સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ (સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા) મંગળવારે (12 માર્ચ, 2024) ભારતીય ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બૉન્ડનો તમામ ડેટા સોંપી દીધો છે. હવે ઈલેક્શન કમિશને આદેશ મુજબ અગામી 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલાં SBIએ આપેલો આ ડેટા પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કરવાનો રહેશે. આ મામલે ચૂંટણી પંચે પણ પુષ્ટિ કરી છે કે તેમને SBI દ્વારા માહિતી પહોંચાડી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, SBI તરફથી આપવામાં આવેલું ઈલેક્ટોરલ બૉન્ડનું વિવરણ હાલ રફ ફોરમેટમાં છે. ચૂંટણી પંચ તેને યોગ્ય સ્વરૂપમાં ઢાળ્યા બાદ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરશે. આ માટે ડેડલાઇન શુક્રવાર (15 માર્ચ, 2024) નક્કી કરવામાં આવી છે. કમિશન દ્વારા X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી કે તેમને ઈલેક્ટોરલ બૉન્ડની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે.
In compliance of Hon’ble Supreme Court's directions to the SBI, contained in its order dated Feb 15 & March 11, 2024 (in the matter of WPC NO.880 of 2017), data on electoral bonds has been supplied by State Bank of India to Election Commission of India, today, March 12, 2024.
— Spokesperson ECI (@SpokespersonECI) March 12, 2024
આ મામલે 11 માર્ચના આદેશમાં સુપ્રીમ કોર્ટે SBIને કહ્યું હતું કે તેમણે 12 માર્ચ સુધીમાં ઑફિસ ટાઈમમાં કમિશનને ઈલેક્ટોરલ બૉન્ડની માહિતી આપી દેવાની રહશે. જો બેન્ક કોર્ટના આદેશોની અવગણના કરે તો અદાલતની અવમાનના માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવી પણ ચીમકી સુપ્રીમ તરફથી આપવામાં આવી હતી. જોકે, તેવી કોઇ નોબત આવી નહીં અને SBIએ નિયત સમયમાં તમામ ઈલેક્ટોરલ બૉન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપી દીધો હતો. હવે કમિશન તેને પોતાની વેબસાઈટ પર ચડાવશે.
શું છે ઈલેક્ટોરોલ બોન્ડ?
ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમ વર્ષ 2017ના બજેટમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે 29 જાન્યુઆરી, 2018ના રોજ તેને મંજૂરી આપી હતી. આ યોજનાને લાગુ કરવા પાછળનો વિચાર એ હતો કે, તેનાથી રાજકીય પાર્ટીઓને મળતા ફન્ડિંગમાં પારદર્શિતા વધશે. ઈલેક્ટોરલ બૉન્ડ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે. સરકારે કહ્યું હતું કે આ વ્યવસ્થાથી રાજકીય ફન્ડિંગમાં બ્લેક મની અને અન્ય ગોટાળા પર રોક લાગશે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 29A હેઠળ નોંધાયેલ રાજકીય પક્ષો જ આ ચૂંટણી બૉન્ડ સ્વીકારવા માટે પાત્ર હતા. શરત માત્ર એટલી હતી કે છેલ્લી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઓછામાં ઓછા એક ટકા મત મળવા જોઈએ. બૉન્ડ ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બૉન્ડ દાન કરી શકે છે. સ્ટેટ બેન્કની 29 શાખાઓને ચૂંટણી બૉન્ડ ઇસ્યુ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરી, 2024ના એક આદેશમાં આ સ્કીમને ગેરબંધારણીય ઠેરવીને રોક લગાવી દીધી હતી અને SBIને તમામ માહિતી ચૂંટણી પંચને સોંપવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ SBI થોડો વધુ સમય માંગવા માટે કોર્ટ પહોંચી હતી, પરંતુ સોમવારે (11 માર્ચ) કોર્ટે અરજી ફગાવી દીધી અને મંગળવાર સુધીમાં માહિતી આપવા જણાવ્યું હતું. જેનું આખરે બેન્કે પાલન કર્યું છે.