આજે અમદાવાદનાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી 145મી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનું પ્રસ્થાન થયું છે. આ રથયાત્રા છેલ્લા 145 વર્ષથી અષાઢી સુદ બીજના દિવસે યોજાય છે. અમદાવાદની જગન્નાથ રથયાત્રા અને નરેન્દ્ર મોદી વચ્ચે અત્યંત વિશેષ સંબંધ જોવા મળે છે.
અમદાવાદની જગન્નાથ રથયાત્રા સાથે પોતાના સંબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રવિવારે પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ ટાંકયો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “અષાઢ સુદ બીજના રોજ ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા નીકળે છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને પણ આ યાત્રામાં સેવા કરવાનો લહાવો મળતો હતો.”
જગન્નાથ મંદિર ટ્રસ્ટે પીએમ મોદીને મોકલ્યું તેડું, પીએમએ મોકલ્યો પ્રસાદ
નોંધનીય છે કે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને રથયાત્રાનું તેડું મોકલવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તેમણે પણ એક પરંપરા સ્વરૂપે રથયાત્રાની આગલી સાંજે મંદિરમાં પ્રસાદ મોકલાવવાનું શરૂ કર્યું હતું. આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરાત તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે.
અમદાવાદ : રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમ નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિર મોકલ્યો પ્રસાદ . #Ahmedabad #Gujarat #RathYatra2022 pic.twitter.com/0Pp3XV1Ksn
— Tv9 Gujarati (@tv9gujarati) June 30, 2022
આ પ્રસાદમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. જે બાદ આજે તેને ભગવાનને ધરાવવામાં આવ્યો હતો.
અમદાવાદની જગન્નાથ રથયાત્રા અને નરેન્દ્ર મોદી
નોંધનીય છે કે એક અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન વર્ષોથી એક પરંપરા છે કે અષાઢી સુદ બીજના દિવસે વહેલી સવારે ગુજરાતનાં મુખ્યમંત્રી પોતે મંદિર પરિષરમાં પહિંધ વિધિ કરીને રથયાત્રા શરૂ કરાવે છે. આ વિધિમાં ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા સોનાના ઝાડુંથી મંદિરમાંથી નીકળતા રથયાત્રાના રસ્તા પર સફાઈ કરવામાં આવે છે.
Amid ‘जय रणछोड़-माखन चोर’, performed ‘Pahind Vidhi’ at majestic Rath Yatra early this morning.Sharing priceless moments http://t.co/C0xJMAhi
— Narendra Modi (@narendramodi) June 21, 2012
ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે વાર પહિંધ વિધિ કરવાનો રેકોર્ડ આજે પણ નરેન્દ્ર મોદીના નામે જ છે જેમણે અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન 12 વાર પહિંધ વિધિ કરી છે.
જેમ આપણે ઉપર નોંધ્યું એમ અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. છેલ્લા બે દાયકાથી આ રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ તેમ જ ભવ્ય રીતે નીકળતી હોય છે. પરંતુ હંમેશાથી આમ નહોતું. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતુ ત્યારે મોટા ભાગે રથયાત્રા લોહિયાળ બનતી, કેટલીય વાર રથયાત્રા પર પથ્થરમારા થતાં અને શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવતો. ભક્તોએ પોતાના જીવને પડીકે બાંધીને રથયાત્રામાં જવું પડતું હતું.
પરંતુ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ ચિત્ર બદલાયું હતું. 2001થી લઈને આજ સુધી આમદવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન એક પણ કાંકરીચાળો નથી થયો એ નરેન્દ્ર મોદીની જ જમાપૂંજી કહી શકાય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રથયાત્રાની સુરક્ષા પર વિશેષ ધ્યાન રાખ્યું હતું અને તેને વૈશ્વિક ફલક પર પણ સન્માનજનક સ્થાન અપાવ્યું હતું.
નોંધનીય છે કે આજે એટ્લે કે અષાઢી સુદ બીજના દિવસે અમદાવાદમાં ફરી એકવાર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે જેના માટે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાખ કરવામાં આવી છે. સવારે 7 વાગે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર આવીને પહિંધ વિધિ કરીને રથયાત્રા શરૂ કરાવી હતી.