Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યજીત્યાં તો ખરાં પણ આ જીત ચિંતા વધુ લાવી છે નહીં કે...

    જીત્યાં તો ખરાં પણ આ જીત ચિંતા વધુ લાવી છે નહીં કે આનંદ – ટીમ ઇન્ડિયાનું ક્વિક વિશ્લેષણ

    સત્ય એ છે કે અશ્વિન અને ઐયરની જોડીએ ગઈકાલે ટીમ ઇન્ડિયાનું નાક કપાતાં બચાવી દીધું છે, નહીં તો વનડે સિરીઝ હાર્યા બાદ ટેસ્ટ સિરીઝ બાંગ્લાદેશ સામે ડ્રો કરીને પરત આવેલી ટીમની આબરૂ ધૂળધાણી થઇ જ ગઈ હોત તેમાં શંકાને કોઈજ સ્થાન નથી. આમ થવા પાછળ વિચારહીન રણનીતિ અને ઉત્સાહહીન કપ્તાન અને કોચ જ જવાબદાર હોત.

    - Advertisement -

    ગઈકાલે ખરેખર જેને ‘નખ કરડુ જીત’ કહેવાય એવી જીત ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને આપી. છેલ્લા ઘણાં સમયથી ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે જીતતાં જીતતાં હાંફી જાય એવા ઘણાં કિસ્સા સામે આવ્યા છે. હાલમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ ભારત માટે બિનમહત્ત્વની મેચમાં બાંગ્લાદેશે ટીમ ઇન્ડિયાને ડરાવી દીધી હતી.

    જો કે આવું કાયમ નહીં થાય અને થયું પણ નથી કે બાંગ્લાદેશ આમ નજીક આવીને હારી જાય. આ ટેસ્ટ સિરીઝ પહેલાં રમાયેલી વનડે સિરીઝમાં બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા બહુ સારી રીતે હારી ગઈ હતી અને તેને લીધે જ આ ટેસ્ટ સિરીઝ મહત્વની બની ગઈ હતી. ભારતે ગમે તે રીતે આ સિરીઝ જીતવાની હતી અને તે એ પ્રમાણે જીત્યું પણ ખરું પરંતુ ક્રિકેટ ફેન્સના મનમાં કોઈ જગ્યાએ આ જીત પછી પણ ખટકો રહી ગયો છે.

    આપણે આ સિરીઝ જ નહીં પરંતુ અગાઉની તમામ સિરીઝમાં પણ જોયું છે કે ટીમ મેનેજમેન્ટ એક નક્કી ટીમને રમાડતું નથી અને સતત તેમાં ફેરફાર કરતું રહે છે. આમ થવાને લીધે મુખ્ય ખેલાડીઓ જેવાકે રોહિત શર્મા, વિરાટ કોહલી વગેરે સિવાયને પોતાના સ્થાન માટે કોઈજ ગેરંટી હોતી નથી. એક રીતે જોવા જઈએ તો કોઇપણ ક્રિકેટર હોય તેને ટીમમાં પોતાનું સ્થાન કાયમી હોવાની લાગણી થવી જ ન જોઈએ, પરંતુ તે પોતાના સ્થાન બાબતે એકદમ નિશ્ફીકર થઈને રમે એ પણ ટીમ માટે એટલુંજ મહત્વનું હોય છે.

    - Advertisement -

    દરેક સિરીઝ તો શું દરેક મેચમાં નવા નવા કોમ્બીનેશન અજમાવીને ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટે ટીમની આખી રીધમ બગાડી દીધી છે. આ તમામમાં જો કોઈની ભૂમિકા અંગે રોષ હોય તો તે કોચ રાહુલ દ્રવિડની ભૂમિકા છે. એ ખ્યાલ નથી આવતો કે રાહુલ દ્રવિડનો મહાન ક્રિકેટર હોવાનો ટેગ ટીમ ઇન્ડિયાને નડી રહ્યો છે કે બીજું કોઈ કારણ છે? કારણકે કેપ્ટન કોઇપણ હોય રાહુલ દ્રવિડની વારંવાર ટીમ કોમ્બીનેશન બદલવાની નીતિનો વિરોધ ભાગ્યેજ કોઈએ કર્યો હોય એવું લાગી રહ્યું છે.

    એક જ ઉદાહરણ લઈએ તો શિખર ધવન પોતાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હવે રમી ચુક્યો છે. આપણને હવે શુભમન ગીલ જેવો ભવિષ્યનો એવો ઓપનર મળી ગયો છે જે કદાચ ત્રણેય ફોરમેટ નહીં તો ટેસ્ટ અને વનડેમાં તો ઓપનીંગ કરી જ આપે એવો છે. તો સામે ઇશાન કિશન પણ T20 અને વનડે માટે પરફેક્ટ ઓપનર બની શકે તેમ છે. પરંતુ શિખર ધવનને ફક્ત કેપ્ટન બનાવવા માટે તેને રમાડવાની જીદ કોઈ રીતે મનમાં ઘુસતી જ નથી.

