Sunday, December 22, 2024
More
    હોમપેજરાજકારણબીઆર આંબેડકર: હિંદુત્વ મૂવમેન્ટમાં ક્યાં હોય શકે તેમનું સ્થાન?

    બીઆર આંબેડકર: હિંદુત્વ મૂવમેન્ટમાં ક્યાં હોય શકે તેમનું સ્થાન?

    આપણે ત્યાં કોંગ્રેસને એ ભેટ પહેલેથી મળી છે કે તેઓ કોઈ એક મુદ્દે ચૂપ રહેતા હોય અને બીજા મુદ્દે બહુ હોબાળો મચાવે તોપણ તેમને આ બેવડાં વલણો વિશે પૂછનારું કોઈ હોતું નથી. રાહુલ ગાંધી પોતાને શિવભક્ત પણ ગણાવી શકે અને આંબેડકરવાદી પણ, અને તેમ છતાં તેમને ઇકોસિસ્ટમમાંથી કોઈ પ્રશ્ન નહીં કરે. ભાજપ પાસે આ ‘લક્ઝરી’ નથી.

    - Advertisement -

    ગૃહમંત્રી અમિત શાહની એક 10 સેકન્ડની ક્લિપ છેલ્લા થોડા દિવસથી તેમણે બીઆર આંબેડકરનું અપમાન કર્યું હોવાના દાવા સાથે ફરતી કરવામાં આવી રહી છે અને ત્યારથી દેશમાં ચર્ચા ત્યાં જ આવીને અટકે છે કે કોણ આંબેડકરનું સન્માન વધારે કરે છે. 

    રાજકીય વર્તુળોમાં જોઈએ તો આ ચર્ચાઓ થોડી જુદી રીતે ચાલે છે. એ છે- કોને આંબેડકર પ્રત્યે ઘૃણા વધારે છે? ભાજપ પાસે આના માટે આખો એક ઇતિહાસ છે, કારણ કે સ્વતંત્રતા પહેલાં અને પછી પણ નહેરુની આગેવાનીમાં કોંગ્રેસે ક્યારેય આંબેડકર પ્રત્યે બહુ સારું વલણ રાખ્યું નથી. એક રીતે તેઓ શત્રુતા સુધી પહોંચી ગયા હતા અને આ વાતની સાબિતી સ્વયં આંબેડકરનાં કોંગ્રેસની વિરુદ્ધમાં આપેલાં નિવેદનો જ આપી દે છે. નહેરુનાં નિવેદનો પણ મળી જશે. જેમકે એક વખત તેમણે એડવિનાને લખેલા પત્રમાં આંબેડકર પ્રત્યે તેમનો તિરસ્કાર બહુ સ્પષ્ટ શબ્દોમાં છલકાયો હતો. 

    કોંગ્રેસ ત્યારે બીજી બાજુ અમિત શાહની એક નાનકડી ક્લિપનો ઉપયોગ કરીને એવું સાબિત કરવા મથી રહી છે કે ભાજપને આંબેડકર પસંદ નથી. પણ આ વિવાદ ચોક્કસ અહીંથી જ શરૂ થયો નથી. રાહુલ ગાંધીએ સંસદમાં વીર સાવરકરને ખોટી રીતે વગોવ્યા અને બંધારણ અને મનુસ્મૃતિ સુધી ચર્ચા લઈ ગયા ત્યારથી જ તેનાં બી રોપાએ ગયાં હતાં. હવે લાગે છે કે ભાજપે ત્યારે જ થોડી આક્રમકતા દેખાડી હોત તો હમણાં આંબેડકર મુદ્દે ડિફેન્સિવ થવાની જરૂર ન પડી હોત. આ વિષય પર પછીથી આવીએ. 

    - Advertisement -

    મૂળ રીતે જોઈએ તો મનુસ્મૃતિ વિ. બંધારણનો મુદ્દો લઈને રાહુલ ગાંધી એ જ વર્ષો જૂની લેફ્ટિસ્ટ ટ્રીક વાપરી રહ્યા છે, જે જાતિના મુદ્દાને ચગતો રાખવા માટે વાપરવામાં આવતી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તેમનું ‘કૌન જાત હો’વાળું તૂત બહુ ચાલ્યું હતું અને તેનો પછીથી થોડોઘણો ફાયદો પણ મળ્યો, તો તેમને થયું કે આ કામ કરી જાય એવી ચીજ છે. આંબેડકર અને બંધારણ પણ આ એક હેતુ પૂરો કરવા માટે કોંગ્રેસનાં સાધન માત્ર છે. 

    ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો એ વાતમાં ક્યાંય ભિન્ન મત ન હોય શકે કે કોંગ્રેસને તેની સ્થાપનાથી લઈને છેક 1990 સુધી આંબેડકર પ્રત્યે કોઈ લગાવ રહ્યો નથી. જો આંબેડકરનાં વિવિધ વ્યક્તિઓ, વિચારો કે સંસ્થાઓ પ્રત્યેનાં નકારાત્મક નિવેદનો શોધવા જશો તો RSS સામે તેમણે જેટલાં વિરોધી નિવેદનો નહીં આપ્યાં હોય તેનાં કરતાં અનેકગણાં નિવેદનો ગાંધી, નહેરુ કે કોંગ્રેસ વિરુદ્ધ મળી જશે. એક હકીકત એ પણ છે કે, RSS પર તેમણે સીધો હુમલો કર્યો હોય તેવું નિવેદન શોધવું પણ કઠિન કામ છે. 

    આંબેડકર વિ. RSS કે આંબેડકર વિ. હિંદુત્વના વિચારો ખરેખર તો તેમણે હિંદુ ધર્મ કે હિંદુ રાજકારણ પર કરેલાં નિવેદનો પરથી અનુમાન લગાવીને મેળવેલાં તારણોનું જ એક સ્વરૂપ છે. એ જ કારણ છે કે રાહુલ ગાંધી સંસદમાં મનુસ્મૃતિ લહેરાવતા રહે છે, કારણ કે ભાજપ, RSS કે હિંદુત્વ પર સીધો પ્રહાર કરવા માટે તેઓ આંબેડકરને ટાંકી શકે તેમ જ નથી. સાવરકર વિરુદ્ધ જે જૂઠાણાં ફેલાવવામાં આવ્યાં તેમાં પણ આ જ રીતે અનુમાનોના આધારે ઘણી બાબતો ઘડી કાઢવામાં આવી છે. 

    હવે આપણે ત્યાં કોંગ્રેસને એ ભેટ પહેલેથી મળી છે કે તેઓ કોઈ એક મુદ્દે ચૂપ રહેતા હોય અને બીજા મુદ્દે બહુ હોબાળો મચાવે તોપણ તેમને આ બેવડાં વલણો વિશે પૂછનારું કોઈ હોતું નથી. રાહુલ ગાંધી પોતાને શિવભક્ત પણ ગણાવી શકે અને આંબેડકરવાદી પણ, અને તેમ છતાં તેમને ઇકોસિસ્ટમમાંથી કોઈ પ્રશ્ન નહીં કરે. ભાજપ પાસે આ ‘લક્ઝરી’ નથી. અહીં લોકો પૂછે છે કે આંબેડકરવાદી ‘જય શ્રીરામ’ કઈ રીતે બોલી શકે? 

    પાર્ટી અને સંઘ સંગઠનાત્મક સ્તરે આવી બાબતોને અવગણતા આવ્યા છે. રાજકીય રીતે જોઈએ તો સમજી શકાય એવી વાત છે. પહેલું. જેમાં સામેના પક્ષને ફ્રી પાસ મળી જતો હોય તેવી ચર્ચાઓમાં પાર્ટી શું કામ પડે? બીજું. સંગઠનાત્મક સ્તરે કદાચ આનો કોઈ જવાબ જ નથી, કારણ કે પાર્ટી થિંક ટેંક નથી. એટલે સંસ્થાગત સ્તરથી બહાર જઈને જોઈએ તો સમર્થકો માટે હવે આ ચર્ચાનો વિષય બની જાય છે. સંઘના વિષયમાં પણ આ લાગુ પડે છે. સ્વયંસેવકો કે પદાધિકારીઓ (અને મેં અમુક સાથે ચર્ચા પણ કરી) ચર્ચા કરે, પણ સંઘ તરફથી નિવેદન બહાર નહીં પાડે. 

    આ લેખમાં આ જ ચર્ચાનો એક સેતુ સાધવાનો છે, કે આંબેડકરનું સ્થાન હિંદુત્વ મૂવમેન્ટમાં ક્યાં હોય શકે. ચર્ચા જોકે બહુ પ્રારંભિક સ્તરે કરીશું, કારણ કે વિષય સંપૂર્ણ સમજવા માટે તો આખું પુસ્તક લખવું પડે. 

