સીમા હૈદર-સચિન મીણા અને અંજુ-નસરુલ્લાહની ચર્ચાઓ હજુ પૂરી નથી થઇ ત્યાં જ શ્રીલંકાની શિવકુમારી લગ્ન કરવા આંધ્રપ્રદેશ આવી પહોંચતાં ચર્ચાઓને નવો વેગ મળ્યો છે. આ ઘટના આંધ્રપ્રદેશની છે, જ્યાં શ્રીલંકાની રહેવાસી શિવકુમારી વિગ્નેશ્વરી પોતાના 6 વર્ષ જૂના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરીને ઘરસંસાર માંડી ચૂકી છે. તો બીજી તરફ પોલીસે તેને નોટીસ ફટકારીને દેશ છોડી દેવા કહ્યું છે.
અહેવાલો અનુસાર આ આખી ઘટના ચિત્તૂર જિલ્લાના અરિમાકુલપલ્લે વિસ્તારના કે.વી કોટા મંડળની છે. જ્યાં રાજમિસ્ત્રીનું કામ કરતા લક્ષ્મણ અને શ્રીલંકાની રહેવાસી શિવકુમારી વિગ્નેશ્વરી વર્ષ 2017માં ફેસબુક ફ્રેન્ડ બન્યા હતા. બંને વચ્ચે મિત્રતા બાદ વાતચીત શરુ થઇ હતી અને અંતે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદ બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
લક્ષ્મણ અને શિવકુમારી બંને સાથે રહેવા માંગતા હતા. પરંતુ બંનેના માત્ર દેશો જ અલગ હતા એટલું જ નહીં, પણ આ વખતે સરહદ પાર કરવાની સાથે સાથે સમુદ્ર પાર કરવાનો પણ મુદ્દો હતો. આવી સ્થિતિમાં શ્રીલંકાની શિવકુમારી લગ્ન કરવા આંધ્રપ્રદેશ આવશે તેવો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે ભારતના ટૂરિસ્ટ વિઝા મેળવ્યા હતા. ત્યારબાદ 8 જુલાઈ 2023ના રોજ કોલંબોથી ફ્લાઈટ દ્વારા ચેન્નઈ પહોંચી હતી.
લક્ષ્મણ પહેલેથી જ આતુરતાથી શિવકુમારી વિગ્નેશ્વરીની રાહ જોઈ રહ્યો હતો. તેથી તે તેને લેવા માટે ચેન્નઈ એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાંથી તે તેને ઘરે લઈ આવ્યો હતો. લગભગ 12 દિવસ સાથે રહ્યા બાદ બંનેએ 20 જુલાઈ 2023ના રોજ વી કોટા મંડળના મંદિરમાં પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા. આ પછી તેમના લગ્નની ખબરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ સમાચાર વાયરલ થયા બાદથી બંનેને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
વાસ્તવમાં શિવકુમારી વિગ્નેશ્વરી 8 જુલાઈએ ટૂરિસ્ટ વિઝા પર શ્રીલંકાથી ભારત આવી હતી. આવી સ્થિતિમાં તેના વિઝા 15 ઓગસ્ટે પૂરા થઈ જશે. આથી પોલીસે તેને વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં ભારત છોડીને શ્રીલંકા પરત જવા અથવા તેના વિઝા લંબાવવા જણાવ્યું છે. શિવકુમારી વિગ્નેશ્વરી કહે છે કે તે અહીં તેના પતિ લક્ષ્મણ સાથે રહેવા માંગે છે. તેથી તે ભારત છોડશે નહીં. સાથે જ તેણે ભારત સરકારને નાગરિકતા આપવાની માંગ કરી છે.
આ મામલે ચિત્તૂરના એસપી વાય રિષાંત રેડ્ડીનું કહેવું છે કે, “પોલીસે શિવકુમારીને ભારતની નાગરિકતા લેવાની પ્રક્રિયા વિશે સમજાવ્યું છે. તેમને તેમના લગ્નની સત્તાવાર નોંધણી કરવાની સલાહ પણ આપવામાં આવી છે. આ નોંધણી ભવિષ્યની કોઈપણ સમસ્યા સમયે તે બંને માટે ઉપયોગી થઈ શકે છે.” આ દરમિયાન શનિવારે (29 જુલાઈ, 2023) શિવકુમારીએ તેના વિઝાને એક વર્ષ માટે લંબાવવા માટે અરજી કરી છે. તેણે એક ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા હોવાથી શિવકુમારીને આશા છે કે તે તેના વિઝા લંબાવવામાં આવશે.