાં આવેલ કાયદાકીય દલીલોમાં અદાલત સમક્ષ 84 મૌખિક પુરાવાઓ અને 177 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાયદાકીય દલીલોની સુનાવણીઓના અંતે 21 વર્ષો બાદ હાલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલક્રિષ્ણ ત્રિવેદીએ 8 મૃતકો સમેત 22 આરોપીત લોકોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. હિંદુ પક્ષે ગોધરાના સિનિયર એડવોકેટ ગોપાલસિંહ સોલંકી અને વિજય પાઠકે કાયદાકીય દલીલો કરી હતી.

    ન્યાયાલયના નિર્ણય બાદ ઑપઈન્ડિયાએ આ મુદ્દે વધુ માહિતી લેવા એડવોકેટ ગોપાલસિંહ સોલંકીનો સંપર્ક કર્યો હતો, અમારી ટીમ સાથે થયેલી ટેલીફોનીક વાતચીતમાં તેમણે ઘણી ચોંકાવનારી બાબતો જણાવી હતી, કેસ ડિસ્કસ કરતા તેમણે વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું કે કોર્ટે નિર્ણય ક્યાં તથ્યોને ધ્યાન પર રાખીને લીધો.

    - Advertisement -

    IPS અધિકારીના ઈશારે જ એક તરફી ઇન્વેસ્ટીગેશન બાદ 22 લોકોને સંડોવવામાં આવ્યાં: ગોપાલસિંહ

    ઑપઈન્ડિયા સાથે કેસ પર વિગતવાર વાત કરતા એડવોકેટ ગોપાલસિંહે જણાવ્યું કે, “તમામ 22 લોકોના પક્ષે મે જ કેસ લડ્યો છે, આ કેસમાં એક વાર તપાસ થઈ ગયાંના પોણા 2 વર્ષ બાદ મિર્ઝા કરીને એક IPS અધિકારી આવ્યાં, જેઓ સ્પેશ્યલી અપોઈન્ટે હતા. જેમણે જ પોણા બે વર્ષ બાદ આરોપીઓને ટાર્ગેટ કરી ફરી ગુનો દાખલ કરાવડાવ્યો. જેનો ક્રમાંક 221 હતો. ત્યાર બાદ આ જ IPS અધિકારીના ઈશારે જ એક તરફી ઇન્વેસ્ટીગેશન કરવામાં આવ્યું. ત્યાર બાદ તેવા લોકોને પકડવામાં આવ્યાં જેઓ આ ગુનામાં શામેલ હતા જ નહિ, પણ ટાર્ગેટ કરીને તેમને સંડોવવામાં આવ્યાં.” તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું.

    3 વાર પુર અને 25 ફૂટ પાણીનાં વહેણ બાદ અસ્થી કઈ રીતે મળી શકે?

    આ કેસ પર આગળ વાત કરતા ગોપાલસિંહ જણાવે છે કે, “આ કેસમાં વિચારવા જેવી ફની (હાસ્યાસ્પદ) બાબત તે હતી કે, જે નદીમાં 17 લોકોની હત્યા કરીને સળગાવી નાંખવાનો આરોપ હતો, તે નદીમાં પોણા બે વર્ષમાં 3 વાર પુર આવી ચુક્યું હતું. અને નદી એટલી મોટી છે કે 20 થી 25 ફૂટ સુધી પાણી આવી ગયા હોવાનો દાવો હતો. તમને લાગે છે કે 3 પુર અને આટલા ઊંડા પાણીના વહેણમાં મૃતકોના કોઈ અવશેષો વધ્યાં હોય? તે છતાં ત્યાંથી અસ્થીઓ મેળવવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો. ત્યાર બાદ તેણે FSL માં મોકલવામાં આવ્યાં. તે હાડકાઓનો DNA ટેસ્ટ થઇ જ ન શક્યો, અને FSL દ્વારા ખુબ સ્પષ્ટ રીપોર્ટ પણ આપવામાં આવ્યો કે આ અસ્થિઓની કોઈ પ્રકારની પુષ્ટિ થઈ શકી નથી કે મૃતકોની છે.”

    ફરિયાદીએ જ જુબાની આપી કે અમારા મુસ્લિમ સમાજના લોકોએ મારી સહી લીધી હતી: એડવોકેટ ગોપાલસિંહ

    આ કેસનો ચુકાદો તેમના તરફી આવવા પાછળનું અન્ય કારણ શું હોઈ શકે તેના પર સવાલ પૂછતાં ગોપાલસિંહ ઑપઈન્ડિયાને જણાવે છે કે, “તેવી બીજી બાબત ફરિયાદી પોતે જ છે, જેઓ આ કેસના એક માત્ર પ્રત્યદર્શી શાક્ષી હતા. તેમણે તેવું કહ્યું કે એ તમમાં ઘટનાઓ મે એકલાએ જ મારી નજરે જ જોઈ છે, પણ જયારે તેમનું અંતિમ નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મને કશી ખબર નથી, જેણે અરજી કરી તેમણે મારા હસ્તાક્ષર લીધા હતા. અને ફરિયાદમાં પણ મારા હસ્તાક્ષર લીધા, તેમણે કોર્ટમાં એમ પણ કહ્યું કે “અમારા સમાજના (મુસ્લિમ) સમાજના લોકોએ મને ગવાહી આપવા કહીને મારી સહી લીધી હતી.” કોર્ટે તેમની જુબાની માન્ય ન રાખી.”

