Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયા‘પ્રમાણમાં ધર્મનિરપેક્ષ હતો બાબર, મંદિર બદલે એક નવી મસ્જિદ બનાવી દે હિંદુઓ,...

    ‘પ્રમાણમાં ધર્મનિરપેક્ષ હતો બાબર, મંદિર બદલે એક નવી મસ્જિદ બનાવી દે હિંદુઓ, રામના નામે જીદ કેટલી ચલાવાય?’: ડિયર જય વસાવડા, આખિર કહેના ક્યા ચાહતે હો ભાઈ?

    પ્રમાણમાં ઘણા લાંબા લેખમાં મોટાભાગની જગ્યા તથ્યાત્મક માહિતીએ રોકી છે. વચ્ચે-વચ્ચે ટિપ્પણીઓ પણ છે. અંતે ફરીથી થોડી ટિપ્પણી આવે છે. પ્રથમ નજરે સીધા-સાદા જણાતા આ લેખમાં આ લખનારને જે સમસ્યાઓ સૂઝી તેની હવેથી આગળ ચર્ચા છે.

    - Advertisement -

    દહીંમાં અને દૂધમાં બંનેમાં પગ રાખીને લખાણમાં ખીચડી કરીને પોતે પણ કન્ફ્યુઝ થઈને વાચકને પણ ગૂંચવી મારવાની મહારત આપણે ત્યાંના લેખકોમાં છે તેવી કોઈનામાં નથી. તેમણે લખવું બધા જ વિષયો પર છે, પણ તટસ્થ રહીને. રાજકારણ પર લખશે તો કહેશે કે, ફલાણી પાર્ટી ભલે ખરાબ હશે પણ ઢીંકણી પાર્ટી પણ દૂધે ધોયેલી નથી. ધર્મ પર લખતી વખતે પણ ભલે એક સમુદાય કાયમ માર ખાતો રહ્યો હોય પણ પહેલાને બે શબ્દો કહેવા માટે તેને પણ અડધો ગુનેગાર ગણાવી જ દેશે, કારણ કે તેવું કરવાથી તન પર સર ટકી રહેવાની સંભાવનાઓ અનેકગણી વધી જતી હોય છે!

    આટલી પ્રસ્તાવના બાંધ્યા પછી હવે વાત એ લેખની જેની આગળ ચર્ચા કરવાની છે. લેખ પ્રકાશિત થયો છે અખબાર ‘ગુજરાત સમાચાર’માં. અખબારની બુધવારની ‘શતદલ’ પૂર્તિમાં તે છપાયો છે. લેખક છે જય વસાવડા, જેઓ લગભગ ઘણાં વર્ષોથી આ જ અખબારમાં આ જ પાને આ જ ‘અનાવૃત’ કોલમ લખતા આવ્યા છે. (રવિવારની પૂર્તિમાં તેઓ ‘સ્પ્રેક્ટોમીટર’ કોલમ પણ લખે છે- આ પૂરક માહિતી થઈ)

    લેખનું શીર્ષક છે- ‘તુ રામ સુમર, જગ લડવા દે…’ શીર્ષક પરથી સ્વાભાવિક ખ્યાલ આવે કે તે રામ મંદિર અને રામજન્મભૂમિ આંદોલન આસપાસ લખાયો હશે. એવું તો પૂછાય નહીં કે આ કેમ લખ્યું? લખવું જ જોઈએ, કેમ ન લખાય? 2014 પહેલાં જેમના મોઢામાંથી ‘રામ’ શબ્દ નીકળ્યો ન હોય તેવાઓ પણ હવે માહોલ જોઈને રામભક્ત બની ગયા હોય તો પછી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો અવસર સામો આવી રહ્યો છે ત્યારે લેખકો-પત્રકારો કેમ ન લખે? લખવું જ જોઈએ. પણ સૌથી વધુ જરૂરી છે લખાણમાં સ્પષ્ટતા અને એથી વધુ જરૂરી લખનારની વૈચારિક સ્પષ્ટતા.

    - Advertisement -

    પ્રમાણમાં ઘણા લાંબા લેખમાં મોટાભાગની જગ્યા તથ્યાત્મક માહિતીએ રોકી છે. વચ્ચે-વચ્ચે ટિપ્પણીઓ પણ છે. અંતે ફરીથી થોડી ટિપ્પણી આવે છે. પ્રથમ નજરે સીધા-સાદા જણાતા આ લેખમાં આ લખનારને જે સમસ્યાઓ સૂઝી તેની હવેથી આગળ ચર્ચા છે એ ડિસ્કલેમર સાથે. (જય વસાવડાનો લેખ અહીંથી વાંચી શકાશે)

    ‘અન્યોને સાપેક્ષે ધર્મનિરપેક્ષ હતો બાબર’

    લેખમાં એક ઠેકાણે મુઘલ શાસક બાબરને ‘ધર્મનિરપેક્ષ’ ગણાવવામાં આવ્યો છે. ખરો શબ્દ આમ તો ‘પંથનિરપેક્ષ’ હોવો જોઈએ. સેક્યુલરિઝમની ખરી વ્યાખ્યા પંથનિરપેક્ષતા થવી જોઈએ, ધર્મનિરપેક્ષતા નહીં. ધર્મ માત્ર એક જ છે. એ તો ખેર વિષયાંતર થઈ જશે. વાત બાબરની કથિત ‘ધર્મનિરપેક્ષતા’ની છે. લેખકના જ શબ્દોમાં- ‘વાત નવાઈભરેલી લાગશે, પણ અન્યોને સાપેક્ષે ત્યારની પરિસ્થિતિના ત્રાજવે તોળીએ તો બાબર પ્રમાણમાં ધર્મનિરપેક્ષ હતો! એણે ગોવધનિષેધનો કાયદો કરેલો. તબલીગના નામે જોરજબરદસ્તીથી ચાલતી વટાળપ્રવૃત્તિ પર લાલ આંખ કરી હતી. અયોધ્યામાં રામ-સીતાના દાતણની જગ્યા ગણાતા દંતધવનકુંડના મંદિર પાસે રહેલી જમીન પર મોટો કર નખાયેલો, એ માફ કરવાનો આદેશ એમણે ત્યારના આચાર્ય શત્રુઘ્નજી મહારાજને તાંબાના પતરે કોતરાવીને આપ્યો હતો!’

    છે ને મજાની વાત? જેના આદેશથી તેના સેનાપતિએ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બાંધી દીધી હોય તે ધર્મનિરપેક્ષ? એવી દલીલ પણ અસ્થાને છે કે અહીં અન્યોને સાપેક્ષે અને ત્યાંની પરિસ્થિતિના ત્રાજવે તોળવાની વાત છે. પછી તેણે કોઇ પણ કાયદા બનાવ્યા હોય, તેનાથી તેને ‘ધર્મનિરપેક્ષ’ જેવું ભરેભરખમ બિરુદ ન આપી શકાય. આ તો એવી વાત થઈ કે તેણે 7 ખૂન કર્યાં હશે પણ રોજ શેરીના શ્વાનને રોટલી બનાવીને ખવડાવતો એટલે પ્રમાણમાં તો સારો માણસ કહેવાય, કારણ કે બીજા એટલું પણ નથી કરતા!

    ગાંધીજીએ ભૂલ કરી હતી, તો સ્વીકારી લેવાય, મારીમચેડીને જસ્ટિફાય કરવાની જરૂર નથી

    આગળ મોહનદાસ ગાંધીની વાત આવે છે. લેખમાં ગાંધીના એક પત્રનો ઉલ્લેખ છે, જે તેમણે 27 જુલાઈ, 1937ના ‘નવજીવન’માં રામગોપાલ પાંડેના પત્રના જવાબમાં લખ્યો હતો. જેમાં મોહનદાસ લખે છે કે, ‘મુસલમાનોનાં કોઈ ઉપાસના ગૃહ અગર હિંદુઓના અધિકારમાં હોય તો હિંદુઓએ મુસલમાનોને સોંપી દેવા જોઈએ. તે જ રીતે હિંદુઓના જે મંદિરો ઇત્યાદિ ધાર્મિક સ્થળો પર મુસલમાનોએ કબજો જમાવી દીધો છે, એ ખુશી ખુશી હિંદુઓને સોંપી દે, તેથી આસપાસના ભેદભાવ તથા કલહ નષ્ટ થશે. હિંદુ-મુસ્લિમોમાં આપસમાં એકતાની વૃધ્ધિ થશે. જે ભારત જેવા ધર્મપ્રધાન દેશ માટે વરદાનરૂપ સિધ્ધ થશે!’ 

    અહીં મૂળ વાત એ છે કે ત્યારે હિંદુઓના કબજામાં મુસ્લિમોનાં કયાં મજહબી સ્થળો હતાં, જે પરત આપવાની વાત હતી? આ બાબતને લેખક ‘ગાંધીજીની સ્માર્ટનેસ’ ગણાવે છે અને કહે છે કે, ‘એ વખતે હિંદુઓએ કબજે કરેલાં ઈસ્લામિક ધાર્મિક સ્થળનો કોઈ વિવાદ જ ક્યાં હતો? એટલે સરવાળે તો હિંદુઓના ધર્મસ્થળો જ સ્વૈચ્છિક રીતે પરત કરવાનો અનુરોધ હતો. પણ ખૂંચે તેવી ‘રફ’ લેંગવેજને બદલે મીઠાશભરી રીતે બાપુએ સત્ય સંભળાવી દીધું હતું!’ 

    આને બીજું કાંઈ પણ કહી શકાય પણ ‘સ્માર્ટનેસ’ તો નહીં જ. કહેવું હોય તો સીધું હિંદુઓને વચ્ચે ઘસડ્યા વગર મુસ્લિમ સમુદાયને ઉલ્લેખીને કહી જ શકાય તેમ હતું. તેમાં એક લાકડીએ બે સમુદાયોને હાંકવા ન બેસાય. એક વ્યક્તિ કશુંક કહીને મૂકી દે પછી તેમાં કેટલી ‘સ્માર્ટનેસ’ છે અને તેનું કેવું અર્થઘટન કરવું તે કોણ સમજાવે? તેનાથી તો વધુ મૂંઝવણ સર્જાય. એટલી નૈતિક હિંમત તો હોવી જ જોઈએ કે એક સમુદાયને કશુંક કહેતા હોઈએ ત્યારે માત્ર તટસ્થ દેખાવા ખાતર તેમાં બીજાને ન ઘસડાય.

    બંને પક્ષોને એક લાકડીએ હાંકવાની આદત કયારે જશે?

    લેખમાં અંત તરફ થયેલી ટિપ્પણીઓમાં એક વાક્ય આવે છે કે- ‘અયોધ્યા મામલે લડતી બંને પાર્ટીઓ સંકુચિતતામાં ભટકાડો તો એકબીજાને ગોબા પાડે તેવી છે!’ અહીં ફરી હિંદુ-મુસ્લિમ બંનેને એક જ લાકડીએ હાંકવાની વાત થઈ. 

    પોતાના આરાધ્યના જન્મસ્થાન પર બનેલા મંદિર માટે લોકતાંત્રિક ઢબે લડાઈ લડી, પાંચસો વર્ષ સુધી સંઘર્ષ કર્યો, પાંચસો વરસ રાહ જોઈ, ભગવાનને એક તંબૂમાં બિરાજમાન કરીને પૂજા કરી તે સંકુચિત? આમાં હિંદુ પક્ષે સંકુચિતતા ક્યાં આવી? કોઇ એક લેખક તટસ્થ દેખાય તે માટે હિંદુઓએ વગર વાંકે સંકુચિત ગણાઈ જવાનું? વ્હાય? શા માટે? 

    આગળ ઘણાં વર્ષોથી અને ખાસ કરીને સોશિયલ મીડિયા આવ્યું પછી ચવાઈ ગઈ છે તેવી ડાબેરીછાપ અને વાહિયાત દલીલ આવે છે કે અહીં કોઇ હિંદુ છે, મુસ્લિમ છે, જૈન-શિખ, દલિત, ખ્રિસ્તી અને બૌદ્ધ છે, ભગવા અને લીલા છે, પણ કોઈએ ‘ભારતીય’ થઈને વિચારવું-વર્તવું નથી. જ્યારે મુદ્દો જ એક મંદિરનો હોય તો તેમાં વ્યક્તિ હિંદુ બનીને વિચારે કે બીજું કાંઈ? આ સામાન્ય સમજની વાત છે. એક મંદિરનો મુદ્દો ‘સેક્યુલર’ કઈ રીતે હોય શકે? પોતાના આરાધ્ય માટે મંદિરની માંગ કરતો માણસ ‘હિંદુ’ બનીને જ વિચારશે અને તો જ તેનો સંકલ્પ પણ પાર પડી શકે. આમાં વળી ભારતીય થઈને વિચારવાની વાત ક્યાં આવી?

    ‘હિંદુઓ એક મસ્જિદ બનાવી આપે’- કેમ?

    આગળ લખે છે, ‘સમસ્યા કોમવાદી ધ્રુવીકરણ તુષ્ટિકરણ સામે નબળા પડતા તટસ્થ ન્યાયની છે. મુસ્લિમો મંદિર બનાવવા માટે જગ્યા સોંપે અને હિંદુઓ એક નવી મસ્જિદ બનાવી દે.’

