વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (23 ફેબ્રુઆરી, 2024) ઉત્તર પ્રદેશના વારાણસીમાં હતા. અહીં તેમણે હજારો કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં. અહીં તેમણે સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, “જેમનાં પોતાના હોશનાં ઠેકાણાં નથી તેઓ મારા કાશીના યુવાઓને ‘નશેડી’ કહી રહ્યા છે.” નોંધવું જોઈએ કે રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન વારાણસીના યુવાનો વિશે ટિપ્પણી કરી હતી.
વડાપ્રધાને સભામાં કહ્યું, “આજે જ્યારે UP બદલાઈ રહ્યું છે, UPના નવયુવાનો પોતાનું નવું ભવિષ્ય લખી રહ્યા છે ત્યારે આ પરિવારવાદી શું કરી રહ્યા છે? હું તો તેમની વાતો સાંભળીને હેરાન છું. કોંગ્રેસના શાહી પરિવારના યુવરાજનું કહેવું છે કે કાશીના નવયુવાન, UPના નવયુવાન નશેડી છે. આ કેવી ભાષા છે!”
#WATCH | Varanasi | PM Modi attacks Congress MP Rahul Gandhi, says,"Congress' Yuvraj says that youth of Kashi & UP are 'nashedi'. What kind of language is this?. Now they are taking out their frustration on the youth of Uttar Pradesh. The youth of UP are busy in building a… pic.twitter.com/KsCGQe3J0C
— ANI (@ANI) February 23, 2024
તેમણે આગળ કહ્યું કે, “મોદીને ગાળો આપતાં-આપતાં તેમણે 2 દાયકા વીતાવી દીધા, પરંતુ હવે તેઓ ઈશ્વરરૂપી જનતા-જનાર્દન અને UPના નવયુવાનો પર પોતાનું ફસ્ટ્રેશન કાઢી રહ્યા છે. જેના પોતાના હોશ ઠેકાણે નથી તેઓ UPના, મારાં કાશીનાં બાળકોને નશેડી કહી રહ્યા છે. પરંતુ UPના નવયુવાનો તો સમૃદ્ધ ભવિષ્ય બનાવવામાં જોતરાયેલા છે.” તેમણે ઉમેર્યું કે, “INDI ગઠબંધન દ્વારા UPના નવયુવાનોનું અપમાન કોઇ ભૂલશે નહીં.”
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે રાયબરેલીમાં એક સંબોધનમાં કહ્યું હતું કે, “કાલે મેં વારાણસીમાં મારી આંખે UPની ખરી હાલત જોઈ. રાત્રે રસ્તા પર હજારો યુવાનો દારૂ પીને સૂતેલા હતા. દારુ પી-પીને તમારા યુવાનો વારાણસીમાં નાચી રહ્યા છે….અને સવારે બીજા યુવાનો મારી પાસે આવીને કહે છે કે, અમારી જીંદગી બરબાદ થઈ ગઈ, પેપર લીક થઈ ગયું. મારી પાસે રડતો યુવા આવે છે અને કહે છે કે રાહુલજી મેં 5 લાખ રૂપિયા કોચિંગ સેન્ટરને આપ્યા, મેં સપનું જોયું હતું, મને રોજગાર મળશે પરંતુ પરીક્ષાના દિવસે પેપર લીક થઈ જાય છે.”
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો અને વારાણસીના યુવાનો વિશે ટિપ્પણી કરવા બદલ ટીકા પણ ખૂબ થઈ હતી. જ્યારે હવે સ્વયં વડાપ્રધાન મોદીએ જાહેરમંચ પરથી કોંગ્રેસ નેતાને આડેહાથ લીધા હતા. નોંધવું જોઈએ કે વડાપ્રધાન મોદી વારાણસીથી જ સાંસદ છે.