    આંબેડકર અને હિંદુ ધર્મ 

    પહેલી વાત અને અહીં ‘પોલિટિકલી કરેક્ટ’ રહેવાના પ્રયાસ બિલકુલ નથી- આંબેડકર હિંદુ નેતા ન હતા. તેઓ આ બાબતે બહુ સ્પષ્ટ હતા અને ખાસ કરીને જીવનનાં અંતિમ વર્ષોમાં તો ખાસ. તેમણે જ્યારે ધર્મ બદલ્યો ત્યારે જે 22 શપથ બનાવી હતી, તેનાથી બહુ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ન માત્ર હિંદુ તરીકેની ઓળખ બદલવા માંગે છે, પણ તેનાથી એક સ્તર ઉપર જઈને એવી ઓળખ બનાવવા માંગે છે જે બુદ્ધિસ્ટ કે બીજા કાંઈ કરતાં પણ મૂળ રીતે ‘હિંદુત્વ વિરોધી’ હોય. શપથમાં પિંડદાન ન કરવું, રામ-કૃષ્ણને ન માનવું કે હિંદુત્વને એક નુકસાનકારક સમુદાય કહેવો વગેરે સામેલ હતી. 

    બૌદ્ધ અપનાવ્યા પહેલાં પણ, તેમણે હિંદુ ધર્મ વિશે ઘણું લખ્યું હતું. એટલે કોઈ એવી દલીલ ન કરી શકે કે તેમણે માત્ર જીવનના અંત સમયે જ હિંદુ ઓળખ ત્યાગી દીધી હતી અથવા તો એક કારણ એ હતું કે સમુદાયમાં એકતા અને સમરસતા સ્થાપિત કરવાના તેમના પ્રયાસોનું કોઈ ફળ ન મળ્યું તો તેઓ હતાશ થઈ ગયા હતા. આ દલીલો સાચી નથી. 

    આ એક તથ્યના આધારે જ એ દલીલો પર પૂર્ણવિરામ મૂકી શકાય કે આંબેડકર હિંદુત્વ આંદોલનનો ભાગ તો બિલકુલ ન હતા અને ઘણા સહમત પણ થશે. પણ બધા નહીં, ખાસ કરીને X જેવા પ્લેફટોર્મ ઉપર, જ્યાં રાઈટ વિંગની ઉપસ્થિતિ સૌથી વધારે છે. મેં ટ્વિટર પર એક પોલ કર્યો હતો અને તેમાં આંબેડકરને જ સૌથી વધુ વોટ મળ્યા છે. અહીં હું એટલું બહુ સ્પષ્ટતાથી કહું શકું એમ છું કે વૉટ કરનારાઓમાંથી મોટાભાગના દક્ષિણપંથીઓ છે. 

    હવે અહીં કોઈ એમ પણ કહી શકે કે આ પોલિંગનો કોઈ અર્થ નથી, કારણ કે મોટાભાગના વોટ કરનારાઓ આંબેડકરનું આ ‘સત્ય’ નહીં જાણતા હોય. પણ આ અભિગમ પણ વ્યાજબી નથી. ડાબેરીઓ કરતાં થોડો જુદો દ્રષ્ટિકોણ અપનાવીને પ્રતિકૂળ વિચારોને સમજવાનો પણ એક પ્રયાસ થવો જોઈએ. 

    મેં અમુક એવા વ્યક્તિઓ સાથે ચર્ચા કરી છે, જેઓ માને છે કે પેલી 22 શપથ અને અન્ય અમુક નિવેદનો છતાં આંબેડકરને હિંદુત્વ મૂવમેન્ટનો એક અગત્યનો ભાગ ગણવા જોઈએ. હું અહીં માત્ર એને એકસૂત્રમાં પરોવી રહ્યો છું. ધ્યાન રહે કે, માત્ર ચર્ચા કરવાના હેતુથી આ દલીલોને એક પંક્તિમાં રાખવામાં આવી રહી છે. જરૂરી નથી કે તેની સાથે પૂરેપૂરી સહમતિ હોય જ. 