    પોતાની વાત પૂરી કરતા એડવોકેટ ગોપાલસિંહ ઑપઈન્ડિયાને જણાવે છે કે, “જે ઘટના ઘટી હતી તે નહોતી થવી જોઈતી, મે રમખાણોના અનેક કેસ લડ્યા છે, અને હજુ લડી રહ્યો છું. મોટાભાગના કેસોમાં સામા પક્ષે (મુસ્લિમ) ખોટા કેસ અને નિવેદનો નોંધાવીને આરોપો ઘડાવ્યા છે. આ તમામ બાબતો પાછળ કોઈ સમૂહ કે સંસ્થા સુનિયોજિત રીતે કામ કરી રહ્યાં છે. દોરવણી કરીને ખોટા કેસ ઉભા કરવામાં આવે છે. પણ હા 2002 બાદ ગોધરામાં કોઈ તોફાન નથી થયા, અને અગામી સમયમાં પણ ન થાય તેવી આશા કરી રહ્યો છું.”

    21 વર્ષમાં બધું ખતમ થઈ ગયું : નિર્દોષ છુટેલા અશોક પટેલ

    ચુકાદા બાદ ગોધરાકાંડ હાલોલ રમખાણોમાં નિર્દોષ છુટેલા અશોક પટેલે પણ ઑપઈન્ડિયા સાથે ખાસ વાતચીતમાં 21 વર્ષની લડત અને અનુભવાયેલી તકલીફો વિષે જણાવ્યું હતું. ટેલીફોનીક થયેલી વાતમાં તેઓ જણાવે છે કે,”21 વર્ષ પહેલા ફેબ્રિકેટ કરેલા કેસમાં અમને ફસાવવામાં આવ્યાં, ટાર્ગેટ એવા લોકોને કરવામાં આવ્યાં જેઓ સામાજિક રીતે આગળ હતા. કેટલાક રાજકીય લોકોના ઈશારે થયેલા આ કેસ બાદ 21 વર્ષ સુધી અમે ખોટા આરોપો સામે ઝઝૂમ્યા, બધું ખતમ થઈ ગયું. મારું પરિવાર ભાંગી પડ્યું, લોકો અલગ નજરથી જોવા લાગ્યા હતા. મારી પત્ની રડી રડીને ગંભીર રીતે બીમાર થઈ ગઈ.”

    દીકરો 10 વર્ષનો હતો, આજે 31 વર્ષનો થઈ ગયો. સ્કુલમાં બાળકો તેનાથી દુર રહેતા : અશોક પટેલ

    નિર્દોષ જાહેર થયેલા અશોક પટેલ આગળ જણાવે છે કે, “જયારે હું આ આરોપસર જેલમાં ગયો ત્યારે મારો દીકરો 10 વર્ષનો હતો. બાળપણમાં તેને લોકો એ નજરે જોતા જાણે તે પણ હત્યારો હોય. લોકો તેની સામે તો નહિ પણ પાછળથી કહેતા કે આનો બાપ જેલમાં છે, ક્યારેક તે સાંભળી પણ જતો. એના મિત્રો પણ તેનાથી દુર રહેવા લાગ્યા હતા, સ્કુલમાં અને બહાર લોકો કહેતા કે આનો બાપ હત્યારો છે, ન આચરેલા ગુનાની 21 વર્ષ સુધી સજા માત્ર મે નહી મારા પરિવારે પણ ભોગવી છે. લોકો અમારાથી દુર રહેવા લાગ્યા હતા. પણ વાસ્તવિકતાની જાણ થતા લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો અને ધીમે ધીમે સાથે ઉભા રહેતા થયા, પણ જે થયું તે ખુબ ખોટું થયું. મારા જીવનના 21 વર્ષની ભરપાઈ નથી થઈ શકે તેમ.”

    ઑપઈન્ડિયા પહેલું એવું બેનર જેણે સિક્કાની બીજી બાજુ જાણવાની કોશિશ કરી : અશોક પટેલ

    તેમણે એમ પણ કહ્યું કે, “આટલા વર્ષોમાં અમારો પક્ષ જાણવા કોઈ મીડિયા કે સમાચાર એજન્સી નથી આવ્યાં, તમામ લોકો માત્ર અમને આરોપી, ખૂની, હત્યારા અને રાક્ષસ તરીકે દર્શાવતા રહ્યા. આજે જયારે અદાલતે અમને નિર્દોષ જાહેર કાર્ય છે, ત્યારે પણ મીડિયા માત્ર અફસોસ કરી રહી છે. અમારી વેદના, તકલીફો ક્યારેય કોઈએ નથી જોઈ. ઑપઈન્ડિયા પહેલું એવું બેનર છે જેણે અમારી સાથે વાત કરી અને અમારી વ્યથા જાણવાની તસ્દી લીધી.”

    આ સિવાય અમારી ટીમે અન્ય લોકોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર તેમની સાથે વાત નથી થઈ શકી. તેમની સાથે વાત થતાની સાથે જ તેમની 21 વર્ષની આ લડાઈના અનુભવો સાથે અમે આ લેખને અપડેટ કરીશું.

    હિંદુ સમાજ અને સંગઠન તેમની સાથે રહી તેમનું ખોવાયેલું માન સન્માન પરત અપાવશે

    આ ઘટના બાદ હાલોલના હિંદુ સંગઠનના યુવા અગ્રણી જલ્પેશભાઈ જણાવે છે કે, “ખોટા કેસોમાં ફસાયા બાદ તમામ લોકોનું જીવન વેર-વિખેર થઈ ગયું હતું. સામાજિક અને આર્થિક બંને રીતે તેમની કમર ભાંગી ગઈ હતી. અમ કેટલાક પરિવારો તો તેવા છે જેમના ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હતા અને તેઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યાં. આજે જયારે કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા છે ત્યારે સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનો તેમના ઉત્થાન અને સન્માન માટે તેમની સાથે ઉભો રહેશે. તેમણે ગુમાવેલ માનસન્માન તેમને પરત અપાવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં