એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ તેમની પૂછપરછ કરવા સમન્સ પાઠવ્યું હતું. અગાઉ એવા અહેવાલો બહાર આવ્યા હતા કે કેજરીવાલ સમન્સ ચૂકી શકે છે અને તેના બદલે તેઓ પંજાબના સીએમ ભગવંત માન સાથે રોડ શો માટે મધ્યપ્રદેશ જશે. ત્યારે હવે, અરવિંદ કેજરીવાલે ઇડી દ્વારા પઠવાયેલા સમન્સનો જવાબ આપ્યો છે અને દાવો કર્યો છે કે તેઓ તેમની પાર્ટીના સ્ટાર પ્રચારક છે અને રાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ED દ્વારા ફટકારવામાં આવેલા સમન્સના જવાબમાં અરવિંદ કેજરીવાલે બહાના કાઢ્યા હોય તે રીતે કહ્યું હતું કે, આ દિવસોમાં તેઓ ખુબ જ વ્યસ્ત છે જેના કારણે તેઓ હાજર નહીં થઇ શકે. પોતાની કથિત વ્યસ્તતાને કારણે તેમણે ઈડીને સમન્સ પાછું ખેંચવા પણ જણાવ્યું છે.
Delhi CM Arvind Kejriwal responds to ED, "…Being the National Convener and a star campaigner of the AAP, I am required to travel for campaigning and to provide political guidance to my field workers of AAP. As the CM of Delhi, I have governance and official commitments for… pic.twitter.com/piPS5D5kMB
— ANI (@ANI) November 2, 2023
દિલ્હી દારૂ કૌભાંડ મામલે ED દ્વારા ફટકારવામાં આવેલા સમન્સના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, “સમન્સમાં તેમને સાક્ષી રૂપે બોલાવવામાં આવ્યા છે કે આરોપી રૂપે તે સ્પષ્ટ નથી. આ સમન્સ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRમાં જણાવેલી માહિતી આપવામાં પણ વિફળ છે. સમન્સ તે પણ સ્પષ્ટ નથી કરી રહ્યું કે તેઓને એક સામાન્ય વ્યક્તિ, દિલ્હીના મુખ્યમંત્રી કે પછી આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે બોલાવવામાં આવી રહ્યા છે.”
ED પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ સમન્સ ‘કોઈનાથી પ્રેરિત’ અને ચોક્કસ વિચારણાને લઈને જારી કરવામાં આવ્યું છે. પોતાની આદત મુજબ કેજરીવાલે અનુમાન લગાવીને કહ્યું હતું કે 30 ઓકટોબરના રોજ કેટલાક ભાજપ નેતાએ તેમને સમન મળવાની અને જલ્દી ધરપકડની વાત કરી હતી. તેમનું કહેવું છે કે આ નિવેદનો બાદ તરત જ તેમને ઇડીનું સમન્સ જારી કરવામાં આવ્યું છે. કેજરીવાલનું એવું પણ માનવું છે કે ઇડી સત્તારૂઢ પાર્ટી (ભાજપ)ના ઈશારે કામ કરી રહ્યું છે.
નોંધનીય છે કે 30મી ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ નીતિ મામલે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન નામંજૂર કરતી વખતે સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે આ કેસમાં 338 કરોડ રૂપિયાની મની ટ્રેઇલ સેટ કરવામાં આવી છે. આ સંદર્ભમાં જ કેટલાક લોકોએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ ડેપ્યુટી સીએમ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે પાકું થઇ ગયું છે, ટૂંક સમયમાં આ તપાસ અરવિંદ કેજરીવાલ સુધી પહોંચશે. કેજરીવાલે આ જ નિવેદનોનો ઉપયોગ ઇડી પર આરોપ લગાવવા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પત્રમાં આગળ કેજરીવાલ પોતાને AAPના ‘સ્ટાર પ્રચારક’ ગણાવી રહ્યા છે અને ઇડીને જણાવે છે કે 5 રાજ્યો એવા છે જેમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જ્યાં તેમણે પ્રચાર કરવા જવું આવશ્યક છે અને તેથી તેઓ સમન્સમાં હાજર રહેવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. વળી, કેજરીવાલે મધ્ય પ્રદેશ જવાનું કહીને દાવો કર્યો છે કે તેમની પાસે અનેક સત્તાવાર કામ છે, જેનું તેમણે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે.
અચરજ પમાડે તેવી વાત એ છે કે અરવિંદ કેજરીવાલનું એમ પણ કહેવું છે કે દિવાળી આવી રહી છે, અને આ કારણે તેઓ 2જી નવેમ્બરના રોજ ઇડીના સમન્સમાં હાજર રહેવા માટે ઉપલબ્ધ નહીં હોય. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો 10મી નવેમ્બરથી જ શરૂ થશે. તે સ્પષ્ટ નથી કે કેજરીવાલ 8 દિવસ પછી શરૂ થનારા તહેવારોને ટાંકીને 2જી નવેમ્બરના રોજ સમન્સમાં કેમ હાજર રહેવામાં અસમર્થ છે.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે સમન્સના દિવસે – 2જી નવેમ્બરે ઇડીના સમન્સનો જવાબ મોકલ્યો છે, જ્યારે સમન્સ તો 30 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવ્યું હતું.
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ
2021-22ના વર્ષ માટે 17 નવેમ્બર 2021 ના રોજ દિલ્હી વહીવટીતંત્ર દ્વારા લિકર પોલિસી અમલમાં મૂકવામાં આવી હતી. જો કે, ભ્રષ્ટાચારના આરોપોને કારણે સપ્ટેમ્બર 2022 ના અંતમાં તેને રદ કરવામાં આવી હતી.
એજન્સીઓના જણાવ્યા અનુસાર, નવા નિયમનને કારણે એકાધિકાર થયો અને જે લોકો દારૂના લાઇસન્સ માટે પાત્ર ન હતા તેમને આર્થિક લાભ મળ્યો. બીજી તરફ મનીષ સિસોદિયા અને દિલ્હી પ્રશાસને કોઈ પણ પ્રકારની ગેરરીતિને નકારી કાઢી હતી અને દાવો કર્યો હતો કે નવી નીતિથી રાજ્યની એક્સાઈઝ રેવન્યુમાં વધારો થયો હતો.