    બીજી તકલીફ છે ટીમ ઇન્ડિયા જે રીતે ટોપ ઓર્ડરના સાતત્યવિહીન રમતને કારણે તકલીફ અનુભવી રહી છે તેની. છેલ્લા ઘણાં સમયથી રોહિત શર્મા કપ્તાન હોવા છતાં નબળાં ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. બાંગ્લાદેશ સામે જો કે બીજી વનડેમાં તેણે પોતાના પરત આવી રહેલાં ફોર્મની ઝલક ઈજાગ્રસ્ત હોવા છતાં દેખાડી હતી. પરંતુ તેમ છતાં તેનું ફોર્મ અથવાતો ફોર્મમાં ન હોવું ચિંતા તો કરાવે જ છે.

    બીજું, રોહિત શર્માને જોઈએ ત્યાંજ તેનું અદોદળાપણું સ્પષ્ટ દેખાઈ આવે છે. કદાચ ઓછી સ્ફૂર્તિ તેના ફોર્મમાં ન હોવાનું કારણ હોઈ શકે. સ્વભાવે તમે બિન્ધાસ્ત હોવ એ એક વાત છે અને તમે સ્ફૂર્તિવિહીન હોવ એ બીજી વાત છે. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના સમયમાં યો યો ટેસ્ટથી નક્કી કરવામાં આવતી ફિટનેસ જો અત્યારે લાગુ કરવામાં આવે તો રોહિત શર્મા પહેલો એવો ક્રિકેટર બનશે જે અનફીટ જાહેર થાય.

    પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે આસાનીથી જીતી ગઈ પરંતુ બીજી ટેસ્ટમાં લગભગ બંને ઇનિંગમાં ટોપ ઓર્ડરે તકલીફ ઉભી કરી હતી. ખાસ કરીને બીજી ઇનિંગમાં જ્યારે 140+ રન કરવા બે દિવસ આખા બાકી હતાં ત્યારે શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારાનું સ્ટમ્પ આઉટ થવું આશ્ચર્ય પમાડે છે. જ્યારે ટોપના બે બેટ્સમેન આ રીતે આઉટ થઇ જાય ત્યારે ટર્ન લેતી પીચ પર સામાન્ય ટાર્ગેટ પણ મોટો લાગવા લાગે છે અને બાકીના બેટરો પર માનસિક ભાર આવી જતો હોય છે.

    ઢાકા ટેસ્ટમાં પણ આમ જ થયું. વિરાટ કોહલી ભલે ફોર્મમાં હોય પરંતુ આ બંને ટેસ્ટમાં તેની બેટીંગે પણ ચિંતા ઉપજાવી છે. જો રોહિત અને વિરાટ બંનેનું ફોર્મ સાતત્ય નહીં દેખાડે તો પછી આવનારી ઓસ્ટ્રેલિયા સિરીઝમાં જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જગ્યા કેવી રીતે બનાવીશું? આમ પણ ઓસ્ટ્રેલિયા સામેની કોઇપણ મેચ ટકોરાબંધ હોતી હોય છે અને જે ફોર્મમાં ઓસ્ટ્રેલિયા અત્યારે છે ત્યારે આવી ઢીલાશભરી બેટિંગ ટીમ ઇન્ડિયાને તકલીફ આપી શકે છે.

    એક મહત્વનો મુદ્દો છે કેએલ રાહુલ પર અતિ પડતો અને બિનજરૂરી વિશ્વાસ. રોહિત શર્મા જેવો કાયમી કેપ્ટન ઓલરેડી ફોર્મમાં ન હોવાથી ચિંતા કરાવી રહ્યો છે તેવામાં તેની જગ્યાએ જે કેપ્ટન મુકવામાં આવ્યો એ પણ ફોર્મમાં તો નથીજ પરંતુ તેનાથી ટીમને પણ કોઈ હકારાત્મક ફાયદો થતો નથી. ક્રિકેટમાં પણ કલ્પનાશીલ હોવું જરૂરી છે. આ કલ્પનાશીલ હોવાની તાકાત બોલિંગ ચેન્જીસ કે પછી ફિલ્ડીંગ બદલવામાં ઉપયોગમાં લેવાતી હોય છે જેમાં મહેન્દ્રસિંહ ધોની માસ્ટર હતો.

    તો કેએલ રાહુલ ધોનીથી સાવ વિરુદ્ધ એટલે કે જેમ રમત વહેતી હોય એમ વહેવા દઈને વિકેટ આવે તો ઠીક નહીં તો એની રાહ જોવાની એ પ્રકારની કપ્તાની કરતો જોવા મળે છે. આ પ્રકારની કપ્તાની છેવટે તો હાર અપાવતી જ હોય છે પરંતુ એને પણ જીતમાં ત્યારે પરિવર્તિત કરી શકાતી હોય છે જો કેપ્ટન ખુદ કોઈ પ્રદાન આપે અને એ પણ જબરદસ્ત પ્રદાન. રાહુલમાં તો એનો પણ વાંધો છે. ન તો એનાંથી રન બને છે કે ન તો એનાંથી કપ્તાની થઇ શકે છે.

    ટેસ્ટ સિરીઝમાં રાહુલની જગ્યાએ ચેતેશ્વર પૂજારાને કપ્તાની આપી શકાઈ હોત. આ વર્ષે ચેતેશ્વર પુજારાએ ઈંગ્લીશ કાઉન્ટી એસેક્સ માટે કપ્તાની કરી હતી અને મોટા સ્કોર પણ ઊભા કર્યા હતાં. ચાલો ઇંગ્લેન્ડ અને ભારત અથવાતો બાંગ્લાદેશની પરિસ્થિતિની સરખામણી ન કરીએ તો પણ નવા કેપ્ટન તરીકે અથવાતો સ્ટેન્ડ બાય કેપ્ટન તરીકે પૂજારાને તક આપવામાં વાંધો શો હતો? શા માટે રાહુલ જેવા નિરુત્સાહી અને clueless કપ્તાનને વારંવાર તક આપવામાં આવે છે.

    રાહુલ અને રાહુલની જોડીએ બીજી ટેસ્ટ અગાઉ એક બહુ મોટો લોચો માર્યો હતો. આ તો ભલું થજો રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ ઐયરનું કે તેમણે આ ટેસ્ટ મેચ જીતાડી દીધી નહીં તો આટલી ટર્ન થતી વિકેટ પર કુલદીપ યાદવને કેમ બહાર બેસાડ્યો એ પ્રશ્નનો જવાબ આપતાં બંનેની જીભ કચરાઈ ગઈ હોત. વળી કુલદીપ યાદવ તો પહેલી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ હતો અને તો પણ બીજી ટેસ્ટમાં એને ડ્રોપ કરવામાં આવ્યો.

    શા માટે?કારણકે પહેલાં દિવસે પીચ પર ઘાસ હતું! અરે રાહુલ દ્રવિડ જેવો અનુભવી ક્રિકેટર એ કેમ નહીં સમજી શક્યો હોય કે ભારતીય ઉપમહાદ્વીપની પીચો પર જો ઘાસ હોય તો એની અસર બહુ બહુ તો પ્રથમ દિવસે લંચ સુધી જ હોય છે. ચલો એમ પણ ન હોય તો પણ ગત મેચ જીતાડનાર સ્પિનરને તમે ડ્રોપ કરી જ કેમ શકો? અને ઉનડકટને રમાડવાની એવી તો શું ઉતાવળ હતી કે એવી તે શી મજબુરી હતી કે કુલદીપ યાદવ જેવા નીવડેલા સ્પિનરને તમે ડ્રોપ કરો છો?

    ટીમ ઇન્ડિયા તો મેચ જીતી ગઈ પરંતુ મેચ વિનિંગ દેખાવ કરવા છતાં ડ્રોપ થયેલા કુલદીપ યાદવની મન:સ્થિતિ પર કેટલો મોટો આઘાત લાગી ગયો હશે એની કોઈએ કલ્પના કરી છે ખરી? આવનારી ઓસ્ટ્રેલિયા સિરીઝમાં કુલદીપને રમાડવો અત્યંત જરૂરી છે કારણકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સનો ઈતિહાસ રહ્યો છે કે તેઓ લેફ્ટ આર્મ સ્પિનરને બિલકુલ સમજી શકતાં નથી. આથી ભારતની ટર્ન લેતી વિકેટો પર અશ્વિન સાથે બીજા છેડે કુલદીપ હોવો જરૂરી છે જ.

    સત્ય એ છે કે અશ્વિન અને ઐયરની જોડીએ ગઈકાલે ટીમ ઇન્ડિયાનું નાક કપાતાં બચાવી દીધું છે, નહીં તો વનડે સિરીઝ હાર્યા બાદ ટેસ્ટ સિરીઝ બાંગ્લાદેશ સામે ડ્રો કરીને પરત આવેલી ટીમની આબરૂ ધૂળધાણી થઇ જ ગઈ હોત તેમાં શંકાને કોઈજ સ્થાન નથી. આમ થવા પાછળ વિચારહીન રણનીતિ અને ઉત્સાહહીન કપ્તાન અને કોચ જ જવાબદાર હોત.

    પરંતુ હવે કમરપટ્ટો કસ્સીને બાંધવાનો સમય આવી ગયો છે કારણકે ઓસ્ટ્રેલિયા આવે છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી તો રાખવાની છે પરંતુ તેને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સતત બીજી વખત જગ્યા પણ બનાવવાની છે અને આવા સંજોગોમાં અત્યારસુધી ચાલેલી લાલિયાવાડી નહીં ચાલે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં