બિગબોસ વિનર અને જાણીતા યુ-ટ્યુબર એલ્વિશ યાદવ સામે નોઇડાના એક પોલીસ મથકમાં FIR દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે. FIRમાં અન્ય 5 વ્યક્તિઓનાં પણ નામ છે.
આ ફરિયાદ એક ગૌરવ ગુપ્તા નામના વ્યક્તિએ દાખલ કરાવી છે, જેમણે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ સાંસદ મેનકા ગાંધીની સંસ્થા PFAમાં એનિમલ વેલફેર ઓફિસર છે. તેમણે આરોપ લગાવ્યો છે કે એલવીશ યાદવ ઝેરીલા સાપો સાથે નોઇડા અને NCRનાં ફાર્મમાં વિડિયો શૂટ કરે છે અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટી કરે છે.
ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે, આ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓને બોલાવવામાં આવે છે અને સાપના ઝેર અને નશાકારક પદાર્થોનું સેવન કરવામાં આવે છે. આગળ જણાવ્યું કે, પુષ્ટિ માટે તેમના એક માણસે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો હતો અને નોઇડામાં રેવ પાર્ટી કરવા માટે તેમજ સાપ અને કોબ્રા વેનમ (ઝેર)નો પ્રબંધ કરવા માટે કહ્યું હતું, જેના માટે યાદવે એક એજન્ટનો નંબર આપ્યો હતો.
આગળ કહ્યું કે, જ્યારે સંસ્થાના માણસે આ એજન્ટનો સંપર્ક કર્યો તો તે પાર્ટી માટે તૈયાર થઈ ગયો અને કહ્યું કે તેઓ જ્યાં કહેશે ત્યાં તે સાથીઓ અને સાપને લઈને આવી જશે. ત્યારબાદ 2 નવેમ્બરના રોજ તે પોતાની ટીમ સાથે નોઇડા સેક્ટર 51 સ્થિત એક બેંકવેટ હોલમાં આવ્યો અને અહીં પ્રતિબંધિત સાપ બતાવવા માટે કહ્યું. સાપ જોવા મળતાં જ ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી અને સ્થળ પર આવવા માટે કહ્યું હતું.
ત્યારબાદ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને એજન્ટ સહિત 5 લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી. FIR અનુસાર, તપાસ દરમિયાન એજન્ટ પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું 20 મિલીલિટર સાપનું ઝેર મળી આવ્યું હતું. આ સાથે જ તેમની પાસેથી 9 જીવતા સાપ મળી આવ્યા, જેમાંથી 5 કોબ્રા હતા.
આ મામલે પોલીસે ગૌરવ ગુપ્તાની ફરિયાદના આધારે આ પાંચ તેમજ એલ્વિશ એમ કુલ 6 વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. તેમની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની કલમ 9, 39, 48A, 50, 51 અને IPCની કલમ 120-B હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
🙏🏻🙏🏻 pic.twitter.com/13WLDKJzYb
— Elvish Yadav (@ElvishYadav) November 3, 2023
આરોપો બાદ એલ્વિશ યાદવ પણ સામે આવ્યા છે. X પર એક વીડિયો પોસ્ટ કરીને તેમણે આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમાં એક ટકા પણ સત્ય નથી. એમ પણ કહ્યું કે, તેઓ યુપી પોલીસને તપાસમાં પુરતો સહયોગ આપશે. યુ-ટ્યુબરે કહ્યું કે, આ મામલે મારી સંડોવણી જો 0.1 ટકા પણ મળી જાય તો હું તમામ જવાબદારી લેવા માટે તૈયાર છું. પરંતુ ત્યાં સુધી મારું નામ ખરાબ કરવામાં ન આવે.
Uttar Pradesh Police registers FIR against YouTuber and Bigg Boss winner Elvish Yadav, for making available snake venom at rave parties
— ANI (@ANI) November 3, 2023
BJP MP and founder of People for Animals (PFA), Maneka Gandhi says, "He should be arrested immediately. This is a grade-I crime – that means… pic.twitter.com/26qX6gciG3
મેનકા ગાંધીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે PFAએ (તેમની સંસ્થા) જ છટકું ગોઠવીને આરોપીઓને પકડ્યા છે. એલ્વિશ યાદવ વિશે કહ્યું કે, “આ વ્યક્તિ પર અમારી નજર ઘણા સમયથી હતી. તે વીડિયો વગેરે બનાવે છે તેમાં સાપ જોવા મળે છે. આ સાપનો ઉપયોગ કરવા પર 7 વર્ષની સજા હોય છે. પછીથી અમને જાણવા મળ્યું કે તે ઝેર વેચે છે. જેથી છટકું ગોઠવવા માટે અમે ફોન કર્યો કે અમે પાર્ટી કરવા માંગીએ છીએ જેથી તેઓ લોકોને મોકલે. પહેલાં તેમણે પુષ્ટિ કરી અને પછી સાપ અને ઝેર સાથે 5 લોકોને મોકલ્યા હતા.” તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે યાદવ ગુરૂગ્રામ અને નોઇડામાં આ ચીજો સપ્લાય કરે છે. તેમણે એલ્વિશ યાદવની ધરપકડની પણ માંગ કરી હતી.