Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યપ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રનિર્માણમાં અદ્વિતિય યોગદાન

    પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રનિર્માણમાં અદ્વિતિય યોગદાન

    ડૉ. આંબેડકરે એવા ભારતનું સપનું જોયું જેમાં સમાજના તમામ વર્ગોને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સશક્ત કરવામાં આવે. એવું ભારત જેમાં સમાજનો દરેક વર્ગ માનતો હોય કે દેશના નિર્માણમાં તેમનો સમાન હિસ્સો છે.

    - Advertisement -

    ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને અનેક લોકો ભારતીય બંધારણના નિર્માતા અથવા ‘દલિતોના મસિહા’ તરીકે ઓળખે છે પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર એક સ્વપ્નદ્રષ્ટા હતા,. કહી શકાય કે તેઓ પોતાના સમયથી આગળની દૃષ્ટિ ધરાવતા દૂરદ્રષ્ટા હતા. આજના ભારતના નિર્માણમાં આ મહાન રાજનેતાના યોગદાન અને તેમના દૂરંદેશીભર્યા અભિગમનો અનન્ય ફાળો છે તે ધ્યાનમાં આવવું જોઈએ.

    ડૉ. આંબેડકરે એવા ભારતનું સપનું જોયું જેમાં સમાજના તમામ વર્ગોને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સશક્ત કરવામાં આવે. એવું ભારત જેમાં સમાજનો દરેક વર્ગ માનતો હોય કે દેશના નિર્માણમાં તેમનો સમાન હિસ્સો છે. એક એવું ભારત જેમાં પ્રત્યેક વ્યક્તિનું મૂલ્યાંકન તેના સામાજિક દરજ્જા કે જાતિના આધારે કે આર્થિક સંપન્નતાના આધારે નહીં પરંતુ વ્યક્તિગત યોગ્યતા અને મૂલ્યો દ્વારા નક્કી કરવામાં આવશે. ડૉ. આંબેડકરનું દર્શન એવા ભારતનું હતું જ્યાં સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર માનવ ક્ષમતાના સંપૂર્ણ વિકાસને સમાન તક આપે અને તમામ નાગરિકો માટે ગૌરવપૂર્ણ અસ્તિત્વ સુનિશ્ચિત કરે.

    ભારતીય સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને તેની વર્ષો જૂની કઠોર જાતિ વ્યવસ્થાની સાંકળોને તોડવાની માનસિક શક્તિ સાથે સ્વાભિમાન સાથે ઉન્નત મસ્તકથી સમોવડિયા બની સૌની સાથે ઊભા રહેવાની ઘોષણા કરનાર અને તે ઘોષણાને સાકારિત કરવા આજીવન સંઘર્ષ કરતા રહેલા ડૉ. આંબેડકર એક અદ્વિતિય મહામાનવ તરીકે ઉભરી આવ્યા. 

    - Advertisement -

    જાતિગત ભેદભાવોને કારણે પોતાના પ્રારંભિક જીવન અને શિક્ષણમાં પડેલી ભારે મુશ્કેલીઓના પરિણામે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોની મુશ્કેલીઓ, સામાજિક અસંતુલન અને દલિતો, અસ્પૃશ્યો, સ્ત્રીઓ વગેરેની સમસ્યાઓ અને વેદના સંપૂર્ણ જાણકારી હતી. પોતાને થયેલા વિષમતાના અનુભવોને ધ્યાનમાં રાખીને તેમણે આ મહાન દેશના તમામ નાગરિકો એકબીજા સાથે સમાનતાપૂર્ણ, ન્યાયપૂર્ણ અને સંતુલિત વ્યવહાર કરે તે માટે અસ્ખલિત, અવિરત સંઘર્ષ અને પ્રયાસ કર્યા.

    ડૉ. બાબાસાહેબ આંબેડકર આર્થિક વિકાસ, સામાજિક સશક્તિકરણ, કાનૂની સૂક્ષ્મતા, રાજકીય વ્યવસ્થા અને સુશાસન જેવાં ક્ષેત્રોમાં વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની અનેક ડિગ્રીઓ અને ડોક્ટરેટની પદવી ધરાવતા વિદ્વાન હતા. તેમનાં લખાણોમાં, વિચારોની તાજગી, નાવિન્ય અને સર્વાગીણ ક્રાંતિના દ્યોતક હતા, જે તેમનાં પુસ્તકો અને લખાણોમાં પ્રદર્શિત થાય છે. પોતાના વિચારોત્તેજક લખાણો દ્વારા તેમણે સમાજમાં રહેલી ગંભીર અસમાનતાઓ સામે જનમત ઊભો કર્યો. એક સામાજિક લોકશાહી તરીકે તેમણે દેશના સ્થિર વિકાસને સર્વસમાવેશક ફિલસૂફી અને દૃષ્ટિકોણમાં જોયો. આ વિચારસરણી અને દ્રષ્ટિકોણના પુરાવા ભારતીય બંધારણમાં અનેક છે જ્યાં સમાનતાનો માત્ર પ્રસ્તાવ જ નથી, પરંતુ તેના ઉલ્લંઘન સામે રક્ષણ પણ આપવામાં આવ્યું છે.