    કેમ? શા માટે? હિંદુઓ શા માટે નવી મસ્જિદ બનાવી દે? શું કામ? કોઇ ઇસ્લામી આક્રાંતાએ આવીને પોતાના આરાધ્યના જન્મસ્થાન પર બનેલું મંદિર તોડીને ત્યાં ઢાંચો બાંધી દીધો હોય તેને પરત લેવા માટે હિંદુઓએ આવા ધર્માદા કરવાના? કેમ? અને ન્યાય ક્યારે ‘તટસ્થ’ ન હોય. સમાધાન તટસ્થ હોય. ન્યાયમાં કોઇ એક પક્ષનો વિજય થાય છે. શું કામ હિંદુઓ મસ્જિદ બનાવે? હિંદુઓએ પોતાના મંદિર માટે પણ લડવાનું અને સાથે નવી મસ્જિદ પણ બનાવી આપવાની? આ દલીલ આમ જોવા જઈએ તો રામજન્મભૂમિ સ્થળે સ્કૂલ-હૉસ્પિટલ બનાવવાની દલીલો કરતાં અનેકગણી વધુ સેક્યુલર અને વાંધાજનક છે.

    આવી જ દલીલો ચાલુ રાખતાં લેખક આગળ ઈસ્લામ અને હિંદુત્વની વ્યાખ્યાઓ કરે છે. તેમના જ શબ્દોમાં- ‘ઈસ્લામ ‘બૂતપરસ્ત નથી એટલે ફક્ત મૂર્તિઓ તોડવી એમ નહીં, સર્વવ્યાપી ચૈતન્ય જેવા અદ્રશ્ય અલ્લાહ સામે ઝૂકવું, ઇંટ-પથ્થરનો મોહ ન રાખવો એમ!’ આગળ હિંદુત્વની વ્યાખ્યા આવે છે, ‘અને જે રામ વિખવાદ ન થાય માટે ધનુષ-બાણ છતાં અયોધ્યા છોડી વનવાસ લઇ શકે, એમના નામે કેટલી જીદ ચલાવી શકાય?’

    રામના નામે હિંદુઓએ શું જીદ કરી? ત્યાં મંદિરનું નિર્માણ થાય તે માટે સતત સંઘર્ષ કરવો જીદ હતી? જીદ હોય તો તે અયોગ્ય છે? શા માટે અયોગ્ય છે? પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ પરત મેળવવી એ કોઇ પણ સમુદાય માટે પ્રાથમિકતા હોવી જોઈએ. અને જીદ પણ કેવી! ન કોઇ રમખાણો કર્યાં કે ન શેરીઓમાં ફરીને ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા. ન્યાયિક લડાઈઓ લડીને,  લોકતાંત્રિક ઢબે કામ પાર પાડવાને પણ જો જીદ કહેવાતી હોય તો પછી લખનારે બોલપેન મૂકીને વિચારવું જોઈએ કે આ જે લખ્યું તેમાં તથ્ય કેટલું છે.

    મૂળ વાત એટલી જ છે કે તટસ્થ રહીને લખવું એટલે એક વાક્ય આ પક્ષે અને બીજું વાક્ય પેલા પક્ષે લખવું એમ નહીં. એને તટસ્થતા ન કહેવાય, એને તો ડરપોકવૃત્તિ કહેવાય. પીડિત અને ગુનેગાર બંનેને એક લાકડીએ ન હાંકી શકાય. તે નૈતિક રીતે ગણો કે અન્ય બાજુએથી, સદંતર ખોટું છે. ગોળગોળ વાતો કરીને અઢી હજાર શબ્દો લાંબા લેખો પણ લખીને અંતે લેખક તટસ્થ દેખાશે અને બંને બાજુએથી થોડી ગાળો આવશે અને થોડી પ્રશંસાઓ, પણ તેનો કોઇ અર્થ નથી. 

    જ્યારે કોઇ પત્રકાર કે લેખક કોઈ વિષય પર કશુંક લખતો હોય ત્યારે તે વૈચારિક રીતે સ્પષ્ટ હોય તે બહુ જરૂરી છે. પોલિટિકલી કરેક્ટ રહીને કે ધરાર તટસ્થ રહીને બંને પક્ષે થોડું સારું-થોડું નબળું લખી નાખવાનો કોઈ અર્થ નથી. માત્ર લખનારને પોતે કશુંક ક્રાંતિકારી કામ કરી નાખ્યું હોય તેમ થાય, બીજું કશું જ નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં