Friday, November 22, 2024
More
    હોમપેજવિશેષહાથમાં કલાવા બાંધીને આવ્યો હતો કસાબ, મરવાનો હતો ‘સમીર ચૌધરી’ બનીને: તુકારામ...

    હાથમાં કલાવા બાંધીને આવ્યો હતો કસાબ, મરવાનો હતો ‘સમીર ચૌધરી’ બનીને: તુકારામ ઓંબલે અને સંજય ગોવિલકર જેવા પોલીસકર્મીઓ ન હોત તો 26/11નો હુમલો કહેવાયો હોત ‘હિંદુ આતંકવાદ’

    આમ તો અહીંની દુર્બુદ્ધિજીવીઓ અને સેક્યુલરોની જમાત કાયમ ઇસ્લામી આતંકવાદી હુમલાઓને ઢાંકવા માટે ‘આતંકવાદને ધર્મ નથી હોતો’ના રાગ આલાપતી રહે છે, પણ જો 26/11ની ઘટનાઓ ષડયંત્ર અનુસાર બની હોત તો તેમની દલીલો શું હોત?

    - Advertisement -

    આજે 26/11. બરાબર 15 વર્ષ પહેલાં આજના દિવસે પાકિસ્તાનથી આવેલા લશ્કર-એ-તૈયબાના 10 ઇસ્લામી આતંકવાદીઓએ દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં ઘૂસી જઈને કત્લેઆમ મચાવીને સેંકડો નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા. ભારતીયો એ દિવસ ભૂલ્યા નથી, સંભવતઃ ક્યારેય નહીં ભૂલે. આજે કોઇ લેખની શરૂઆત કરતી વખતે આ હુમલો કરનારાઓને ‘ઇસ્લામી આતંકવાદી’ ગણાવી શકાય છે, પણ તે દિવસે અમુક ઘટનાઓ થોડી જુદી રીતે બની હોત, અમુક પોલીસ અધિકારીઓ ન હોત તો આ હુમલો ‘હિંદુ આતંકવાદ’ ગણાયો હોત, દોષ આપણા માથે નાખી દેવાયો હોત અને એક કલંક લાગી ગયું હોત, જે ક્યારેય દૂર થયું ન હોત. 

    હુમલો કરવા આવેલા આતંકવાદીઓનો પ્લાન એ હતો કે દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસી જઈને ભરચક ભીડ ધરાવતાં સ્થળોને ટાર્ગેટ કરવાં અને કત્લેઆમ મચાવવી. નિર્દોષ નાગરિકોથી માંડીને પોલીસ કે જે કોઇ ભારતીય દેખાય તેને મારી નાખવા. આ સિવાય બીજું એક કાવતરું હતું આ સમગ્ર હુમલાને હિંદુ આતંકવાદ તરીકે ખપાવી દેવાનું અને દોષ હિંદુઓ પર જ નાખી દેવાનું. આ માટે લશ્કર-એ-તૈયબાએ સુનિયોજિત ષડ્યંત્ર રચીને આતંકવાદીઓને મોકલ્યા હતા. 

    મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ નિવૃત્તિ બાદ વર્ષ 2020માં એક આત્મકથા લખી, જેનું શીર્ષક છે- ‘લેટ મી સે ઇટ નાઉ.’ આ પુસ્તકમાં તેમણે આ 26/11ના હુમલા અને તેને હિંદુ આતંકવાદ તરીકે ખપાવવાનું ષડ્યંત્ર ખુલ્લું પાડ્યું છે. તેમણે જે ઘટસ્ફોટ કર્યા હતા તેની 2018માં પણ ખાસ્સી ચર્ચા થઈ હતી. 

    - Advertisement -

    યોજના એવી હતી કે તમામ 10 આતંકવાદીઓને હિંદુ આઇડી સાથે મોકલવામાં આવ્યા હતા. તમામના ફર્જી હિંદુ નામ સાથેનાં આઇડી બનાવવામાં આવ્યાં હતાં અને દરેકને હિંદુ નામ પણ આપવામાં આવ્યું હતું. જે જીવતો પકડાયો તે આતંકવાદી અજમલ કસાબને પણ આવું જ એક નામ અપાયું હતું- સમીર ચૌધરી. આ જ નામનું તેની પાસે ID પણ મળી આવ્યું હતું. એટલું જ નહીં, તે હાથમાં રક્ષાસૂત્ર (હિન્દીમાં જેને કલાવા કહે છે, હિંદુઓ પવિત્ર માને છે અને હાથ પર બાંધે છે) પણ બાંધીને આવ્યો હતો, જેથી જો તે ભારતીય સેનાના હાથે મૃત્યુ પામે (જે થવાનું જ હતું) તો ઓળખ હિંદુ તરીકે થાય અને સમગ્ર હુમલો હિંદુ આતંકવાદ તરીકે બહાર આવે. એક પત્રકારે મુંબઈના CST સ્ટેશન પર લીધેલા કસાબના ફોટોગ્રાફમાં પણ આ રક્ષાસૂત્ર કે કલાવા સ્પષ્ટ જોવા મળે છે.

    કસાબે પણ સ્વીકાર્યું હતું

    અહીં એ પણ ઉમેરવું જોઈએ કે કસાબે પોતે પણ કોર્ટ સામે આપેલા પોતાના નિવેદનમાં આ બાબત સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેને અને તેના સાથીઓને હિંદુ આઇડી સાથે મોકલવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘અગાઉથી નક્કી થયેલા પ્લાન મુજબ અમને હિંદુ નામનાં આઇડી આપવામાં આવ્યાં હતાં. મારા આઈકાર્ડમાં લખ્યું હતું કે હું બેંગ્લોરની અરુણોદય ડિગ્રી કોલેજનો વિદ્યાર્થી છું અને મારું નામ સમીર દિનેશ ચૌધરી છે.’ પછીથી પાકિસ્તાને-અમેરિકન એજન્ટ ડેવિડ હેડલીએ પણ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે આવ્યો હતો અને 15-20 કલાવા ખરીદી લઇ ગયો હતો, જે પછીથી હુમલો કરનાર આતંકવાદીઓને આપ્યા હતા.

    બાકીના 9 આતંકવાદીઓ તો માર્યા જ ગયા હતા પણ જો કસાબ પણ માર્યો ગયો હોત તો આ હુમલો ‘હિંદુ આતંકવાદ’માં ખપાવી દેવાયો હોત. હિંદુઓને, RSS સહિતનાં સંગઠનોને વિશ્વભરમાં બદનામ કરવામાં આવ્યા હોત. આપણા જ દેશના કથિત સેક્યુલરોએ આપણને ખૂબ ભાંડ્યા હોત, આ થિયરી સાચી સાબિત કરવા માટે જે કાંઈ પણ જરૂરી હતું તેની બધી જ વ્યવસ્થા આતંકવાદીઓ કરી રાખી હતી, જેથી આ જમાતનું કામ સરળ થઈ પડ્યું હોત. પણ મુંબઈ પોલીસના બાહોશ અધિકારીઓએ હિંદુઓ પર આ દોષનો ટોપલો ન ઢોળાવા દીધો અને તેમને ‘આતંકવાદીઓ’ ગણાવાથી બચાવી લીધા. 

    અહીં બે પોલીસ અધિકારીઓનાં નામ લેવાં પડે. એક તુકારામ ઓંબલે અને બીજા સંજય ગોવિલકર. ઓંબલે હવે જાણીતું નામ છે. તેઓ કોન્સ્ટેબલ હતા. તેમણે જ અજમલ કસાબને જીવતો પકડ્યો હતો. પણ તેના બદલામાં જીવનું બલિદાન આપવું પડ્યું. આતંકવાદીએ તેમને 40 ગોળીઓ ધરબી દીધી હતી. તેઓ ન બચી શક્યા. બીજા અધિકારી તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ગોવિલકર

    27 નવેમ્બરે કસાબ પકડાયો તે પહેલાં શું બન્યું હતું?

    બન્યું હતું એવું કે 26-27 નવેમ્બર દરમિયાન તાજ હોટેલ, CST, કામા હોસ્પિટલથી માંડીને અન્ય સ્થળોએ હુમલા કર્યા બાદ 27મીની રાત્રે અજમલ કસાબ અને તેનો એક સાથી ઇસ્માઇલ બંને એક કાર હાઇજેક કરીને નીકળ્યા હતા. બંને ગિરગાંવ ચોપાટી તરફ જતા હોવાનું જાણવા મળતાં કન્ટ્રોલ રૂમે ડીબી માર્ગ પોલીસ મથકને જાણ કરી અને નાકાબંધી કરવા કહ્યું. અહીંના PI હતા સંજય ગોવિલકર. તેઓ પોતાની ટીમ સાથે પહોંચી ગયા અને નાકાબંધી કરી દીધી. 

    થોડીવાર પછી સાડા બારેક વાગ્યાના અરસામાં એક સ્કોડા કાર આવતી દેખાઈ. પોલીસ અધિકારીએ વ્હિસલ વગાડીને થોભવા કહ્યું અને કાર ઉભી રહી ગઈ. કાર આતંકવાદીઓની હતી. ડ્રાઇવિંગ સીટ પર ઇસ્માઇલ હતો અને કસાબ તેની બાજુમાં બેઠો હતો. પોલીસે સરેન્ડર કરવા કહ્યું પણ કાર આગળ વધી અને છેલ્લી ઘડીએ ડિવાઇડર સાથે જઈને અથડાઇ ગઈ. ત્યારે જ 2 અધિકારીઓ કાર તરફ આગળ વધ્યા, દરમ્યાન એક ગોળી ચાલી અને કાર પર વાગી. અહીં ઇસ્માઇલે કસાબને હાથ ઉપર કરીને ઉતારવા કહ્યું પણ પોતે પોલીસ અધિકારીઓ તરફ ગોળી ચલાવી દીધી. જવાબમાં પોલીસે પણ ગોળી ચલાવી અને સીધી ઈસ્માઈલના ગાળામાં ઘૂસી ગઈ. 

    પછીથી અજમલ કસાબ રાઇફલ લઈને ઊતર્યો, જેવા પોલીસ કોન્સ્ટેબલ તેને પકડવા ગયા કે તેણે તેમને ગોળીઓ ધરબી દીધી. દરમ્યાન અન્ય પોલીસકર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. તુકારામ ઓંબલેએ કસાબને જીવતો પકડી લીધો હતો, પણ તેઓ પછી ન બચી શક્યા. પોતાના સાથીને આંખ સામે ઢળી પડતા જોઈને અન્ય પોલીસ કર્મચારીઓ આક્રોશમાં આવી ગયા અને આતંકવાદીનો ત્યાં જ ફેંસલો બોલાવી દેવા માટે આગળ વધ્યા, પણ ત્યારે જ સંજય ગોવિલકરે તેમને સમજાવ્યા કે કસાબ એકમાત્ર જીવિત છે અને તે જ સબૂત છે. આખરે તેમણે ઉપરી અધિકારીનો આદેશ માન્યો અને કસાબને જીવતો પકડી લીધો. 

    ગોવિલકરે પછીથી આ ઘટનાક્રમને લઈને કહ્યું હતું કે, ‘એક પળનું પણ મોડું થયું હોત તો કસાબ પણ પોલીસની ગોળીથી માર્યો ગયો હોત. કસાબ જીવતો પકડાયો તો જ પછીથી જાણી શકાયું કે આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા હતા અને મુંબઈ પર હુમલો કરવાનું ષડ્યંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું.” પછીથી તેમને રાષ્ટ્રપતિ પદક અને તુકારામને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

    કસાબ જીવિત પકડાયો ન હોત તો?

    જો કસાબ જીવિત પકડાયો ન હોત અને સમીર ચૌધરી બનીને મર્યો હોત તો આ હુમલાનો દોષ હિંદુઓના માથે નાખી દેવાયો હોત. હિંદુ આતંકવાદી થઈ ગયો હોત અને સંગઠનોને પણ આતંકી સંગઠનમાં ખપાવી દેવામાં આવ્યાં હોત. છાપાંમાં મોટા અક્ષરોએ હેડલાઈનનો લખાઈ હોત, પત્રકારો સમીર ચૌધરીનું ઘર શોધવા નીકળી પડ્યા હોત, કોઇકે પરિજનો અને પાડોશીઓને પણ શોધી કાઢ્યા હોત અને સમગ્ર હુમલો ઇસ્લામી આતંકવાદી હુમલો નહીં પણ હિંદુ આતંકવાદ તરીકે ખપાવી દેવામાં આવ્યો હોત. 

    આમ તો અહીંની દુર્બુદ્ધિજીવીઓ અને સેક્યુલરોની જમાત કાયમ ઇસ્લામી આતંકવાદી હુમલાઓને ઢાંકવા માટે ‘આતંકવાદને ધર્મ નથી હોતો’ના રાગ આલાપતી રહે છે, પણ જો 26/11ની ઘટનાઓ ષડયંત્ર અનુસાર બની હોત તો તેમની દલીલો શું હોત? સુજ્ઞ વાચક સારી રીતે જાણે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં