બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા તો તેમની જ પાર્ટીના 5 ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. મણિપુરમાં JDUના ધારાસભ્યોએ કરી છે નીતીશ કુમાર સાથે બગાવત. 6માંથી 5 ધારાસભ્યોએ ભાજપમાં જોડાઈને નીતિશ કુમારને મોટો ઝટકો આપ્યો છે.
જેડીયુએ પાર્ટીના 5 ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણને ગેરબંધારણીય ગણાવ્યું છે. આ સાથે જ ભાજપે તે ધારાસભ્યોનું સ્વાગત કર્યું છે. આ ઉલટફેર અંગે મણિપુર વિધાનસભાના સચિવને પણ જાણ કરવામાં આવી છે.
Nitish Kumar’s JDU was going to withdraw support from BJP Govt in Manipur.
— Ankur Singh (@iAnkurSingh) September 3, 2022
Now 5 out of 6 JDU MLAs merged with BJP.
Only MLA left with JDU is Md. Abdul Nasir.
હકીકતમાં, મણિપુરમાં મુખ્યમંત્રી એન. બીરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારને JDU સમર્થન આપી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુ સુપ્રીમો નીતીશ કુમારે રાજ્યની ભાજપ સરકારને સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારના આ નિર્ણયથી રાજ્યના ધારાસભ્યો ખુશ નહોતા. એટલું જ નહીં મણિપુરમાં JDUના ધારાસભ્યોએ બિહારમાં પણ ભાજપ સાથે ગઠબંધન તોડવાના પક્ષના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ જ કારણ છે કે આ ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા છે. જેડીયુના કુલ 6 ધારાસભ્યોમાંથી મોહમ્મદ અબ્દુલ નાસિર સિવાય 5 ભાજપમાં ભળી ગયા છે.
બીજી તરફ, મણિપુર વિધાનસભાના સચિવ મેઘજીત સિંહે કહ્યું કે બંધારણની 10મી અનુસૂચિ હેઠળ જેડીયુના પાંચ ધારાસભ્યોનું ભાજપ સાથે વિલયને સ્વીકારવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં JDUએ 38 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી 6 સીટો જીતી હતી.
નોંધવા જેવી વાત છે કે થોડા સમય પહેલા જ અરુણાચલ પ્રદેશમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના એકમાત્ર ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા હતા. 25 ઓગસ્ટે જેડીયુના એકમાત્ર ધારાસભ્ય ટેકી કાસો ભાજપમાં જોડાયા હતા. આ રીતે રાજ્યમાં JDUનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો.
વર્ષ 2019માં યોજાયેલી અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં JDUને 7 બેઠકો મળી હતી. તે સમયે JD(U) રાજ્યમાં બીજેપી પછી બીજી સૌથી મોટી પાર્ટી હતી. ભાજપના 41 અને જેડીયુ પાસે 7 ધારાસભ્યો હતા. જોકે, બાદમાં JDUના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.
મણિપુરમાં ભાજપમાં ભળી ગયેલા 5 ધારાસભ્યોમાંથી હજુ સુધી પક્ષ તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જેડીયુના પાંચ ધારાસભ્યો કે જેઓ ભાજપમાં ભળી ગયા છે તેમાં કેએચ જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અછાબુદ્દીન, ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એએમ ખૌટે અને થંજમ અરુણ કુમાર છે.
આ ધારાસભ્યોમાં એએમ ખૌટે અને થંગજામ અરુણ કુમારે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી ટિકિટની માંગણી કરી હતી. જ્યારે બીજેપીએ તેમને ટિકિટ ન આપી ત્યારે તેઓ JDUની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. હવે બંને જેડીયુ છોડીને ભાજપમાં જોડાયા છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ પાર્ટીમાં બળવાને લઈને JDU પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “અરુણાચલ પછી હવે મણિપુર પણ જેડીયુ મુક્ત છે. બહુ જલ્દી લાલુજી બિહારને પણ જેડીયુ મુક્ત કરશે.”