શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા આદિત્ય ઠાકરે અને અન્ય નેતાઓ વિરુદ્ધ મુંબઈ પોલીસે FIR દાખલ કરી છે. તેમની ઉપર નિર્માણાધીન બ્રિજનું ઉદ્ઘાટન કરવાનો આરોપ છે. મહાનગરપાલિકાનું કહેવું છે કે હજુ તો બ્રિજનું કામ બાકી હતું ત્યારે શિવસેનાના (UBT) નેતાઓએ જઈને પરવાનગી વગર જ ઉદઘાટન કરી દીધું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે આદિત્ય ઠાકરે તેમજ સુનિલ શિંદે અને સચિન આહીર વગેરે નેતાઓ પર IPCની કલમ 143, 149, 326 અને 447 હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કલમો ગેરકાયદેસર મંડળી રચવી, રાયોટિંગ, અન્યોનાં જીવન અને સુરક્ષા જોખમાય તેવાં કૃત્યો કરવાં અને અનધિકૃત પ્રવેશ વગેરેને લગતી છે.
આ મામલો દક્ષિણ મુંબઈ અને લોઅર પરેલને જોડતો ડિલાઇલ બ્રિજને લગતો છે. IIT બૉમ્બે દ્રારા તેને અસુરક્ષિત ઘોષિત કરવામાં આવ્યા બાદ વર્ષ 2018માં બંધ કરી દેવામાં આવ્યો હતો અને રિનોવેશનનું કામ શરૂ કરાયું હતું. આ બ્રિજ તાજેતરમાં જ નિર્માણ પામ્યો છે પરંતુ ટ્રાફિક માટે તૈયાર ન હતો અને તેને ખુલ્લો મૂકવા માટે મહાનગરપાલિકા તરફથી કોઇ પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં ગત 16 નવેમ્બરના રોજ આદિત્ય ઠાકરે અને શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓ પહોંચી ગયા હતા અને બ્રિજનું ઉદ્ઘાટન કરી નાખ્યું હતું.
આદિત્ય ઠાકરેએ 16 નવેમ્બરના રોજ X અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પોતે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હોવાની જાણકારી પણ આપી હતી. સાથે 2 તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં પોતે અન્ય નેતાઓ સાથે હાથમાં ઝંડા લઈને ચાલતા જોવા મળે છે. સાથે લખ્યું હતું કે, અમને સરકારના VIPની જરૂર નથી, લોકો ત્રસ્ત છે.’
डिलाईल रोड ब्रिजचे उद्घाटन!
— Aaditya Thackeray (@AUThackeray) November 16, 2023
आता खोके सरकारचे व्हीआयपी नको, जनता त्रस्त आहे… pic.twitter.com/2AUAThHq3i
અન્ય એક પોસ્ટમાં ઠાકરેએ દાવો કર્યો હતો કે, “લોકોના ઉપયોગ માટે BMC દ્વારા બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તે માટે રાહ જોવામાં આવી રહી હતી, પણ દસ દિવસ થઈ ગયા છતાં ઉદઘાટન માટે VIPની રાહ જોવામાં આવી રહી છે. અમે ગત રાત્રિએ તેનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે અને આજે સરકારના દબાણમાં BMCએ તેને ફરી બંધ કરી દીધો છે. સાથે સરકાર પર આરોપ લગાવ્યા હતા.
બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે, “મહાનગરપાલિકા માને છે કે વિભાગ દ્વારા પરવાનગી ન હોય અને ઉદઘાટન માટે સુરક્ષિત ન હોય તેમ છતાં અધૂરા બનેલા બ્રિજ કે અન્ય બાંધકામનું આ રીતે ઉદ્ઘાટન કરવું યોગ્ય નથી. જો કોઇ દુર્ઘટના બને તો તે માટે કોણ જવાબદાર હશે? આ કાર્યવાહી વ્યક્તિગત રીતે કરવામાં આવી રહી નથી પરંતુ આ પ્રકારનાં ગેરકાયદેસર ઉદ્દઘાટન કરતા લોકોને એક સ્પષ્ટ સંદેશ છે.”