એશિયા કપમાં શ્રીલંકા સામે ભારતની શાનદાર જીત વચ્ચે BCCI સેક્રેટરી જય શાહે શ્રીલંકાના ક્રિકેટ મેદાનમાં કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફને અને પિચ ક્યૂરેટર્સને 50,000 ડોલરની રકમ આપવાની જાહેરાત કરી છે. જય શાહે X (અગાઉનું ટ્વિટર) પર આ જાહેરાત કરી છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરવામાં આવે તો આ રકમ અંદાજે 42 લાખ રૂપિયા હશે.
નોંધનીય છે કે આ વખતે એશિયા કપનું આયોજન હાઇબ્રીડ મોડમાં કરવામાં આવ્યું હતું, આ અંતર્ગત શ્રીલંકામાં ભારતની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની તમામ મેચો પર આ વખતે વરસાદી આફત રહી હતી. પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફની મહેનતને કારણે એકપણ મેચ રદ થઈ નહોતી. તેથી તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી.
🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌
— Jay Shah (@JayShah) September 17, 2023
The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆
Their unwavering commitment and…
આ મામલે સૌથી મહત્વપૂર્ણ મેચ ભારત-પાકિસ્તાનની સુપર ફોર સ્ટેજની મેચ હતી. આ મેચમાં પ્રથમ દિવસે વરસાદને કારણે મેચ અટકાવવી પડી હતી અને ગ્રાઉન્ડ સ્ટાફે પિચને ઢાંકવા અને તેને રમવા યોગ્ય બનાવવા માટે ઘણી વખત મહેનત કરી હતી. બીજા દિવસે પણ ભારે વરસાદ હોવા છતાં ગ્રાઉન્ડ સ્ટાફે પરિસ્થિતિને કાબૂમાં લઈને મેચ શક્ય બનાવી અને ભારતની જીત થઈ.
ભારત-પાકિસ્તાન સિવાય ભારત-શ્રીલંકા વચ્ચેની એશિયા કપની ફાઈનલમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. મેચ પર વરસાદની અસર હોવા છતાં ગ્રાઉન્ડ સ્ટાફે મેદાન અને પિચને રમવા યોગ્ય બનાવ્યા હતા. શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફની આ મહેનતને જોતાં BCCI સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે ગ્રાઉન્ડ સ્ટાફને પુરસ્કાર આપ્યો છે.
આ ઉપરાંત ભારતના કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફની પ્રશંસા કરી હતી. જય શાહના આ પગલા પર ઘણા ભારતીય ટ્વિટર હેન્ડલ્સે પાકિસ્તાની ખેલાડીઓની મજાક ઉડાવી હતી. એક સટાયર હેન્ડલે પાકિસ્તાની ખેલાડી ફખર ઝમાનનો એક ફોટો પોસ્ટ કરીને લખ્યું કે હવે જ્યારે પૈસાની જાહેરાત થઈ ગઈ છે તો તે શ્રીલંકા પાછા જઈ રહ્યા છે. વાસ્તવમાં, ફખરે મેદાનના કવર ખેંચવામાં ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી હતી.
BREAKING: Fakhar Zaman return to Sri Lanka after Jay Shah announces extra money to groundsmen pic.twitter.com/6zGlOimGCC
— The Fauxy Sports (@TheFauxySports) September 17, 2023
સાથે જ ભારતે શ્રીલંકા પર રેકોર્ડ 10 વિકેટે જીત મેળવી હતી અને માત્ર 6 ઓવરમાં 51 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. આ પહેલા મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડયાની બોલિંગના કારણે શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ‘પ્લેયર ઑફ ધ મેચ’ મોહમ્મદ સિરાજ અને ‘પ્લેયર ઑફ ધ સિરીઝ’ કુલદીપ યાદવને ઘોષિત કરવામાં આવ્યા હતા.
ભારતે આઠ વખત એશિયા કપ જીત્યું છે. હવે ભારત 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવા જઈ રહ્યું છે.