ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ખુબ પરેશાન કરનાર PAASને લઈને AAPમાં હજુ અસમંજસભરી સ્થિતિ હોય તેવું ભાસી રહ્યું છે.
આપ આ વખતે આશા કરી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીઓમાં તેઓ સુરત અને સૌરાષ્ટ્રમાં કૈક નવા જૂની કરશે. પરંતુ આ બંને વિસ્તારો PAASના પણ ગઢ ગણાય છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ હમણાં સુધી એકબીજાની સાથે દેખાતા આ બંને સંગઠનોમાં હવે કાંઈ ખાટ્ટું મોળું થયું હોય એવા સંકેતો મળી રહ્યા છે.
AAPના ઈટાલીયાનું નિવેદન
મીડિયા સાથે થયેલ વાતચીતમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે “અલ્પેશ કથીરિયાને AAPમાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે, એ ગમે તે બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, તેમનું સ્વાગત છે.”
PAASના કથીરિયાનું નિવેદન
જ્યારે અલ્પેશ કથીરિયાએ મીડિયાને કહ્યું હતું કે અમને કોઈ આમંત્રણ મળ્યું નથી અને અમારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.
કથીરિયાએ એ પણ જણાવ્યું કે જો ભાજપ સરકાર પાસની માંગો પુરી નહિ કરે તો તેઓ વિચારશે કે કઈ પાર્ટીમાં જવું.
ઈટાલીયા રાખવા માંગે છે PAASને અળગી
અહેવાલો એવા મળી રહ્યા છે કે ગોપાલ ઈટાલીયા નથી ઇચ્છતા કે AAPની સફળતાની ક્રેડિટ PAAS લઇ જાય માટે તેઓ PAASને નજીક આવવા દેવા નથી માંગતા.
પરંતુ નોંધનીય છે કે સુરત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં PAASની મજબૂત પકડ છે જેનો લાભ એકવાર કોંગ્રેસને અને એક વાર AAPને પણ મળી ચુક્યો છે.
PAASને લઈને AAPમાં ઘણા નેતાઓમાં અસમંજસ છે. હાલમાં AAPમાં ઈટાલીયા, સોરઠીયા અને ધડુકની ત્રિપુટી ખુબ જોર પાર ચાલી રહી છે અને તેઓ નથી ચાહતા કે પાર્ટી પરની તેમની સત્તામાં કોઈ ભાગ પડાવે.
આ ઉપરાંત સુરતની કામરેજ બેઠક પણ એક મુખ્ય કારણ છે આ ખટાશનું. PAASને આશા હતી કે આ બેઠક તેમને મળશે પરંતુ ઇટાલિયાએ ગેમ પ્લાન મુજબ પહેલાથી જ ત્યાંના AAP ઉમેદવાર તરીકે રામ ધડુકનું નામ જાહેર કરાવી દીધું છે.
તો હવે જોવાનું એ છે કે શું ચૂંટણી પહેલા PAASને લઈને AAPમાં કંઈક નવો માહોલ જામે છે કે નહિ. અને જો આપ પાસને સાઈડ લાઈન કરીને ચૂંટણી લડે તો પાસ તેમને કેટલું નુકશાન પહોંચાડશે.