    ‘આંબેડકર સુધારાવાદી હતા’

    JNUના ઝોલાછાપો કે શેમ્પેઈન બુદ્ધિજીવીઓ હિંદુત્વની જેવી વ્યાખ્યા કરે છે તેનાથી વિપરીત સાવરકરે જે વ્યાખ્યા કરી હતી અને જેનું પાલન સંઘ કરે છે, એ વ્યાખ્યા અનુસાર હિંદુત્વ એ હિંદુ ધર્મની આસપાસ એક ઉદારવાદી અને સુધારાવાદી ચળવળ છે. સાવરકરે તેમનાં ઘણાં લખાણોમાં હિંદુ સમુદાયનાં સાત બંધનો વિશે લખ્યું છે અને જે-તે સમય સુધી સમુદાય જે પરંપરાઓમાં માનતો આવતો હતો કે જેનો ઉલ્લેખ શાસ્ત્રમાં પણ છે તેની પણ તેમણે ટીકા કરી હતી. 

    છૂતઅછૂતથી મુક્તિ કે મંદિરમાં તમામ સમુદાયોને પ્રવેશ, જુદા-જુદા સમુદાયો વચ્ચે જમણ, આંતરજ્ઞાતિય લગ્નો જેવા ઘણા વિષયો આમાં આવી ગયા. મહારાષ્ટ્રના રત્નાગિરીનું પતિતપાવન મંદિર તેમના પ્રયાસો અને વિચારોનું એક જીવતુંજાગતું ઉદાહરણ છે, જેના વિશે કહી શકાય કે પરંપરાગત બાબતોથી વિપરીત જઈને કરવામાં આવેલું કામ હતું. 

    સાવરકરે આવી પરંપરાઓને માન્યતા આપતા કોઈ શાસ્ત્રોને ક્યાંય બાળ્યા વગર મુખરતાથી તેનો વિરોધ કર્યો છે. તેમ છતાં તેઓ શાસ્ત્રોની વિરુદ્ધ ગયા હતા, જેવું સુધારાવાદીઓ કરે છે. 

    હવે આ દલીલના આધારે કહેવામાં આવે છે કે આંબેડકરે હિંદુ ધર્મ પર કે મનુસ્મૃતિ જેવાં શાસ્ત્રોવિરુદ્ધ જે પણ કાંઈ કહ્યું હોય તેને આ જ દ્રષ્ટિએ જોવું જોઈએ. એટલે કે એ રીતે કે તેમનો આશય હિંદુ ધર્મના ઉત્થાન માટેનો હતો. આ દલીલો સાથે તેઓ આંબેડકરના અમુક એસિડિક શબ્દોને માફ કરવા (જોકે માફી કોઈ માંગતું નથી) પણ તૈયાર છે, કારણ કે તેમનું માનવું છે કે એક અનુસૂચિત જાતિમાંથી આવતી વ્યક્તિ તરીકે આ શબ્દો વાસ્તવમાં તેમની અંદરનો આક્રોશ દર્શાવે છે.

    જોકે, સાવરકર અને આંબેડકર, બંનેનાં વલણોમાં એક બહુ અગત્યનો ફેર છે. સાવરકરના સુધારાઓ મુખ્યત્વે હિંદુઓને બાહ્ય શક્તિઓ અને જોખમોથી બચાવવા માટે સમુદાયને એક કરવા તરફ વધુ કેન્દ્રિત રહ્યા હતા. હિંદુ ધર્મ કે તેના સિદ્ધાંતો પ્રત્યે સદંતર તિરસ્કારની ભાવના રાખ્યા વગર તેઓ જ્યારે જાતિથી આગળ વધવાની વાત કરતા ત્યારે ભાર એ બાબત ઉપર રહેતો હતો કે હિંદુઓ એક પંથનિરપેક્ષ સરકારમાં પોતાની સામાન્ય ઓળખ તૈયાર કરવા માટે શું-શું કરી શકે અને શું કરવું જોઈએ. 

    તો આંબેડકરને ‘હિંદુ’ સુધારાવાદી કઈ રીતે કહી શકાય, જ્યારે તેઓ પોતે પણ પોતાને એ શ્રેણીમાં ન મૂકતા હોય? હવે આ બાબતનો જવાબ ઘણી વખત હિંદુ કોણ છે અને હિંદુત્વ શું છે, તેની બૃહદ વ્યાખ્યા દ્વારા આપવામાં આવે છે, જેમાં સુપ્રીમ કોર્ટની ‘વે ઑફ લાઈફ’વાળી થિયરી પણ આવી ગઈ. 

    આંબેડકરનાં એવાં પણ અમુક નિવેદનો છે, જેનો ઉપયોગ એ દલીલો માટે કરવામાં આવે છે કે તેઓ સંપૂર્ણપણે હિંદુ ધર્મશાસ્ત્રો વિરુદ્ધ ન હતા. જેમકે, વર્ણવ્યવસ્થા નાબૂદ કરવાની વાત થઈ ગઈ. બીજી એક દલીલ એ પણ આપવામાં આવે છે કે, તેમના સમકાલીન અન્ય અમુક ‘સુધારાવાદીઓ’ પણ શાસ્ત્રો પ્રત્યે આ જ પ્રકારનું વલણ ધરાવતા હતા. ઉદાહરણ તરીકે, આર્ય સમાજ કે બ્રહ્મો સમાજ. જો તેઓને એક વિશાળ હિંદુ સમુદાયનો ભાગ માનવામાં આવતા હોય, તો આંબેડકરને કેમ નહીં? આર્ય સમાજીઓને જવા દઈએ તોપણ, જૈનોના કિસ્સામાં પણ ઘણા હિંદુ ભગવાનને ન માનતા હોય, છતાં બંને સમુદાયો સાથે જ રહે છે. 

    આમ તો બહુ જલ્દી માનવામાં ન આવે તોપણ, બ્રિટિશકાળ અને ‘સુધારાવાદી ચળવળો’ની જે વાત છે એને ધ્યાનમાં લેવી જોઈએ એવો મારો મત છે. તે સમયે ‘ડીકોલોનિયાલિટી’ જેવો શબ્દ જ અસ્તિત્વમાં ન હતો. (કારણ કે આખું વિશ્વ જ કોલોનિયલ સમયમાં જીવી રહ્યું હતું) અને તેને ભારતીય કે હિંદુ સંદર્ભમાં સમજવું તો બહુ દૂરની વાત થઈ ગઈ. 

    ‘આંબેડકરે ઇસ્લામની ટીકા કરી હતી’

    હિંદુત્વ મૂવમેન્ટમાં આંબેડકરની ભૂમિકાના પક્ષમાં દલીલો આપવા માટે એક બાબત સૌથી વધુ ચર્ચાઈ છે અને એ છે કે, ઇસ્લામ અને મુસ્લિમ સમુદાય પ્રત્યે તેમના વિચારો. ખાસ કરીને પાકિસ્તાનની રચના અને મલાબારમાં હિંદુ નરસંહાર પર તેમણે જે કાંઈ લખ્યું છે એ. સામાન્ય રીતે લેફ્ટિસ્ટ સેક્યુલારિસ્ટો ઇસ્લામની વાત આવે ત્યારે બહુ હળવા હાથે લખીને જવા દે છે, ઘણો ઢાંકપિછોડો પણ કરે છે, પણ આંબેડકરે એવું કર્યું ન હતું. આ બાબત કોઈ મતભેદ વગર સ્વીકારી શકાય એમ છે. 

    એ વાત પણ સાચી છે કે, આંબેડકરે ઇસ્લામ વિશે સારી બાબતો પણ કહી છે અને અમુક પ્રસંગોએ તેમણે ‘અછૂતો’ દ્વારા એ મજહબમાં ધર્મપરિવર્તન કરવાને પણ ટેકો આપ્યો હતો, પણ જ્યારે માલાબારમાં મોપલા મુસ્લિમો દ્વારા હિંદુઓના નરસંહારની (જેને સેક્યુલરિસ્ટોએ બ્રિટિશ સામેની ક્રાંતિ તરીકે દર્શાવ્યો હતો) કે પાકિસ્તાનની રચનામાં ઇસ્લામિક ભાગલાવાદી માનસિકતાની વાત આવી ત્યારે તેમણે એક દ્રઢ સ્ટેન્ડ લીધું હતું. 

    પણ એવું પણ નથી કે તેઓ એકમાત્ર હતા. શ્રી અરબિંદો અને રવીન્દ્રનાથ ટાગોરે પણ ઇસ્લામ પર ટીકાત્મક વિચારો વ્યક્ત કર્યા જ છે અને ઇસ્લામિક ભાગલાવાદી માનસિકતા વિશે લખ્યું જ છે. સીતારામ ગોયલ અને રામસ્વરૂપ જેવા વિદ્વાનો તો ખરા જ. જોકે, દલીલ એવી પણ કરવામાં આવે છે કે, આંબેડકરને શબ્દશઃ ટાંકવામાં આવે ત્યારે ડાબેરીઓ-ઇસ્લામીઓ પાસે બચાવમાં કાંઈ રહેતું નથી. 

    બની શકે કે આ એકમાત્ર કારણ સાથે સંપૂર્ણ સહમત ન થઈએ, પણ એવું પણ નથી કે આ સદંતર ગેરવ્યાજબી કારણ છે. 

    ‘તેઓ મુસ્લિમ કે ખ્રિસ્તી ન બન્યા અને એક ભારતીય ધર્મ પસંદ કર્યો’

    “ધર્માંતરણનાં આ દેશમાં શું પરિણામો આવશે એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઇસ્લામ કે ખ્રિસ્તીમાં ધર્માંતરણ કરવાથી શોષિત વર્ગનું બિનરાષ્ટ્રીયકરણ થઈ જશે. તેઓ જો ઇસ્લામમાં જશે તો માત્ર મુસ્લિમોની સંખ્યા વધશે અને મુસ્લિમ વર્ચસ્વનું જોખમ જ વધશે. જો ખ્રિસ્તી બનશે તો ખ્રિસ્તીઓની સંખ્યા વધશે અને તેનાથી દેશ પર બ્રિટિશ શાસન વધુ મજબૂત બનશે.”

    આ શબ્દો આંબેડકરના છે અને રાષ્ટ્રત્વના સાંસ્કૃતિક સિદ્ધાંતને જોઈએ તો બરાબર મેળ ખાય છે. એવું કહીએ તોપણ અતિશયોક્તિ ન કહેવાય કે, આ બાબતો સાવરકરે ‘એસેન્શિયલ ઑફ હિંદુત્વ’માં જે લખ્યું હતું, તેના કરતાં પણ હિંદુત્વની વધુ નજીકની છે. સાવરકર તો જો તેઓ ભારતને પોતાની ભૂમિ માનતા હોય તો મુસ્લિમોને પણ સાંસ્કૃતિક માળખામાં સામેલ કરવાના પક્ષના હતા. 

    ઉપર જે ટાંક્યો એ જ ફકરામાં આંબેડકર કહે છે કે, એકસાથે મોટી સંખ્યામાં ધર્માંતરણ કરવું હોય તો શીખ ધર્મ પસંદ કરવો જોઈએ. જોકે, પછીથી તેમણે પોતે બૌદ્ધ પસંદ કર્યો. અથવા કહી શકાય કે, તેમણે પેલી 22 શપથ સાથે એક નવો જ ધર્મ શોધ્યો. પણ તેમ છતાં, તેમણે જે કાંઈ પણ કર્યું, પણ એ ભારતીય પંથને અનુરૂપ જ હતું એવી દલીલ કરવામાં આવે છે. 

    ઉપરાંત, તેમના ધર્માંતરણને એવી નજરે પણ જોવામાં આવે છે કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. જોકે, હું આ વાત સાથે સંપૂર્ણ સહમત નથી. આંબેડકરે હિંદુ ધર્મમાંથી માસ કન્વર્ઝનની વાતો ઘણી વખત કરી હતી. 

    ‘તેમના કટુ શબ્દોને ધ્યાનમાં ન લેવા જોઈએ, તેઓ અન્યાયના કારણે આક્રોશિત હતા’

    જાતિવાદી સંઘર્ષો આપણા સમુદાય માટે એક મોટી સમસ્યા રહી છે તેમાં કોઈ બેમત નથી અને અમુક સમુદાયોએ અન્ય અમુક ચોક્કસ સમુદાયો પ્રત્યે અમાનવીય વલણ પણ દાખવ્યું હતું એ વાત પણ સાચી છે. ઇતિહાસ લખવામાં અતિશયોક્તિ થઈ જ હશે, પણ એનો અર્થ એ પણ નથી કે આવી બાબતોને સદંતર નકારી દઈએ. અતિશયોક્તિ કરતાં પણ અમુક ખોટા નરેટિવ મૂળ સમસ્યા છે. 

    હું પણ તથાકથિત ‘ઊંચી જાતિ’માંથી આવું છું અને મેં અમુક વ્યક્તિઓમાં સામંતવાદી માનસિકતા જોઈ પણ છે. બીજી તરફ, આનાથી વિપરીત માનસિકતા પણ જોઈ છે, એટલે જ અહીં કોઈ એક પક્ષ લેવો અઘરી બાબત છે. એક વાત જોકે નક્કી છે કે આવી માનસિકતા પાછળ મનુસ્મૃતિ કોઈ રીતે જવાબદાર નથી. મેં મારા ઘરે કે ગામમાં ક્યાંય મનુસ્મૃતિ જોઈ નથી. મોટેભાગના તો ધાર્મિક પણ નથી હોતા. મેં મારા પુસ્તકમાં આ વિશે વિસ્તારથી લખ્યું છે અને હવે અહીં થોડી જાહેરાત પણ કરી દઉં.

    ખેર, લોકોએ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવો વિશે કટુવચનો વાપરીને લખ્યું છે. સામાન્ય દ્રષ્ટિએ આ બાબત સાચી છે. પણ આંબેડકર માટે આ એક જ કારણ હતું? ના. તેઓ વકીલ હતા. રાજકારણી અને એક્ટિવિસ્ટ પણ. તેમની પાસે ઘણાં કારણો હતાં.

    ‘તેઓ સૌથી મોટા દલિત નેતા હતા; તમે અવગણી ન શકો કે પોતાના માણસોને દૂર ન કરી શકો’

    …અને અંતે એક સાચું રાજકીય કારણ આવે છે. મેં સંઘ અને ભાજપના ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે એવું માની લેવું કે સોશિયલ મીડિયા પર આંબેડકરના DP કે ઘરે તેમનો ફોટો રાખનાર દરેક વ્યક્તિ કટ્ટર આંબેડકરવાદી છે અને તેના જીવનનો એકમાત્ર ધ્યેય હિંદુત્વ કે ખાસ કરીને બ્રાહ્મણોને ખતમ કરી નાખવાનો છે, એ ગંભીર ભૂલ હશે. 

    હવે આ વાતને હાસ્યાસ્પદ ગણાવીને નકારી દેવામાં આવે એ પહેલાં, મને લાગે છે કે, એ વાત સાચી છે કે ટોળું જ્યારે કોઈ વિચારધારા અપનાવે ત્યારે તેનું કોઈ વિશ્લેષણ કરતું નથી. મોટાભાગના માત્ર રાજકીય સ્લોગન અપનાવી લે છે. 

    ઉદાહરણ તરીકે, સમાજવાદી પાર્ટીનો કોઈ સમર્થક હમણાં ‘બાબાસાહેબના અપમાન’ સામે પૂરજોરથી વિરોધ કરશે. કારણ માત્ર એટલું છે કે, સમાજવાદી પાર્ટી INDI ગઠબંધનનો એક ભાગ છે અને અખિલેશ-રાહુલ એકમંચ પર છે. પણ 1990માં આ જ સપાના કાર્યકરોએ ઉત્તર પ્રદેશનાં ગામો અને પાર્કમાં આંબેડકરની પ્રતિમાઓને નુકસાન પહોંચાડ્યું હતું. દેશમાં રાજકારણ આ જ રીતે કામ કરે છે. 

    “જેઓ નરેટિવ કંટ્રોલ કરે છે તેઓ આંબેડકરને એક મસીહા તરીકે રજૂ કરે છે અને આપણે તેમાં વધુ કાંઈ કરી પણ શકતા નથી. તાત્કાલિક આંબેડકર પર પ્રહાર કરવાના શરૂ કરી દઈને આવી વ્યક્તિઓને લેફ્ટિસ્ટ-ઇસ્લામિસ્ટ સાઇડ તરફ ધકેલી શકાય નહીં. અમુક બાબતો અવગણવી પડે છે અને આપણા મુદ્દાને વળગી રહેવું પડે છે.”

    હવે જો કોઈ અલ્ટરનેટિવ પ્લાન હોય તો આ વાત વ્યાજબી છે. પણ મને એવું કશું દેખાતું નથી. પણ મૂળ વાત એ છે કે, કોઈક અલ્ટરનેટિવ પ્લાન હોવો જોઈએ. સંઘ આંબેડકરને જેવા છે તેવા સ્વીકારવા માટે તૈયાર છે અને ભાજપ પણ. હવે આમાં તેમની ઉપર વિશ્વાસઘાતનો પણ આરોપ લગાવી શકાય નહીં, કારણ કે તેમનું આવું વલણ કાયમથી રહ્યું છે. 

    સંઘે આંબેડકર અને ફૂલેને 30 વર્ષ પહેલાં અપનાવી લીધા હતા. હું અહીં RSS વિચારક અને પદ્મશ્રી રમેશ પતંગેએ 1966માં લખેલા  ‘મનુ સંઘ એન્ડ આઈ’ પુસ્તક વાંચવાની ભલામણ કરીશ. પુસ્તકનો મૂળ સાર એ છે કે કેમ સંઘ મનુસ્મૃતિમાં નથી માનતો. 

    આ જ કારણ છે કે જ્યારે રાહુલ ગાંધી સાવરકર વિશે જૂઠાણાં ફેલાવી રહ્યા હતા ત્યારે ભાજપનો હાથ ઉપર કેમ ન હતો. રાહુલના હાથમાં મનુસ્મૃતિ જોઈને તેઓ પણ બેકફૂટ પર આવી જાય છે, કારણ કે તેઓ પણ તેનું સમર્થન કરવા નથી માંગતા, કારણ કે તેમના મનમાં તેઓ સુધારાવાદી છે. 

    બહારથી ભાજપ અને RSS બહુ સ્પષ્ટ છે કે આંબેડકર અને હિંદુત્વ સાથોસાથ ચાલી શકે છે અને તેઓ આ જ રીતે 30 વર્ષથી કામ કરતા આવ્યા છે. કારણ કે તેમના વિચાર પ્રમાણે હિંદુત્વ અને હિંદુરાષ્ટ્ર ‘ઉદારવાદી વિચારો’ છે, જે સૌને સમાવી લે છે. 

    આમ તો આ રીતે લિબરલ ફેશનમાં હિંદુત્વ અને હિંદુ ધર્મની વ્યાખ્યા કરવી એ આત્મશ્લાઘા લાગી શકે, પણ મને નથી લાગતું કે વિચારધારાઓ આ રીતે કામ કરે છે. પછી કોઈ પેરિયારને પણ સમાવવાની વાત કરી શકે. એક રેખા ખેંચવી જરૂરી છે અને આ રેખા આંબેડકર પછી (તેમને સમાવી લઈને) ખેંચવામાં આવે તોપણ કોઈ વાંધો નથી, પણ મૂળ વાત એ છે કે આ રેખા સ્પષ્ટ થવી જોઈએ. 

    અમુક સવાલો, જેના જવાબ મળવા કઠિન

    જેમ પહેલાં કહ્યું, સંઘ અને ભાજપ સંગઠનાત્મક સ્તરે આ પ્રશ્નોના જવાબ આપવાના નથી. પણ દક્ષિણપંથ અને હિંદુ સમુદાયે ચર્ચા કરવી જરૂરી છે. 

    અત્યારે સૌથી મોટું જોખમ એ નથી કે આંબેડકરને ઈશ્વરના દરજ્જે મૂકવામાં આવી રહ્યા છે, કારણ કે આ કામ બહુ પહેલાંથી શરૂ થઈ ચૂક્યું હતું, પણ હવે તેમની સાથે ‘ઈશનિંદા’ જેવા માહોલને જોડવામાં આવી રહ્યો છે એ જોખમ છે. અમિત શાહના ક્રોપ કરેલા વિડીયોવાળા ભાગને જ માત્ર કોઈ સંદર્ભ વગર જોવામાં આવે તોપણ, આરોપ માત્ર એટલો છે કે તેમણે આંબેડકરને એક ભગવાન તરીકે માનવાનો ઇનકાર કર્યો, જેમનું નામ લેવાથી સ્વર્ગ મળી શકે. 

    વક્રતા એ પણ છે કે જે વ્યક્તિએ હિંદુ ઈશ્વરને ન માનવાના શપથ લીધા અને લેવડાવ્યા હોય, તેમને સૌએ ભગવાન માનવા એવો આગ્રહ રાખવામાં આવે છે. બીજું, ભગવાન પણ એકબીજા સામે સંઘર્ષ કરી શકે, પણ જો એવું કહેવામાં આવતું હોય કે સૌએ તેમની ભક્તિ કરવી જોઈએ, તો એ હિંદુ કે હિંદુત્વ નથી, એ પછી અબ્રાહમિક થઈ ગયું. 

    આ બધી બાબતો છતાં, હું આંબેડકરને હિંદુત્વ સમુદાયમાંથી સદંતર નકારી દેવાના પક્ષમાં નથી. જેનાં કારણો ઉપર કહ્યાં (જે વાસ્તવમાં એ વ્યક્તિઓની દલીલ છે, જેઓ આંબેડકરને હિંદુત્વ સમુદાયમાં સમાવવાના પક્ષમાં છે) અને જે સદંતર ગેરવ્યાજબી પણ નથી. જોકે, એ વાત પણ સાચી છે કે તેનાથી વિચારોનું મુક્ત આદાનપ્રદાન અટકવું ન જોઈએ, જેનો હાલ થોડો અભાવ જોવા મળી રહ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં