ભારતનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ બનીને તૈયાર છે. શુક્રવારે (12 જાન્યુઆરી, 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજનું નામ આપવામાં આવ્યું છે- અટલ સેતુ અને તે સ્થિત છે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક તરીકે પણ ઓળખાતા બ્રિજને અટલ સેતુ (પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના નામ પરથી) નામ આપવામાં આવ્યું છે. તે મુંબઈના શિવડીને ન્હાવાશેવા સાથે જોડશે. તેની કુલ લંબાઈ 21.8 કિલોમીટર છે, જે તેને ભારતનો સૌથી લાંબો બ્રિજ બનાવે છે. કુલ લંબાઈમાંથી 16.5 કિલોમીટર ભાગ દરિયામાં છે. શુક્રવારે બપોરે 3:30 વાગ્યે PM મોદી તેનું ઉદ્ઘાટન કરશે.
वाहतूकीच्या पायाभूत क्षेत्राचा कायापालट करणारा प्रकल्प अशी ओळख असलेल्या ‘अटल बिहारी वाजपेयी शिवडी- न्हावा शेवा अटल सेतू’ चे रात्रीच्या वेळचे हे मनोहारी दृश्य…#MTHLInauguration#MumbaiConnects#BridgeOfProgress#MTHL pic.twitter.com/PCClE4JXNg
— CMO Maharashtra (@CMOMaharashtra) January 11, 2024
આ બ્રિજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા મહારાષ્ટ્રના પાટનગર માટે આશીર્વાદ સાબિત થઈ પડશે. તે મુંબઈથી નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘટાડશે અને સાથે રાયગઢ જિલ્લાને મુંબઇની ઇકોનોમિક ઇકોસિસ્ટમ સાથે જોડવામાં પણ મદદ કરશે. આ પહેલાં મુંબઈથી નવી મુંબઈ વચ્ચે મુસાફરી કરવામાં 2 કલાકનો સમય લાગતો હતો, જે હવે માત્ર 20 મિનીટ જેટલો રહી જશે.
100 વર્ષ સુધી અડીખમ રહેશે, દરરોજ 70 હજાર વાહનો અવરજવર કરશે
સરકારે આપેલી જાણકારી અનુસાર, આ બ્રિજ પાછળ કુલ ₹17,840 કરોડનો ખર્ચ થયો છે. તેમાં કુલ 1,77,903 મેટ્રિક ટન સ્ટીલ વાપરવામાં આવ્યું છે અને 5,04,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે. બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે 100 વર્ષ સુધી અડીખમ રહી શકે અને દરરોજ 70,000 વાહનો તેની ઉપર સરળતાથી અવરજવર કરી શકે. તેની ઉપરના લાઇટિંગ પોલ એ રીતે ઉભા કરવામાં આવ્યા છે કે ચોમાસા દરમિયાન ભારે ઝડપથી પવન ફૂંકાય તોપણ તેને કોઇ વાંધો ન આવે અને સાથે વીજળીથી બચાવવા માટે લાઇટનિંગ પ્રોટેક્શન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને તરફ જે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યાં છે તે પણ અત્યંત મજબૂત અને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસારનાં છે. તેને કોંક્રિટ અને મેટલથી બનાવવામાં આવ્યાં છે. આ સાથે સમગ્ર બ્રિજ પર કુલ 400 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
નાનાં વાહનોને પ્રવેશ નિષેધ
જોકે, આ બ્રિજ પર માત્ર કાર, ટેક્સી, બસ વગેરે વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. બાઇક, ઓટોરિક્ષા અને ટ્રેક્ટર માટે અહીં પ્રવેશ નિષેધ હશે. બ્રિજ પર ફોર વ્હીલર વાહનો માટે મહત્તમ ઝડપ 100 કિલોમીટર/કલાકની હશે. જ્યારે ચડતી-ઉતરતી વખતે આ સ્પીડ લિમિટ 40 કિમી/કલાક હશે. બ્રિજનો ટોલ ₹250 (સિંગલ જર્ની) નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે રિટર્ન જર્નીની રકમ આ રકમથી દોઢ ગણી ઓછી હશે. દૈનિક પાસ તેની અઢી ગણી રકમ અને માસિક પાસ ટોલની કિંમતના 50 ગણી રકમ જેટલો હશે.
6 દાયકા પહેલાં પ્રસ્તાવિત થયો હતો, આખરે ફડણવીસ સરકારે શરૂ કરાવ્યું હતું કામ
આ પ્રોજેક્ટ આજથી 6 દાયકા પહેલાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. 1962માં એક અભ્યાસમાં આ પ્રોજેક્ટની ચર્ચા પ્રથમ વખત થઈ હતી. આખરે 1994માં મહારાષ્ટ્ર સરકારે તેની ઉપર કામ શરૂ કર્યું, પરંતુ પછી પણ એક દાયકો લાગી ગયો. 2006માં ટેન્ડર બોલાવવામાં આવ્યાં. પરંતુ પછી પણ કામ પાછળ ઠેલાતું રહ્યું. 2017માં MMRDAએ જાપાનની એક એજન્સી સાથે સમજૂતી કરાર કર્યા અને એપ્રિલ, 2018માં તેની ઉપર કામ શરૂ થયું.
આ પ્રોજેક્ટમાં કુલ 5,403 જેટલા કર્મચારીઓ અને એન્જિનિયરોએ દિવસ-રાત કામ કર્યું અને બ્રિજને આકાર આપ્યો. દરમ્યાન, 7 જેટલા શ્રમિકો મૃત્યુ પણ પામ્યા. બ્રિજના નિર્માણમાં સૌથી પડકારજનક હતું દરિયામાં બાંધકામ કરવું. પરંતુ ઇજનેરોની કુશળતા અને શ્રમિકોની મહેનતને જોરે તે પણ શક્ય બન્યું.
મુંબઈને મળવા જઈ રહેલો આ બ્રિજ ન માત્ર ટ્રાફિકની સમસ્યા ઉકેલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં યોગદાન આપશે, પરંતુ રાજ્યના આર્થિક વિકાસને પણ વેગવંતો બનાવશે.