મંગળવારે (16 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં ડિજિટલ ઇન્ડિયા યોજનાનો વ્યાપ વધારવાની મંજુરી આપી દેવામાં આવી છે. જેના માટે 14,903 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ યોજના માટે સવા 6 લાખ આઈટી પ્રોફેશનલ્સની સ્કિલ ડેવલપ કરવામાં આવશે. જે અંતર્ગત ‘ફ્યુચરસ્કિલ પ્રાઈમ પ્રોગ્રામ’ ચલાવીને તેમના કૌશલનો વિકાસ કરવામાં આવશે. સાથે જ ‘ઇન્ફોર્મેશન સિક્યોરિટી એન્ડ એજ્યુકેશન અવેયરનેસ ફેઝ (ISEA)’ પ્રોગ્રામને લઈને પણ 2.65 લાખ લોકોને પ્રશિક્ષણ આવામાં આવશે.
નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયા યોજનાના નવા યુગમાં હવે UMANG પ્લેટફોર્મ પર 540 નવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભારત સરકારની તમામ સેવાઓ માટે સિંગલ ડેસ્ટીનેશન પ્લેટફોર્મ છે. ‘નેશનલ સુપર કમ્પ્યુટર મિશન’ અંતર્ગત નવા સુપર કમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવશે. ‘ભાષિણી’ નામના એક AI (આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ) થી લેસ બહુભાષી ટૂલ પર વર્તમાનમાં 10 ભાષાઓ ઉપલબ્ધ છે, જેને હવે આઠમી અનુસૂચિમાં સંમેલિત 22 ભાષાઓથી યુક્ત કરવામાં આવશે, જે અંતર્ગત લોકો ઈંટરનેટ સેવાઓનો લાભ લઇ શકશે.
Today’s Cabinet decision on the expansion of the Digital India programme is a testament to our commitment towards a technologically empowered India.
— Narendra Modi (@narendramodi) August 16, 2023
It will boost our digital economy, provide better access to services and strengthen our IT ecosystem. https://t.co/DKMSpngdSj https://t.co/vYz6kBk3BD
આ ઉપરાંત 1787 શૈક્ષણિક સંસ્થાઓને એક સાથે જોડતા ‘નેશનલ નોલેજ નેટવર્ક’ (NKN) ને પણ આધુનિક બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ‘DigiLocker’ હેઠળ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેવાઓ હવે MSME અને અન્ય ક્ષેત્રોમાં પણ ઉપલબ્ધ થશે. મધ્યમ અને નાના શહેરો એટલે કે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં 1200 સ્ટાર્ટઅપને સહાયતા આપવામાં આવશે. AIને લઈને સ્વાસ્થ્ય, કૃષિ અને સસ્ટેનેબલ શહેરો એમ 3 ‘સેન્ટર ઓફ એક્સીલેંસ’પણ સ્થાપવામાં આવશે.
આ સાથે જ કૉલેજના 12 કરોડ વિદ્યાર્થીઓ માટે સાયબર અવેરનેસ કોર્સ લાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાયબર સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, ઉદાહરણ તરીકે, ‘નેશનલ સાયબર કોઓર્ડિનેશન સેન્ટર’ માંથી 200 થી વધુ ટુલ્સ અને ઈંસ્ટેગ્રેશન્સ વિકસિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કેન્દ્રીય કેબીનેટનો આ નિર્ણય ટેકનોલોજીથી સશક્ત ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.” તેમણે કહ્યું કે, આનાથી માત્ર ડિજિટલ અર્થવ્યવસ્થાને જ પ્રોત્સાહન નહીં મળે પરંતુ આઇટી સેવાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે અને આપણી આઇટી ઇકોસિસ્ટમ પણ મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જુલાઈ 2015માં ‘ડિજિટલ ઇન્ડિયા’ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત સામાન્ય નાગરિકોને વધુને વધુ ઓનલાઈન સેવાઓ પૂરી પાડવાનો, ઈન્ટરનેટ કનેક્ટિવિટી વધારવાનો અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો ધ્યેય હતો. ગામડાઓ ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યા હતા. ડિજિટલ લાઈબ્રેરી બનાવવામાં આવી હતી. ઈ-કોમર્સ ક્ષેત્રે અનેક કામો કરવામાં આવ્યા હતા. ‘PMGDisha’ અંતર્ગત, ગ્રામજનોને ડિજિટલ સાક્ષરતા સાથે જોડવામાં આવ્યા, જેનાથી ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં પણ વધારો થયો છે.