    અર્થશાસ્ત્ર વિષય સાથે વિદેશની યુનિવર્સિટીમાંથી પીએચડી કરનારા ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રથમ ભારતીય હતા. એક વિદ્વાન અર્થશાસ્ત્રી તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરે લખેલું પુસ્તક “The problem of Rupee, its origin and its solution” ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 માટે માર્ગદર્શિકા ઘડવા માટે પાયાનો વિચાર સાબિત થયો. 

    સિંચાઈ યોજનાઓ દ્વારા દેશના વિકાસમાં કેવી રીતે મદદરૂપ બની શકે તે માટેના ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર દૂરદર્શી હતા. તેમના વિચારો થકી સેન્ટ્રલ વોટર વેઝ, ઇરિગેશન એન્ડ નેવિગેશન કમિશન (CWINC) જેવી સંસ્થાની રચનાએ વર્તમાન સેન્ટ્રલ વૉટર કમિશન (CWC) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)ની રચના માટે માર્ગ મોકળો થયો છે, જે તેમના સર્જનાત્મક અને દૂરંદેશી વિચારોનું પ્રત્યક્ષ પરિણામ છે. દામોદર વેલી પ્રોજેક્ટ, હીરાકુંડ પ્રોજેક્ટ, સોન નદી પ્રોજેક્ટ વગેરે અંગેનાં તેમનાં મંતવ્યો આજે પણ ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે નિર્માણ કરવા માટે માર્ગદર્શક છે. તેમણે પર્યાપ્ત વિદ્યુત શક્તિના ઉત્પાદનની હિમાયત કરી હતી અને દૃઢ વિચાર ધરાવતા હતા કે ઔદ્યોગિક પ્રગતિ માટે ઇલેક્ટ્રિક સપ્લાયની સસ્તી અને પુષ્કળ ઉપલબ્ધતા એ મુખ્ય આવશ્યકતા છે. આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા તેમણે પાવર ગ્રીડની હિમાયત કરી પરિણામસ્વરૂપ “નેશનલ ગ્રીડ” અને કેન્દ્રમાં પાવર સપ્લાય ડિપાર્ટમેન્ટ (CTРВ)ની રચના થઈ.

    ડૉ. બી. આર. આંબેડકરનું પીએચ.ડી. માટેનું પેપર, થીસીસ, “Provincial Decentralization of Imperial Finance in British India” 1923માં લખાયું, જેણે ભારતના સ્વતંત્ર નાણાંપંચની સ્થાપનાનો માર્ગ કંડાર્યો. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ દર પાંચ વર્ષે નાણાં પંચની જોગવાઈ એ ડૉ. આંબેડકરનો વૈધાનિક માઈલસ્ટોન છે.

    કલ્યાણકારી રાજ્ય અને ગતિશીલ લોકશાહીની હાલની ઘણી વિશેષતાઓના મૂળ ડૉ. આંબેડકરના પ્રયાસોમાં સ્પષ્ટ દેખાય છે. મત આપવાનો અધિકાર, ઔદ્યોગિક વિવાદોનું નિરાકરણ, મજૂર કલ્યાણ અને મજૂર કલ્યાણ ભંડોળ, ભવિષ્ય નિધિ, કારખાનાના કામદારોને વેતન સાથેની રજાઓ, કામના કલાકો બાર કલાકને બદલે આઠ કલાક કરવી, ત્રિપક્ષીય શ્રમ પરિષદ, ટેકનિકલ તાલીમ યોજના અને કુશળ કામદારો, ભારતીય સ્ટેટેસ્ટિક્સ કાયદો, સામાજિક, શૈક્ષણિક રીતે વંચિતો, પછાતો માટે અનામત વગેરે જેવાં કાર્યો ડૉ. આંબેડકરના દૂરદર્શિતા અને સમાનતાયુક્ત, સક્ષમ, સમર્થ રાષ્ટ્રનિર્માણ તરફના વિચારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

    ભારતના મહાન સ્વપ્નદ્રષ્ટા ડૉ. બી. આર. આંબેડકરનું જીવન, કાર્યો અને સંદેશ તેમના દ્વારા રચિત ઉત્કૃષ્ટ બંધારણ, અત્યંત જીવંત લોકશાહી અને નિષ્પક્ષ સ્વતંત્ર સંસ્થાઓમાં દ્રષ્ટિગોચર થાય છે. પોતાના સંયુક્ત અને પ્રતિબદ્ધ પ્રયાસો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝનને સાકારિત કરવાનું દાયિત્વ તમામ ભારતીયોનું છે. 

    (લેખક: દેવેન્દ્રકુમાર સોલંકી) 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં