Sunday, December 22, 2024
More

    ઉપદ્રવીઓએ હથિયાર લઈને જાહેર રસ્તા પર મચાવ્યો ઉત્પાત, પોલીસને પણ ધમકાવીને ગાડીમાં બેસાડ્યા: અમદાવાદનો વિડીયો વાયરલ, એક સમીર મહેબૂબ શેખની અટકાયત

    અમદાવાદના બાપુનગરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના લીધે અમદાવાદ પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. વિડીયોમાં અમુક માથાભારે ઇસમો હથિયારો લઈને રસ્તા પર ફરતા જોવા મળે છે અને તેઓ પોલીસકર્મીઓને પણ ધક્કો મારીને વાહનમાં બેસાડી દે છે. 

    વિડીયો ચોક્કસ કયા સમયનો છે એ જાણી શકાયું નથી. તેમાં જોવા મળે છે કે, અમુક પોલીસકર્મીઓ તેમના વાહન પાસે ઊભા છે. પાછળથી એક લાલ ટી-શર્ટ પહેરીને એક વ્યક્તિ આવે છે, જેના હાથમાં હથિયાર છે. તે બળજબરીથી પોલીસને ધક્કો મારીને વાહનમાં બેસાડી દે છે. પોલીસકર્મીઓ બેસી ગયા બાદ જાતે જ વાહનોનો દરવાજો પણ બંધ કરે છે. 

    અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં લુખ્ખાતત્વો બેફામ તલવારો લહેરાવતા રસ્તા પર રખડતા જોઈ શકાય છે. જોકે, આ બીજા વિડીયોમાં પોલીસ જોવા મળતી નથી. 

    સોશિયલ મીડિયા પર આ વિડીયો ફરતો થયા બાદ નેટીઝન્સ આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 

    બીજી તરફ, રિપોર્ટ્સ અનુસાર, પોલીસે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે એક-એક FIR દાખલ કરી છે. જ્યારે રખિયાલ પોલીસે સમીર મહેબૂબ મિયાં શેખની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

    અપડેટ: અમદાવાદ પોલીસે એક X પોસ્ટમાં જણાવ્યું કે, વાયરલ વિડીયો મામલે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.