Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમોટા ઉપાડે બનાવી નાખ્યું INDI ગઠબંધન, પણ કેટલું ટકશે તે સવાલ: મમતા...

    મોટા ઉપાડે બનાવી નાખ્યું INDI ગઠબંધન, પણ કેટલું ટકશે તે સવાલ: મમતા બેનર્જીની ‘એકલા ચાલો’ની ઘોષણા, કહ્યું- બંગાળમાં કોઇ ગઠબંધન નહીં

    TMC સુપ્રીમોએ કહ્યું કે, અમે સીટ શેરિંગ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે નકારી દીધો અને પછી આગળ કોઇ વાતચીત થઈ નથી. જ્યાં સુધી બંગાળની વાત છે, કોઇ ગઠબંધન નથી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ મોટા ઉપાડે INDI ગઠબંધનની રચના તો કરી નાખી પરંતુ હવે તેને ટકાવવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. હવે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને CM મમતા બેનર્જીએ એકલા જ ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી છે. 

    બુધવારે (24 જાન્યુઆરી, 2024) મમતા બેનર્જીએ ગઠબંધન અને ચૂંટણી અંગે વાત કરતાં કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી સાથે મારી કોઇ ચર્ચા થઈ નથી. મેં પહેલેથી જ કહ્યું છે કે બંગાળમાં અમે (TMC) એકલા જ ચૂંટણી લડીશું. દેશના બાકીના ભાગમાં શું થાય તેની મને ચિંતા નથી પરંતુ બંગાળમાં અમે સેક્યુલર પાર્ટી છીએ અને અમે જ ભાજપને હરાવીશું. અમે INDI ગઠબંધનના સભ્ય છીએ. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની કોઇ જાણ કરવામાં આવી નથી.”

    TMC સુપ્રીમોએ કહ્યું કે, અમે સીટ શેરિંગ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે નકારી દીધો અને પછી આગળ કોઇ વાતચીત થઈ નથી. જ્યાં સુધી બંગાળની વાત છે, કોઇ ગઠબંધન નથી. તેમણે એમ પણ કહ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા માટે તેમને જાણ પણ કરવામાં ન આવી કે ન તેમને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે એમ પણ કહ્યું કે, INDI ગઠબંધનનું શું થાય તે ચૂંટણી પછી જોયું જશે, પરંતુ બંગાળમાં તેમની પાર્ટી એકલી ભાજપ સામે લડશે.

    - Advertisement -

    આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં પહેલેથી જ INDI ગઠબંધનની ત્રણ પાર્ટીઓ ટીએમસી, કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) વચ્ચે સીટ-શેરિંગને લઈને વિખવાદ જોવા મળી રહ્યો છે. હવે મમતા બેનર્જીએ જાહેરમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોંગ્રેસ સાથે માથાકૂટમાં પડ્યા વગર એકલાં જ ચૂંટણી લડશે. 

    ઉલ્લેખનીય છે કે હજુ 24 કલાક પહેલાં જ આસામમાં ‘ભારત ન્યાય યાત્રા’ લઈને નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બંગાળમાં ગઠબંધન અને TMC સાથેના કોંગ્રેસના કથિત રીતે સારા સંબંધોના બણગાં ફૂંક્યા હતા. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી તેમનાં નજીકનાં છે અને સીટ શેરિંગની વાતો ચાલી રહી છે.

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “સીટ-શેરિંગ માટે વાતચીત ચાલી રહી છે. હું અત્યારે કોઇ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ મમતા બેનર્જી મારા અને પાર્ટીના ખૂબ નજીક છે. ક્યારેક અમારા નેતાઓ કશુંક કહી દે અને ક્યારેક તેમના નેતાઓ. આ સ્વાભાવિક બાબત છે. આ પ્રકારની ટિપ્પણીઓ કશું મહત્વ ધરાવતી નથી અને તેનાથી (ગઠબંધનમાં) કોઇ ગડબડ નહીં થાય.” પરંતુ હવે સ્વયં મમતા બેનર્જીએ ‘એકલા ચાલો’ની ઘોષણા કરી દીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં